<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

યુપી ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કૌશલ કિશોરની રહસ્યમય સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકારણમાં ભૂકંપ; 'દડો હવે નીચે આવી રહ્યો છે, પતન રોકી શકાતું નથી' તેવા નિવેદનથી ભારે ખળભળાટ

સોમવાર અને મંગળવારે સળંગ પોસ્ટ કરીને સંગઠનની નીતિઓ અને વિચારધારા પર ઉઠાવ્યા સવાલ; પક્ષની આંતરિક નારાજગી છતી થતાં રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમ

લખનૌ : ઉત્તર પ્રદેશના રાજકારણમાં એકાએક ગરમાવો આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને નરેન્દ્ર મોદી સરકારમાં ૨૦૨૧ થી ૨૦૨૪ સુધી રાજ્યમંત્રી તરીકે સેવા આપી ચૂકેલા કૌશલ કિશોરે સોશિયલ મીડિયા પર કરેલી કેટલીક રહસ્યમય અને વિવાદાસ્પદ પોસ્ટ્સને કારણે રાજ્યના રાજકીય કોરિડોરમાં હલચલ મચી ગઈ છે. કૌશલ કિશોર પોતે ભાજપના સ્તંભ સમાન વરિષ્ઠ નેતા છે અને તેમની પત્ની પણ હાલમાં ભાજપના ધારાસભ્ય છે, તેમ છતાં તેમની આ પ્રકારની જાહેરસિંહાસન સામેની ટિપ્પણીઓથી પક્ષની અંદર ખાને કંઈક રંધાઈ રહ્યું હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે.

 

સોમવારે સવારે કૌશલ કિશોરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક તીક્ષ્ણ નિવેદન આપતા લખ્યું હતું કે, "હું આજે એક મિત્ર સાથે વાત કરી રહ્યો હતો અને તેણે કહ્યું કે બોલ જેટલો ઉપર જઈ શકે તેટલો ઊંચો ગયો છે, અને હવે તે નીચે આવી રહ્યો છે. પતનની ગતિ વધી રહી છે; કોઈ પણ બોલના પતનને ધીમું કરી શકતું નથી." આ રૂપકાત્મક પોસ્ટના અર્થો કાઢવામાં આવી જ રહ્યા હતા કે મંગળવારે તેમણે વધુ એક ધારદાર પોસ્ટ કરીને આગમાં ઘી હોમવાનું કામ કર્યું. બીજી પોસ્ટમાં તેમણે ઉમેર્યું કે, "જ્યારે કોઈપણ સંગઠન કે ચળવળ પોતાની મૂળ પ્રતિબદ્ધતાઓ અને વિચારધારાથી ભટકી જાય છે, ત્યારે તે અંતે ત્યાં જ પાછી આવી જાય છે જ્યાંથી તેની શરૂઆત થઈ હતી, જેના કારણે જનતા અને વિચારધારા સાથે જોડાયેલા લોકોનો વિશ્વાસ તૂટી જાય છે."

 

પાર્ટી સ્તરે સન્નાટો, વિરોધીઓમાં ઉત્સાહ

કૌશલ કિશોરે પોતાની આ પોસ્ટ્સમાં સીધી રીતે કોઈ વ્યક્તિ કે પક્ષનું નામ લીધું નથી, પરંતુ રાજકીય વિશ્લેષકો તેને ભાજપની આંતરિક નીતિઓ અને વર્તમાન પરિસ્થિતિ પર સીધો કટાક્ષ માની રહ્યા છે. ચૂંટણીલક્ષી માહોલ વચ્ચે પક્ષના જ એક પૂર્વ મંત્રી દ્વારા આ પ્રકારની નિવેદનબાજી થતાં રાજકીય ગલિગારોમાં તરેહતરેહની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જોકે, આ સમગ્ર વિવાદ અંગે ભાજપ મોરચા તરફથી હજુ સુધી કોઈ પણ સત્તાવાર નિવેદન કે પ્રતિક્રિયા સામે આવી નથી, પરંતુ આંતરિક સ્તરે બેઠકો અને ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો હોવાનું મનાય છે.

 

(7:51 PM IST)