તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 24th June 2026
પુણેના લોહગડમાં ટ્રૅકરના મોતનું 'રહસ્ય' ખૂલ્યુંઃ લગ્ન માટે 17 કરોડનો પેલેસ બુક : શાહી તૈયારીઓ વચ્ચે મંગેતરે સાથે મળી પતાવી દીધો
લોનાવલા પોલીસે હત્યાનો ગુનો નોંધીને બંને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી: હાઈ-પ્રોફાઈલ મર્ડર મિસ્ટ્રીએ સમગ્ર મહારાષ્ટ્ર અને વ્યાપારી જગતને હચમચાવી દીધું

મહારાષ્ટ્રના પુણે નજીક આવેલા ઐતિહાસિક લોહગઢ કિલ્લા પરથી સેલ્ફી લેતી વખતે પગ લપસવાના કારણે થયેલા મોતના કેસમાં અત્યંત ચોંકાવનારો અને કંપારી છૂટી જાય તેવો ખુલાસો થયો છે. પિંપરી-ચિંચવડના જાણીતા કન્સ્ટ્રક્શન બિઝનેસમેન વિશાલ અગ્રવાલના પુત્ર કેતન અગ્રવાલના મૃત્યુનો મામલો હવે અકસ્માત નહીં પરંતુ પૂર્વ આયોજિત હત્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હૃદય કંપાવી દેનારી આ ઘટનામાં કેતનની જ મંગેતરે પોતાના પ્રેમી સાથે મળીને આ ક્રૂર કાવતરાને અંજામ આપ્યો હોવાનું ખુલતા બંને પરિવારો સ્તબ્ધ થઈ ગયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગુરુવાર 18 જૂનના રોજ કેતન અગ્રવાલ પોતાની મંગેતર સિયા ગોયલનો જન્મદિવસ ઉજવવા માટે લોનાવલા પાસેના લોહગઢ કિલ્લા પર ટ્રેકિંગ માટે ગયો હતો. નવેમ્બર મહિનામાં બંનેના લગ્ન થવાના હોવાથી કેતન પોતાના ભવિષ્યના અનેક સપનાઓ આંખોમાં સજાવીને સિયા સાથે સમય વિતાવવા પહોંચ્યો હતો.
શરૂઆતમાં સિયા ગોયલે પોલીસને વાર્તા ઘડીને જણાવ્યું હતું કે, કિલ્લા પર સુંદર નજારો માણતી વખતે અને ફોટોગ્રાફ્સ ક્લિક કરતી વખતે અચાનક કેતનનો પગ લપસી ગયો હતો અને તે ઊંડી ખીણમાં ખાબક્યો હતો. ઘટનાની જાણ થતાં જ બચાવ ટુકડીએ ભારે જહેમત બાદ આશરે ત્રણ કલાકના ઓપરેશન પછી કેતનનો મૃતદેહ ખીણમાંથી બહાર કાઢ્યો હતો.
પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માત લાગતી આ ઘટનાની જ્યારે લોનાવલા પોલીસે ઝીણવટભરી તપાસ શરૂ કરી ત્યારે સિયાના નિવેદનોમાં અનેક વિસંગતતાઓ જોવા મળી હતી. શંકા દ્રઢ થતાં પોલીસે ટેકનિકલ એનાલિસિસનો સહારો લીધો. સિયાના મોબાઈલ ડેટા, કોલ લોગ્સ અને ઘટના સ્થળે હાજર અન્ય પ્રવાસીઓના નિવેદનોની કડીઓ જોડતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
તપાસ દરમિયાન સામે આવ્યું કે કેતન જાતે નથી પડ્યો, પરંતુ તેને સિયા અને તેના પ્રેમીએ મળીને ઊંડી ખીણમાં ધકેલી દીધો હતો. આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે. હાલમાં પોલીસે મંગેતર સિયા ગોયલ અને તેના પ્રેમીને કસ્ટડીમાં લઈ લીધા છે.
આ ઘટના અત્યંત પરેશાન કરનારી છે. કોઈ વ્યક્તિ પોતાના થનારા જીવનસાથી સાથે આટલી હદ સુધી ક્રૂર અને નિર્દયી કેવી રીતે હોઈ શકે? અમે તમામ પાસાઓની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ
કેતન અગ્રવાલ પુણેના પ્રતિષ્ઠિત વ્યાપારી અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રના અગ્રણી વિશાલ અગ્રવાલના પુત્ર હતા. બંને પરિવારો ઉચ્ચ ભદ્ર વર્ગમાંથી આવતા હોવાથી લગ્નની તૈયારીઓ અત્યંત ભવ્ય અને રોયલ અંદાજમાં ચાલી રહી હતી. આગામી નવેમ્બર મહિનામાં રાજસ્થાનના જયપુર ખાતે શાહી લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લગ્ન માટે જયપુરમાં આશરે 17 કરોડ રૂપિયાના ખર્ચે આખો આલીશાન પેલેસ બુક કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, દેશ-વિદેશથી આવનારા ખાસ મહેમાનોની અવરજવર માટે બે પ્રાઈવેટ જેટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. બંને પરિવારોમાં ખુશીનો માહોલ હતો, પરંતુ આ આયોજનો લગ્નમંડપ સુધી પહોંચે તે પહેલા જ સ્મશાનયાત્રામાં ફેરવાઈ ગયા.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જે હેતુ સામે આવ્યો છે તે ચોંકાવનારો છે. સિયા ગોયલ આ હાઈ-પ્રોફાઈલ લગ્ન કરવા માટે રાજી નહોતી. તે અન્ય એક યુવકના પ્રેમમાં પાગલ હતી. પરિવારના દબાણ કે અન્ય કારણોસર સગાઈ તો થઈ ગઈ, પરંતુ તે કેતનથી હંમેશા માટે છુટકારો મેળવવા માંગતી હતી.
કેતનને રસ્તામાંથી હટાવવા માટે સિયાએ પોતાના પ્રેમી સાથે મળીને એક ખતરનાક પ્લાન બનાવ્યો. પોતાના જન્મદિવસને મોહરો બનાવીને તે કેતનને લોહગઢના ટ્રેકિંગ પર લઈ ગઈ, જ્યાં પ્લાન મુજબ તેનો પ્રેમી પણ અન્ય સાથીદારો સાથે ગુપ્ત રીતે પહોંચી ગયો હતો. જેવો જ મોકો મળ્યો, તેઓએ નિર્દોષ કેતનને ખીણની કિનારેથી સીધો નીચે ફેંકી દીધો, જેથી આ સમગ્ર મામલો એક સામાન્ય અકસ્માત જેવો દેખાય.
હાલમાં લોનાવલા પોલીસે હત્યાનો ગુનો નોંધીને બંને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે. આ હાઈ-પ્રોફાઈલ મર્ડર મિસ્ટ્રીએ સમગ્ર મહારાષ્ટ્ર અને વ્યાપારી જગતને હચમચાવી દીધું છે.
(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
