તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 26th April 2026
રાજસ્થાન રિફાઇનરીમાં ભીષણ આગનું રહસ્ય ખુલ્યું: પ્રેશર ગેજમાં લીકેજથી ભભૂકી જ્વાળાઓ, અબજોનો પ્રોજેક્ટ ફરી બેઠો થતા લાગશે સમય
PM મોદીના હસ્તે ઉદ્ઘાટન થાય તે પૂર્વે જ સર્જાયેલી હોનારત બાદ હવે મે મહિનાના અંત સુધીમાં પ્લાન્ટ કાર્યરત થવાની આશા, નિષ્ણાતોની ટીમ દ્વારા હીટ એક્સ્ચેન્જર સ્ટેકમાં થયેલા નુકસાનનું બારીકાઈથી નિરીક્ષણ

બાલોત્રા: હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) ના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એવી રાજસ્થાન રિફાઇનરીમાં લાગેલી આગનું પ્રાથમિક કારણ વેક્યુમ રેસીડ્યુ લાઇન પરના પ્રેશર ગેજમાં થયેલું લીકેજ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગ અનુસાર, 20 એપ્રિલના રોજ લાગેલી આ આગ હીટ એક્સ્ચેન્જર સ્ટેક સુધી મર્યાદિત હતી, જેમાં છ એક્સ્ચેન્જર્સ અને અન્ય ટેકનિકલ સાધનોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ દુર્ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે યોજાનાર ઉદ્ઘાટન કાર્યક્રમ પણ મુલતવી રાખવાની ફરજ પડી હતી.
રિફાઇનરીના સૌથી મહત્વના ગણાતા ક્રૂડ ડિસ્ટિલેશન યુનિટ (CDU) ને ફરીથી કાર્યરત કરવા માટે ત્રણથી ચાર અઠવાડિયાનો સમય લાગી શકે તેમ છે. કંપનીના જણાવ્યા મુજબ, મે મહિનાના બીજા પખવાડિયામાં સમારકામ પૂર્ણ થયા બાદ ટ્રાયલ રન શરૂ કરવામાં આવશે. જોકે, અન્ય ગૌણ યુનિટ્સમાં કમિશનિંગની પ્રક્રિયા યોજના મુજબ આગળ વધી રહી છે, જે રાહતના સમાચાર છે. પેટ્રોલિયમ મંત્રાલયે આ ગંભીર બેદરકારી અથવા ટેકનિકલ ખામીની તપાસ માટે એમ. વેંકટેશની આગેવાનીમાં એક ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી છે.
વાર્ષિક નવ મિલિયન ટન ઉત્પાદન ક્ષમતા ધરાવતી આ 24મી રિફાઇનરી ભારત માટે પેટ્રોકેમિકલ ક્ષેત્રે ગેમ-ચેન્જર સાબિત થવાની છે. આગામી મે મહિનામાં એલપીજી, પેટ્રોલ અને ડીઝલ જેવા મુખ્ય ઇંધણનું ઉત્પાદન શરૂ થવાની સંભાવના છે. હાઈડ્રોકાર્બન જ્યારે ઉચ્ચ દબાણવાળી સિસ્ટમમાં દાખલ થાય છે ત્યારે આવી ઘટનાઓ અત્યંત સંવેદનશીલ હોય છે, પરંતુ રૂ.79,450 કરોડના આ વિશાળ પ્રોજેક્ટમાં સુરક્ષાના માપદંડો સામે હવે અનેક સવાલો ઉભા થયા છે.
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
