તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 11th May 2026
નાગપુરમાં પત્ની સાથે ઝઘડો થતા યુવક નશાની હાલતમાં પાંચમા માળે પાઈપ અને એક વાયરના સહારે લટકી પડ્યો
અંદાજે એક કલાક સુધી ચાલેલા આ હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ફાયર બ્રિગેડના જવાનોએ કુનેહપૂર્વક યુવકને સુરક્ષિત રીતે ઉપર ખેંચી લીધો

મહારાષ્ટ્રના નાગપુરમાંથી એક હૃદયના ધબકારા વધારી દે તેવી ઘટના સામે આવી છે. જ્યાં પત્ની સાથેના પારિવારિક વિવાદ બાદ એક યુવકે નશાની હાલતમાં બિલ્ડિંગ પર ચઢીને જોખમી સ્ટંટ કરવાનું શરૂ કર્યું હતું. પાઈપના સહારે નીચે ઉતરવા જતાં આ યુવક પાંચમા માળે હવામાં લટકી ગયો હતો. આ દ્રશ્ય જોઈને આસપાસના લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. અંતે ફાયર બ્રિગેડ અને પોલીસે ભારે જહેમત બાદ યુવકને સુરક્ષિત બહાર કાઢતા મોટી દુર્ઘટના ટળી હતી.
ઘટનાની વિગત એવી છે કે, વાડી વિસ્તારમાં રહેતા આકાશ તિવારી નામના યુવકનો તેની પત્ની સાથે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ ઝઘડાને કારણે તેની પત્ની પિયરમાં રહેતી હતી. રવિવારે આકાશ નશાની હાલતમાં સાસરે પહોંચ્યો હતો, જ્યાં ફરી એકવાર પત્ની સાથે ઉગ્ર બોલાચાલી અને આક્ષેપ-પ્રતિઆક્ષેપ થયા હતા. આ વિવાદ બાદ આવેશમાં આવીને આકાશ સીધો રામદાસપેઠ વિસ્તારમાં આવેલા આશિષ એપાર્ટમેન્ટ પહોંચ્યો હતો.
આવેશમાં આવેલો આકાશ એપાર્ટમેન્ટની છત પર ચઢી ગયો હતો અને પાઈપના સહારે નીચે ઉતરવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. જોકે, દારૂના નશામાં સંતુલન બગડતા તે પાંચમા અને છઠ્ઠા માળની વચ્ચે બારીની એક સાંકડી પટ્ટી પર ફસાઈ ગયો હતો. પોતાનો જીવ બચાવવા તેણે ત્યાંથી પસાર થતો એક વાયર પકડી રાખ્યો હતો. જો સહેજ પણ હાથ છૂટ્યો હોત, તો તે સીધો નીચે પટકાત અને તેનું કરુણ મોત નીપજી શક્યું હોત.
બિલ્ડિંગ પર યુવકને લટકતો જોઈ સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો હતો અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી ટીમે યુવકને શાંત રાખવા માટે નીચેથી સૂચનાઓ આપી હતી. યુવક ગભરાઈને હાથ છોડી ન દે તે માટે તેને પાણીની બોટલ મોકલવામાં આવી હતી અને ત્યારબાદ નાયલોનની સીડી અને રસીના સહારે તેને ઉપર ખેંચવા માટે કવાયત શરૂ કરી હતી.
અંદાજે એક કલાક સુધી ચાલેલા આ હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ફાયર બ્રિગેડના જવાનોએ કુનેહપૂર્વક યુવકને સુરક્ષિત રીતે ઉપર ખેંચી લીધો હતો. યુવક હેમખેમ બચી જતાં ત્યાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલમાં પોલીસે યુવકની અટકાયત કરી છે અને તેની પૂછપરછ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
