<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

નળસરોવર પ્રવાસીઓ માટે ખુલ્‍લું મુકાયું: રૂ.૨૬ કરોડના ખર્ચે થયો વિકાસ

ચોમાસાની સીઝન દરમિયાન પક્ષીઓના સંરક્ષણ અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્‍યાનમાં રાખીને જૂન મહિનાથી નળસરોવર બંધ રાખવામાં આવ્‍યું હતું : ઓનલાઇન પરમિટ બુકિંગ શરૂ, નવેમ્‍બરથી ફેબ્રુઆરી પક્ષીદર્શન માટે શ્રેષ્ઠ સમય

નવી દિલ્‍હી,તા.૧૬: ગુજરાતના પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે ખુશખબર સામે આવી છે. ગુજરાતનું વિશ્વપ્રસિદ્ધ નળસરોવર પક્ષી અભયારણ્‍ય ૯ ઓક્‍ટોબરથી સત્તાવાર રીતે પ્રવાસીઓ માટે ખુલ્‍લું મુકવામાં આવ્‍યું છે. ચોમાસાની સીઝન દરમિયાન પક્ષીઓના સંરક્ષણ અને પ્રવાસીઓની સુરક્ષાને ધ્‍યાનમાં રાખીને જૂન મહિનાથી નળસરોવર બંધ રાખવામાં આવ્‍યું હતું. જોકે, છેલ્‍લા એક અઠવાડિયાથી પ્રવાસીઓની અવરજવર શરૂ થઈ ગઈ હતી, પરંતુ હવે અભયારણ્‍ય સત્તાવાર રીતે પ્રવાસીઓ માટે ખુલ્‍લું થઈ ગયું છે. દેશ-વિદેશથી આવતા દુર્લભ અને યાયાવર પક્ષીઓને જોવા માટે નળસરોવર શ્રેષ્ઠ સ્‍થળ માનવામાં આવે છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં અહીં મોટી સંખ્‍યામાં પક્ષીઓ જોવા મળતા હોવાથી પક્ષીપ્રેમીઓ, ફોટોગ્રાફરો અને પ્રકૃતિપ્રેમીઓ માટે આ સ્‍થળ ખાસ આકર્ષણ ધરાવે છે.

આ વર્ષે પ્રવાસીઓને વધુ સારી સુવિધાઓ મળી રહે તે માટે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા અંદાજે રૂ.૨૬ કરોડના ખર્ચે નળસરોવરમાં વિકાસનાં કામો કરવામાં આવ્‍યાં છે. આ વિકાસકાર્યોના કારણે નળસરોવરનું રૂપ બદલાયું છે અને પ્રવાસીઓ માટે અહીંનું આકર્ષણ વધ્‍યું છે. પ્રવાસીઓની સુવિધા માટે નવો વોચ ટાવર, આકર્ષક પ્રવેશદ્વાર, આધુનિક ફૂડ કોર્ટ અને વિશાળ પાર્કિગ જેવી સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. આ સુવિધાઓથી પ્રવાસીઓની મુલાકાત વધુ સરળ અને આરામદાયક બનવાની આશા છે. નળસરોવર કુદરતી સૌંદર્ય, પાણીમાં જોવા મળતા પક્ષીઓ અને શાંત વાતાવરણ માટે જાણીતું છે. હવે નવી સુવિધાઓ ઉમેરાતાં અહીં આવતા પ્રવાસીઓની સંખ્‍યામાં પણ વધારો થઈ શકે છે. પરિવાર સાથે ફરવા જવા માગતા લોકો માટે પણ નળસરોવર એક ઉત્તમ પ્રવાસન સ્‍થળ બની રહ્યું છે.

નળસરોવરમાં બોટિગનો આનંદ માણવા માગતા પ્રવાસીઓ માટે હજુ થોડી રાહ જોવી પડશે. હાલ બોટિગ સેવા શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે અને તેના માટે સુરક્ષાને ખાસ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. વડોદરાના હરણી તળાવની દુર્ઘટના બાદ બોટિગની વ્‍યવસ્‍થામાં સલામતીના નિયમોનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. છેલ્‍લા બે વર્ષથી અહીં સ્‍થાનિક બોટોનું સંચાલન બંધ હતું. હવે વન વિભાગ અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા પ્રમાણિત ૧૦૦ નવી યાંત્રિક બોટો તથા પાંચ રેસ્‍ક્‍યૂ બોટો શરૂ કરવાની યોજના છે. બોટમેનને વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે અને તાલીમ પૂર્ણ થયા બાદ યોગ્‍ય રીતે પાસ થનાર બોટમેનને જ બોટ ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. બોટિગ સેવા દિવાળી સુધીમાં તબક્કાવાર શરૂ કરવાની યોજના જણાવાઈ છે. આ ઉપરાંત, પ્રવાસીઓ પાસેથી મનસ્‍વી ભાડાં વસૂલવામાં ન આવે તે માટે લાઇસન્‍સ પદ્ધતિ અને સત્તાવાર ભાડાં નક્કી કરવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. જોકે, બોટિગ શરૂ થવાની ચોક્કસ તારીખ અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે.

નળસરોવર સવારે ૬ વાગ્‍યાથી સાંજે ૫:૩૦ વાગ્‍યા સુધી પ્રવાસીઓ માટે ખુલ્‍લું રહેશે. અહીં સ્‍થાનિક અને વિદેશી યાયાવર પક્ષીઓ જોવા માટે નવેમ્‍બરથી ફેબ્રુઆરી મહિના સુધીનો સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. પ્રવાસીઓએ મુલાકાત માટે અગાઉથી ઓનલાઇન એન્‍ટ્રી પરમિટ બુક કરાવી લેવી જોઈએ. તેના માટે ગુજરાત વન વિભાગના સત્તાવાર 'Forest Eco Tourism Gujarat Booking પોર્ટલ પર જઈને 'Nal Sarovar' પસંદ કરવાનું રહેશે. ત્‍યારબાદ 'Permit Booking વિકલ્‍પ પર ક્‍લિક કરીને મુલાકાતની તારીખ, પ્રવાસીઓની સંખ્‍યા અને વાહનની વિગતો ભરવાની રહેશે. ઓનલાઇન પેમેન્‍ટ પૂર્ણ થયા બાદ ઇ-પરમિટ ડાઉનલોડ કરી શકાય છે, જે પ્રવેશદ્વાર પર બતાવવાની રહેશે. જો પેમેન્‍ટ કપાયા પછી પણ ટેકનિકલ ખામીને કારણે પરમિટ જનરેટ ન થાય, તો આપવામાં આવેલી માહિતી મુજબ ૧૫થી ૨૦ દિવસમાં રિફંડ મળી શકે છે. આવી સ્‍થિતિમાં પ્રવાસીઓ [email protected] પર વિગતો મોકલી શકે છે. સ્‍થાનિક રજિસ્‍ટર્ડ બર્ડ ગાઇડ્‍સ દ્વારા પણ શિયાળાની સીઝન માટે પક્ષીદર્શન અને ફોટોગ્રાફીના એડવાન્‍સ બુકિગની સુવિધા શરૂ કરવામાં આવી છે. તેથી નળસરોવરની મુલાકાત લેવાનું આયોજન કરતા પ્રવાસીઓએ ઓનલાઇન પરમિટ, બોટિગની નવી જાહેરાત અને સુરક્ષા સંબંધિત સૂચનાઓની માહિતી મેળવીને જ પ્રવાસનું આયોજન કરવું જોઈએ

(11:37 AM IST)