News of Wednesday, 25th November 2026
નમો ભારત ટ્રેનના મુસાફરો સાવધાન! ટિકિટ લીધા પછી આટલા સમયમાં મુસાફરી શરૂ નહીં કરો તો ભરવો પડશે તગડો દંડ : જાણો NCRTCનો નવો નિયમ
ટિકિટ ખરીદ્યાના માત્ર 2 કલાકમાં સ્ટેશનમાં પ્રવેશ ન કરવાથી ટિકિટ અમાન્ય થઈ જાય છે અને પ્રતિ કલાક લેખે દંડ વસૂલવામાં આવે છે : જોકે NCRTC એ હવે NCMC કાર્ડ ધારકો માટે એડવાન્સ ટ્રિપ પાસની ખાસ સુવિધા પણ શરૂ કરી

નવી દિલ્હી. ભારતની પ્રથમ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ એટલે કે 'નમો ભારત' ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરો માટે ટિકિટના નિયમો અંગે મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. જો તમે પણ નમો ભારત ટ્રેનમાં સફર કરવાનું વિચારી રહ્યા છો, તો ટિકિટની માન્યતા અવધિ વિશે જાણી લેવું અત્યંત જરૂરી છે, અન્યથા તમારી નાનકડી ભૂલ તમને આર્થિક નુકસાન કરાવી શકે છે. મુસાફરો સ્ટેશનના ટિકિટ કાઉન્ટર પરથી, NCMC (નેશનલ કોમન મોબિલિટી કાર્ડ) રિચાર્જ કરીને અથવા 'નમો ભારત' મોબાઇલ એપ્લિકેશન દ્વારા એમ કુલ ત્રણ રીતે ટિકિટ ખરીદી શકે છે.
નિયમ મુજબ, તમે ભલે ગમે તે માધ્યમથી સિંગલ જર્ની ટિકિટ ખરીદી હોય, પરંતુ ટિકિટ જનરેટ થયાના 2 કલાકની અંદર તમારે સ્ટેશન પર પહોંચીને મુસાફરી શરૂ કરવી ફરજિયાત છે. જો તમે નિર્ધારિત 2 કલાકના સમયગાળામાં સ્ટેશનમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ જાઓ છો, તો તમારી ટિકિટ આપોઆપ સમાપ્ત (Expire) અને અમાન્ય થઈ જશે. ત્યારબાદ જો તમે તે જ ટિકિટ પર મુસાફરી કરવાનો પ્રયાસ કરશો તો તમારે દંડ ભરવો પડશે. આ દંડ મુસાફરીમાં થયેલા વિલંબના કલાકો પર આધારિત હોય છે, જેમાં પ્રત્યેક એક કલાકના વિલંબ દીઠ ₹10 નો દંડ વસૂલવામાં આવે છે.
બીજી તરફ, મુસાફરોની સુવિધા વધારવા માટે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર પરિવહન નિગમ દ્વારા NCMC કાર્ડ ધારકો માટે એક શાનદાર નવો નિયમ પણ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ નવી સુવિધા હેઠળ, મુસાફરો હવે પોતાના NCMC કાર્ડનો ઉપયોગ કરીને અગાઉથી ટ્રિપ પાસ બુક કરાવી શકે છે, જેમાં ટ્રિપની સંખ્યા મુજબ અલગ-અલગ માન્યતા અવધિ મળે છે. જે મુજબ 1 ટ્રિપ માટે 15 દિવસ, 10 ટ્રિપ માટે 30 દિવસ, 15 અને 20 ટ્રિપ માટે 60 દિવસ તેમજ 40 ટ્રિપના પાસ માટે પૂરા 90 દિવસની વેલિડિટી આપવામાં આવે છે; બસ શરત એટલી જ છે કે મુસાફરોએ આ નિર્ધારિત સમયમર્યાદામાં પોતાની તમામ ટ્રિપ પૂર્ણ કરવાની રહેશે.
(8:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
