<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

નરેન્દ્ર મોદી સરકારનો કર્મચારીઓ માટે ઐતિહાસિક નિર્ણય: EPFO ની વેતન મર્યાદા ₹૧૫,૦૦૦ થી વધારી ₹૨૫,૦૦૦ કરાઈ!

૧૨ વર્ષ બાદ PF મર્યાદામાં મજબૂત વધારો, ૧૭ સપ્ટેમ્બરથી અમલી: દેશના આશરે ૫૧ લાખ કર્મચારીઓને મળશે નવું સામાજિક સુરક્ષા કવચ અને મોટો પેન્શન લાભ

નવી દિલ્હી, : કેન્દ્રીય કેબિનેટે દેશના નોકરીયાત વર્ગ અને કર્મચારીઓ માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) હેઠળ ફરજિયાત પ્રોવિડન્ટ ફંડ (PF) કવરેજ માટેની માસિક વેતન મર્યાદા (Wage Ceiling) ₹૧૫,૦૦૦ થી વધારીને ₹૨૫,૦૦૦ કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ નવો નિયમ ૧૭ સપ્ટેમ્બરથી જ સમગ્ર દેશમાં લાગુ થઈ જશે, જેનાથી લાખો પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

 

૫૧ લાખથી વધુ કર્મચારીઓને મળશે સીધો લાભ

 

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે નિર્ણયની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ સુધારાના કારણે દેશના આશરે ૫૧ લાખથી વધુ નવા કર્મચારીઓ ફરજિયાત EPFO કવરેજના દાયરામાં આવી જશે. છેલ્લે સપ્ટેમ્બર ૨૦૧૪માં આ વેતન મર્યાદા ₹૧૫,૦૦૦ કરવામાં આવી હતી. ત્યારપછીના ૧૨ વર્ષમાં કર્મચારીઓના વેતન માળખા અને મોંઘવારીમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને સરકારે આ સીમા વધારવાનો મોટો નિર્ણય લીધો છે. હવે ₹૧૫,૦૦૦ થી ₹૨૫,૦૦૦ વચ્ચે માસિક આવક ધરાવતા કર્મચારીઓ પણ ઔપચારિક સામાજિક સુરક્ષા માળખા સાથે સીધા જોડાઈ શકશે.

 

નિવૃત્તિ ભંડોળ, પેન્શન અને વીમા કવચમાં મોટો ઉછાળો

 

આ નિર્ણયનો સૌથી મોટો ફાયદો કર્મચારીઓના રિટાયરમેન્ટ સેવિંગ્સ (નિવૃત્તિ બચત) માં જોવા મળશે. EPFO સાથે જોડાવાથી કર્મચારીઓને પીએફ (EPF) ઉપરાંત એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ (EPS) અને એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ (EDLI) નો સીધો લાભ મળશે. આનાથી લાંબા ગાળે કર્મચારીઓનું નિવૃત્તિ ફંડ અને વીમા સુરક્ષા વધુ મજબૂત બનશે. આ ફેરફારથી દેશમાં રોજગારીના ઔપચારિકરણ (formalization of jobs) ને મોટું પ્રોત્સાહન મળશે.

 

સરકારી ખજાના પર ₹૧૧,૩૩૯ કરોડનો વાર્ષિક બોજ

 

વેતન મર્યાદા વધારવાના કારણે સરકારી ખજાના પર પણ વધારાનો નાણાકીય બોજ આવશે. સરકારના અંદાજ મુજબ, આ નિર્ણયથી વાર્ષિક આશરે ₹૧૧,૩૩૯ કરોડનો ખર્ચ થશે, જ્યારે આગામી પાંચ વર્ષમાં કુલ અંદાજિત ખર્ચ ₹૫૬,૬૯૬ કરોડ પહોંચવાની શક્યતા છે. શ્રમ મંત્રાલય અને EPFO દ્વારા નવી મર્યાદાના અમલીકરણ અને વહિવટી પ્રક્રિયાઓને ઝડપથી આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

(5:50 PM IST)