હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
નરેન્દ્રભાઇ મોદીનો સેશેલ્સ પ્રવાસ : દરિયાઇ સુરક્ષા અને વ્યુહાત્મક ભાગીદારી મજબૂત બનશે
હિંદ મહાસાગરમાં ચીનના વધતા પ્રભાવને કાઉન્ટર કરવા ભારતની મોટી કૂટનીતિક ચાલ : સેશેલ્સની આઝાદીના પ૦ વર્ષની ઉજવણીમાં વડાપ્રધાન મોદી બનશે મુખ્ય મહેમાન : આજથી ત્રણ દિવસના પ્રવાસે

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપી : ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી આજથી એટલે કે ૨૭ થી ૨૯ જૂન, ૨૦૨૬ દરમિયાન સેશેલ્સની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે જઈ રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ સેશેલ્સ ના ૫૦ મા રાષ્ટ્રીય દિવસ ગોલ્ડન જયુબિલી સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. તેમની આ મુલાકાત ભારત અને સેશેલ્સ વચ્ચેના મિત્રતા, વિકાસ અને વ્યૂહાત્મક સહયોગને વધુ મજબૂત બનાવશે, આ તેમની બીજી મુલાકાત છે.
નરેન્દ્રભાઇ મોદી પ્રથમ વખત સેશેલ્સની સત્તાવાર મુલાકાતે ૧૦-૧૧ માર્ચ, ૨૦૧૫ દરમિયાન ગયા હતા. આ મુલાકાત તેમના વડાપ્રધાન બન્યા પછીની હતી અને ૩૪ વર્ષ બાદ કોઈ ભારતીય વડાપ્રધાનની સેશેલ્સની પ્રથમ મુલાકાત હતી.
સેશેલ્સનો રાષ્ટ્રીય દિવસ દર વર્ષે ૨૯ જૂનના રોજ ઉજવવા માં આવે છે. ૨૯મી જૂન, ૧૯૭૬ના રોજ બ્રિટન પાસેથી સેશેલ્સને સ્વતંત્રતા મળી હતી. તેથી આ દિવસ દેશનો સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય તહેવાર છે હાલની ૨૦૨૬ની આ ઉજવણી એટલા માટે ખાસ છે, કેમ કે આ વર્ષે સેશેલ્સ તેની સ્વતંત્રતાના ૫૦ વર્ષ પૂર્ણ કરે છે. તેથી આ વર્ષની ઉજવણીને સુવર્ણ જયંતિ તરીકે ઉજવવામાં આવી રહી છે. આ અવસર માટે દેશભરમાં સાંસ્કળતિક કાર્યક્રમો, પ્રદર્શન, રમતગમત, પરેડ, સંગીત, આતશબાજી અને વિવિધ રાષ્ટ્રીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારત અને સેશેલ્સ વચ્ચે લાંબા સમયથી મજબૂત મિત્રતા અને હિંદ મહાસાગરમાં વ્યૂહાત્મક સહયોગ છે. આ સંબંધોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ૨૯ જૂન, ૨૦૨૬ના રાષ્ટ્રીય દિવસની સુવર્ણ જયંતિ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ દરમિયાન તેઓ રાષ્ટ્રીય પરેડમાં હાજરી આપશે તેમજ બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવવા ઉચ્ચસ્તરીય બેઠક પણ કરશે.મળતી માહિતી અનુસાર ભારતીય સશષા દળોની એક ટુકડી અને ભારતીય નૌકાદળના બે જહાજો પણ ઉજવણીમાં ભાગ લેશે.
ભારત માટે સેશેલ્સ ખૂબ જ વ્યૂહાત્મક રીતે મહત્વનો દેશ છે. ભલે તેનો વિસ્તાર અને વસ્તી નાની હોય , કારણ કે હિંદ મહાસાગરમાં મહત્વનું સ્થાન, સેશેલ્સ હિંદ મહાસાગરના મધ્યમાં આવેલો દેશ છે. વિશ્વના અનેક મહત્વપૂર્ણ સમુદ્રી વેપાર માર્ગો તેની આસપાસથી પસાર થાય છે. આ માર્ગોની સુરક્ષા ભારત માટે અત્યંત જરૂરી છે.
આ ઉપરાંત ભારતની દરિયાઈ સુરક્ષા માટે પણ ઉપયોગી છે. ભારત સેશેલ્સને કોસ્ટલ સર્વેલન્સ રડાર, ડોર્નિયર વિમાન, પેટ્રોલ જહાજ અને સૈન્ય તાલીમ જેવી મદદ આપે છે. બંને દેશો મળીને દરિયાઈ ચાંચિયાગીરી, આતંકવાદ અને ગેરકાયદે પ્રવળત્તિઓ સામે કામ કરે છે , તેમજ ચીન ના વધતા પ્રભાવનો સંતુલન પણ બને છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં હિંદ મહાસાગરમાં ચીનની હાજરી વધી છે. તેથી ભારત સેશેલ્સ, મોરિશિયસ અને માલદીવ જેવા મિત્ર દેશો સાથેના સંબંધોને વધુ મજબૂત બનાવી રહ્યું છે જેથી આ વિસ્તારમાં સ્થિરતા જળવાઈ રહે.
ભારત સેશેલ્સને હિંદ મહાસાગરમાં પોતાના નજીકના અને વિશ્વાસુ ભાગીદાર તરીકે માને છે. બ્લૂ ઇકોનોમી, બંદરો, માછીમારી, દરિયાઈ સુરક્ષા અને આબોહવા પરિવર્તન જેવા ક્ષેત્રોમાં બંને દેશો સાથે મળીને કામ કરે છે. ભારતના તેમની સાથે ઐતિહાસિક અને સાંસ્કળતિક સંબંધો પણ એટલા જ ગાઢ છે. સેશેલ્સમાં ભારતીય મૂળના લોકોનો નોંધપાત્ર સમુદાય રહે છે. બંને દેશો વચ્ચે વેપાર, સંસ્કળતિ અને લોકો વચ્ચેના સંબંધો ઘણા દાયકાઓથી મજબૂત રહ્યા છે, આમ વિવિધ રીતે ભારત માટે આ દેશ અગત્યનો મનાય છે.
આવો આપણે નરેન્દ્ર ભાઇના આ પ્રવાસની રૂપરેખા જોઈએ તો : ૨૭ જૂન, ૨૦૨૬ આજે શનિવારે સેશેલ્સની રાજધાની વિક્ટોરિયામાં આગમન, પહોંચશે, જ્યાં રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મિની દ્વારા તેમનું સત્તાવાર સ્વાગત કરાશે. મોદીજી ગાર્ડ ઑફ ઑનર સ્વીકારશે , બંને દેશો ના પ્રતિનિધિમંડળ વચ્ચે દ્વિપક્ષીય ચર્ચાથશે. સાંજે સેશેલ્સમાં વસતા ભારતીય પ્રવાસી સમુદાય સાથે મુલાકાત અને સંવાદ કરાશે.
૨૮ જૂન, ૨૦૨૬ ને રવિવારના રોજ
સેશેલ્સના રાષ્ટ્રીય દિવસની સુવર્ણ જયંતિ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી સમારોહને સંબોધિત કરીને ભારત-સેશેલ્સ મિત્રતા અને સહયોગ અંગે વિચારો રજૂ કરશે. રાષ્ટ્રપતિ તથા અન્ય ઉચ્ચ નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરી વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે સમજૂતી કરારો પર હસ્તાક્ષર થવાની પણ સંભાવના જણાય રહી છે.
૨૯ જૂન, ૨૦૨૬ ને સોમવાર ના રોજ નરેન્દ્રભાઇ સેશેલ્સની નેશનલ એસેમ્બલીમાં સંબોધન કરશે, લોકશાહી, વિકાસ, સમુદ્રી સુરક્ષા, પર્યાવરણ અને બ્લૂ ઇકોનોમી જેવા મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કરશે. અંતિમ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ ભારત પરત પ્રસ્થાન કરશે.
નરેન્દ્રભાઇ મુખ્યત્વે આ પ્રવાસ દરમિયાન સેશેલ્સના ૫૦મા રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે. રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મિની સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે, સેશેલ્સની નેશનલ એસેમ્બલીને સંબોધિત કરશે. ભારતીય પ્રવાસી સમુદાય સાથે સંવાદ કરશે બંને દેશો વચ્ચે ના આર્થિક, સાંસ્કળતિક, દરિયાઈ સુરક્ષા અને વ્યૂહાત્મક સહયોગને નવી દિશા મળશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
