News of Friday, 17th April 2026
નાસિક TCS કાંડ: ફડણવીસના આદેશથી ધર્માંતરણ અને સતામણીના 'મોડ્યુલ' પર તવાઈ!
IT કંપનીની આડમાં ચાલતા સંગઠિત ગુનાખોરીના નેટવર્કને ઉખેડી ફેંકવા મહારાષ્ટ્ર સરકાર તૈયાર : કેન્દ્રીય એજન્સીઓની લેવાશે મદદ: HR મેનેજર સહિત 7ની ધરપકડ બાદ પણ તપાસનો ધમધમાટ તેજ

કોલકાતા : મહારાષ્ટ્રના નાસિક સ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) ના યુનિટમાં જાતીય સતામણી અને બળજબરીથી ધર્માંતરણના ચોંકાવનારા અહેવાલોએ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. કોલકાતામાં પત્રકારો સાથે વાત કરતા દેવેન્દ્ર ફડણવીસે આ કેસને અત્યંત ગંભીર ગણાવ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ માત્ર છૂટીછવાઈ ઘટના નથી, પરંતુ એક આખું 'મોડ્યુલ' છે જે મહિલા કર્મચારીઓને નિશાન બનાવી રહ્યું હતું. મહારાષ્ટ્ર પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે એક સંગઠિત ગેંગ આ IT ફર્મમાં સક્રિય હતી, જે યુવતીઓને જાળમાં ફસાવી તેમનું શોષણ કરતી અને ધર્મ બદલવા માટે દબાણ કરતી હતી.
પોલીસની અત્યાર સુધીની કાર્યવાહીમાં કુલ સાત શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ચોંકાવનારી વિગત એ છે કે ધરપકડ કરાયેલા લોકોમાં કંપનીની મહિલા HR મેનેજર પણ સામેલ છે, જેની મંજૂરી કે જાણ વગર આવું મોટું રેકેટ ચાલવું લગભગ અશક્ય છે. ફડણવીસે જણાવ્યું છે કે આ મામલાની ગંભીરતાને જોતા રાજ્ય સરકાર હવે કેન્દ્રીય તપાસ એજન્સીઓની પણ મદદ માંગી રહી છે. IT કંપનીએ પણ આ મામલાની ગંભીર નોંધ લીધી છે અને તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાનું વચન આપ્યું છે. પોલીસે આ મામલે અત્યાર સુધીમાં નવ અલગ-અલગ કેસ નોંધીને વધુ પુરાવા એકત્રિત કરવાનું શરૂ કર્યું છે.
રાજ્યના ગૃહમંત્રી તરીકે ફડણવીસે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે આ ગુનામાં સામેલ કોઈપણ વ્યક્તિ, પછી ભલે તે ગમે તેટલા ઊંચા હોદ્દા પર હોય, તેને છોડવામાં આવશે નહીં. હાલમાં એક મહિલા આરોપી ફરાર છે, જેને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓના મતે, આ ટોળકી મહિલા કર્મચારીઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેમને બ્લેકમેલ કરતી હતી. સરકારનો હેતુ આ આખા નેટવર્કને જડમૂળથી ઉખેડી નાખવાનો છે જેથી ભવિષ્યમાં કોઈપણ કોર્પોરેટ ઓફિસમાં મહિલાઓ પોતાની જાતને અસુરક્ષિત ન અનુભવે.
(7:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
