<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th June 2026

ઈરાકના નાસિરિયા હાઈવે પર સર્જાયો ગોઝારો અકસ્માત, શિયા યાત્રાળુઓની બસ અને ટ્રક વચ્ચે ધડાકાભેર ટક્કર: બસ આગની લપેટમાં આવતા ૨૧ યાત્રાળુઓ જીવતા સળગી ગયા: ૧૯ ગંભીર

બગદાદ: દક્ષિણ ઈરાકના ધી કાર પ્રાંતમાં રવિવારે એક અત્યંત કમકમાટીભર્યો અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. મધ્ય ઈરાકના પવિત્ર યાત્રાધામો કરબલા અને નજફથી દર્શન કરી બસરા તરફ પરત ફરી રહેલા શિયા યાત્રાળુઓ (જેમાં ઈરાની નાગરિકો પણ સામેલ હતા) થી ભરેલી એક બસ નાસિરિયા હાઈવે પર અતિશય ગતિના કારણે કાબુ ગુમાવી બેસતા ઈંધણ ભરેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. 

 

આ ગોઝારી ટક્કર બાદ બસ પલટી ખાઈ ગઈ હતી અને તેમાં ભયાનક આગ ભભૂકી ઉઠતા ૨૧ નિર્દોષ લોકો ઘટનાસ્થળે જ જીવતા ભુંજાઈ ગયા હતા. મૃતદેહો એટલી હદે બળી ગયા છે કે તેમની ઓળખ કરવી મુશ્કેલ બની છે. 

 

અન્ય ૧૯ જેટલા મુસાફરો ગંભીર રીતે દાઝી જતાં તેઓને નાસિરિયાની હોસ્પિટલમાં સઘન સારવાર હેઠળ રખાયા છે. ઈરાકના વડાપ્રધાન અલી અલ-ઝૈદીએ આ ભયાનક દુર્ઘટના અંગે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ જારી કર્યા છે અને આરોગ્ય વિભાગને હાઈ એલર્ટ પર મૂક્યું છે.

(9:43 AM IST)