તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th September 2026
હિમાચલના મતિયાણામાં પહાડ ધસી પડતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાંચ બંધ, રામપુર-શિમલા વચ્ચે વાહનોની લાંબી કતારો લાગી ગઈ અચાનક જ ભારે ભૂસ્ખલનથી
દહણ ઘાટીમાં સાંજે થયેલા ભયાનક ભૂસ્ખલનથી અઢી કલાક ચક્કાજામ, તંત્રની મશીનરીએ કાટમાળ હટાવી બોડી રાત્રે વાહનવ્યવહાર ફરી ધમધમતો થયો

શિમલા : હિમાચલ પ્રદેશના શિમલા જિલ્લાના મતિયાણા નજીક દહણ ઘાટીમાં પહાડનો મોટો હિસ્સો અચાનક ધસી પડતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાંચ ઉપર વાહનવ્યવહાર ખોરવાયો હતો. શનિવારે સાંજે આશરે સાડા છ વાગ્યે થયેલા ભૂસ્ખલનથી મોટી માત્રામાં પથ્થરો અને કાટમાળ રસ્તા ઉપર આવી પડ્યાં હતાં. પરિણામે શિમલા અને રામપુર વચ્ચેનો મુખ્ય માર્ગ બંને તરફથી બંધ થઈ ગયો હતો.
અચાનક માર્ગ અવરોધાતાં બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી. સ્થાનિક વાહનચાલકો, પ્રવાસીઓ અને બસના મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડી હતી. ભૂસ્ખલનનો ઘટનાક્રમ જોઈ નજીક રહેલા લોકોએ વાહનોને આગળ નહીં વધવાની ચેતવણી આપી હતી. ઉપલબ્ધ માહિતી પ્રમાણે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નહોતી.
ઘટનાની જાણ થતાં માર્ગ સંભાળતી એજન્સીની મશીનરી અને કર્મચારીઓ સ્થળે પહોંચ્યા હતા. પહાડ ઉપરથી વધુ પથ્થરો પડવાની આશંકા વચ્ચે સાવચેતીપૂર્વક કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. આશરે અઢી કલાકની જહેમત બાદ માર્ગને વાહનો માટે તબક્કાવાર ખોલવામાં આવ્યો હતો.
હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે અનેક આંતરિક રસ્તાઓ વારંવાર અવરોધાઈ રહ્યા છે. તંત્રે પર્વતીય માર્ગો ઉપર પ્રવાસ કરતા વાહનચાલકોને ઢાળ પાસેથી પસાર થતી વખતે સાવચેતી રાખવા, હવામાનની સ્થિતિ તપાસવા અને પોલીસની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે.
(1:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
