તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
બનાસકાંઠાના ભીલડી ખાતે આગામી ૩૦ ઓક્ટોબરે રાષ્ટ્રીય કક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” ઉજવાશે : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં પીએમ કિસાન યોજનાનો ૨૪મો હપ્તો થશે વિતરણ
વડાપ્રધાન હસ્તે દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂતોને રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય અપાશે, સાથે જ બનાસ ડેરીના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ભૂમિપૂજન સંપન્ન થશે : કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવી વિગતો

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર : આગામી ૩૦ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે રાષ્ટ્રીય કક્ષાનો “પીએમ કિસાન ઉત્સવ દિવસ” ઉજવવામાં આવશે. આ ભવ્ય આયોજનની તૈયારીઓ અંગે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ભીલડી ખાતે રૂબરૂ મુલાકાત લઈ સમીક્ષા કરી હતી અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત તેમણે ગાંધીનગર ખાતેથી તમામ સંબંધિત પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક પણ યોજી હતી.
કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિગતો આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન ભીલડી ખાતેથી “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના”નો ૨૪મો હપ્તો ઓનલાઈન રિલીઝ કરશે. આ રાષ્ટ્રીય કાર્યક્રમ અંતર્ગત દેશભરના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં રૂ. ૧૮,૬૮૦ કરોડથી વધુની સહાય સીધી જમા થશે. જેમાં એકલા ગુજરાતના જ ૫૨.૩૩ લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. ૧,૦૫૧ કરોડથી વધુની સહાયનો લાભ પ્રાપ્ત થશે. આ ઉત્સવ નિમિત્તે રાજ્યભરમાં ૩૪ જિલ્લા કક્ષાના તેમજ ૨,૧૦૦થી વધુ ક્લસ્ટર કક્ષાના કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવશે, જ્યાં મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવશે.
આ ભવ્ય મુલાકાત દરમિયાન વડાપ્રધાન દ્વારા બનાસ ડેરી સાથે જોડાયેલા અનેક વિકાસ કાર્યોની ભેટ પણ ધરવામાં આવશે. તેઓ 'ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર' (BBRC), બનાસ ડેરીના નવા પોટેટો એક્સપાન્શન અને UHT–ASRS પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત, બનાસ ડેરીના થરાદ અને રાધનપુર ખાતે નવા બે અત્યાધુનિક કોમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટનું ભૂમિપૂજન પણ વડાપ્રધાનના હસ્તે સંપન્ન થશે.
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
