તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
નીટ પેપર લીક મામલે નેશનલ ટેસ્ટિંગ એજન્સી પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ - ભૂતકાળની ઘટનાઓમાંથી હજુ સુધી કોઈ પાઠ ભણવામાં આવ્યો નથી તે અત્યંત દુઃખદ બાબત
કેન્દ્ર સરકાર, શિક્ષણ મંત્રાલય અને એનટીએને નોટિસ ફટકારી સર્વોચ્ચ અદાલતે જવાબ માંગ્યો : ન્યાયિક દેખરેખ હેઠળ ફરીથી નીટ-યુજી ૨૦૨૬ ની પરીક્ષા યોજવા ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશને કરી અરજી

નવી દિલ્હી: દેશની સૌથી પ્રતિષ્ઠિત તબીબી પ્રવેશ પરીક્ષા નીટ-યુજી ૨૦૨૬ (NEET-UG 2026) ના પેપર લીક પ્રકરણમાં હવે દેશની સર્વોચ્ચ અદાલતે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ની ઝાટકણી કાઢતા ગંભીર ટિપ્પણી કરી છે કે, ભૂતકાળમાં બનેલી પેપર લીકની ઘટનાઓમાંથી હજુ સુધી કોઈ પાઠ શીખવામાં આવ્યો નથી તે ખરેખર ખૂબ જ દુઃખદ બાબત છે. કોર્ટે નીટ-યુજી ૨૦૨૬ ની પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર સુનાવણી કરતી વખતે કેન્દ્ર સરકાર, શિક્ષણ મંત્રાલય અને એનટીએને આકરી નોટિસ પાઠવી છે. આ સાથે અદાલતે અગાઉના આદેશો મુજબ કમિટીની રચના અંગે પણ એનટીએ પાસેથી ખુલાસો માંગ્યો છે.
અદાલતમાં ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA) દ્વારા એડવોકેટ તનવી દુબે મારફતે એક મહત્વની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે એનટીએ દ્વારા પરીક્ષાના આયોજનમાં સંપૂર્ણપણે સિસ્ટમિક ફેલ્યોર એટલે કે વ્યવસ્થિત તંત્રની નિષ્ફળતા જોવા મળી છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે એનટીએના સ્થાને ન્યાયિક દેખરેખ હેઠળ નવેસરથી નીટ પરીક્ષાનું આયોજન કરવામાં આવે. આ ઉપરાંત કેન્દ્ર સરકારને આદેશ આપવામાં આવે કે તે એનટીએના સ્થાને નીટ પરીક્ષાના આયોજન માટે વધુ મજબૂત, તકનીકી રીતે અદ્યતન અને સ્વાયત્ત સંસ્થાની રચના કરે.
ઉલ્લેખનીય છે કે ગત ૩ મે ના રોજ યોજાયેલી નીટ-યુજી ૨૦૨૬ ની પરીક્ષામાં પેપર લીકના ગંભીર આરોપો લાગ્યા બાદ એનટીએ દ્વારા આ પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. કેન્દ્ર સરકારે આ સમગ્ર કૌભાંડની ઊંડી તપાસ સીબીઆઈ (CBI) ને સોંપી દીધી છે. વિવિધ અહેવાલો અનુસાર, પરીક્ષા પૂર્વે જ વોટ્સએપ (WhatsApp) અને ટેલિગ્રામ (Telegram) જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ પર ફરેલા ગેસ પેપર્સ (અંદાજિત પ્રશ્નપત્રો) ના ૧૦૦ થી વધુ પ્રશ્નો અસલી પરીક્ષાના પ્રશ્નપત્ર સાથે હૂબહૂ મેચ થઈ ગયા હતા, જેનાથી આખા કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
અરજીકર્તા વતી કોર્ટ સમક્ષ એવી પણ માંગ કરવામાં આવી છે કે જ્યાં સુધી નવી સ્વતંત્ર પરીક્ષા સંસ્થાની ઔપચારિક રચના ન થાય, ત્યાં સુધી સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના અધ્યક્ષપદ હેઠળ એક હાઈ-પાવર મોનિટરિંગ કમિટી બનાવવામાં આવે. આ કમિટીમાં સાયબર સિક્યોરિટી નિષ્ણાત અને ફોરેન્સિક સાયન્ટિસ્ટનો પણ સમાવેશ કરવો જોઈએ, જેઓ ન્યાયિક રીતે નીટ-યુજી ૨૦૨૬ ની ફરીથી યોજાનારી પરીક્ષાનું સંપૂર્ણ સુપરવિઝન કરે. આ પ્રસ્તાવિત વચગાળાની સમિતિ જ્યાં સુધી સુધારેલી પરીક્ષા પ્રક્રિયાની સુરક્ષાની ચકાસણી કરીને તેને પ્રમાણિત ન કરે, ત્યાં સુધી અદાલતની દેખરેખ હેઠળ જ બધી પ્રક્રિયા ચલાવવી જોઈએ.
ભવિષ્યમાં આવા પેપર લીકના જોખમોને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે અરજીમાં ટેકનોલોજીકલ બદલાવ લાવવાની પણ રજૂઆત કરવામાં આવી છે. જેમાં પ્રશ્નપત્રોને ડિજિટલ લોકિંગ સિસ્ટમથી સુરક્ષિત કરવા અને ફિઝિકલ પેપર ટ્રાન્સપોર્ટેશનના જોખમોને રોકવા માટે કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) મોડલ એટલે કે ઓનલાઈન પરીક્ષા પદ્ધતિ અપનાવવાનો આદેશ આપવાની માંગ કરાઈ છે. આ તમામ દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે એનટીએને આ મામલે કાઉન્ટર એફિડેવિટ (જવાબી સોગંદનામું) દાખલ કરવા આદેશ કર્યો છે અને મોનિટરિંગ કમિટીના ચેરમેનને આદેશોનું પાલન સુનિશ્ચિત કરવા જણાવ્યું છે. આ હાઈ-પ્રોફાઈલ કેસની આગામી સુનાવણી શુક્રવારે નિયત કરવામાં આવી છે.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
