તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 21st June 2026
કેરળમાં ગેરકાયદેસર માનવ અવયવોની તસ્કરીના દેશવ્યાપી નેટવર્કનો પર્દાફાશ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા જાણીતી હોસ્પિટલો અને એજન્ટોના અડ્ડા સહિત ૯ મહત્વના સ્થળોએ એકસાથે વ્યાપક દરોડા
ગરીબ અને આર્થિક રીતે લાચાર લોકોને મોટી રકમની લાલચ આપી કિડની સહિતના અંગો પડાવી લેવાના મની લોન્ડરિંગ રેકેટમાં સેન્ટ્રલ એજન્સીની લાલ આંખ: નકલી દસ્તાવેજોના આધારે સરકારી મંજૂરીઓ મેળવી અમીર દર્દીઓ પાસેથી લાખો રૂપિયા વસૂલતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધાર અને વચેટીયાઓના નિવાસસ્થાનેથી કરોડોના નાણાકીય વ્યવહારોની વિગતો ઝડપાઈ

કોચી:કેરળમાં માનવતાને શર્મસાર કરતી અને કાયદાના લીરેલીરા ઉડાડતી ગેરકાયદેસર અવયવ તસ્કરી (ઓર્ગન ટ્રાફિકિંગ) ની મસમોટી પ્રવૃત્તિનો સનસનાટીપૂર્ણ ભાંડાફોડ થયો છે. કેરળ પોલીસ દ્વારા તાજેતરમાં નોંધાયેલા ગુનાના આધારે કડક કાર્યવાહી કરતા કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની ટીમોએ રાજ્યભરમાં ધામા નાખ્યા છે. એજન્સીએ કોચી, તિરુવનંતપુરમ, કોલ્લમ અને કોટ્ટાયમ સહિતના વિવિધ જિલ્લાઓમાં ફેલાયેલી અગ્રણી મલ્ટી-સ્પેશિયાલિટી ખાનગી હોસ્પિટલો, તસ્કરીના મુખ્ય એજન્ટો અને વચેટીયાઓના રહેણાંક પરિસરો સહિત કુલ ૯ સ્થળોએ એકસાથે સર્ચ ઓપરેશન હાથ ધરીને સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ઓપરેશન દરમિયાન હોસ્પિટલના રેકોર્ડ્સ અને શંકાસ્પદ નાણાકીય દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, આ કરોડો રૂપિયાના ઓર્ગન ટ્રાફિકિંગ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કાસરગોડનો વતની મોહમ્મદ નજીબ કલ્લાત્રા હોવાનું સામે આવ્યું છે. તપાસ એજન્સીના અધિકારીઓએ મોહમ્મદ નજીબ અને તેની પત્ની રાશીદા તેમજ તેના અન્ય સાથીદારોના સ્થાનો પર વહેલી સવારથી જ દરોડાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ માફિયા ટોળકી આર્થિક રીતે અત્યંત પછાત, ગરીબ અને દેવાના બોજ હેઠળ દબાયેલા લાચાર લોકોને ટાર્ગેટ કરતી હતી. આ ભોળિયા લોકોને કિડની જેવા મહત્વના અંગોના દાનના બદલામાં મોટી રકમ આપવાની લાલચ આપી ફસાવવામાં આવતા હતા. અંદાજ મુજબ આ નેટવર્ક દ્વારા અત્યાર સુધીમાં ૨૦ થી વધુ શંકાસ્પદ અને ગેરકાયદેસર ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન જુદી જુદી હોસ્પિટલોમાં પાર પાડવામાં આવ્યા છે.
સેન્ટ્રલ એજન્સીની તપાસમાં આ કૌભાંડ પાછળનું મોટું આર્થિક ગણિત અને મની લોન્ડરિંગનો ખેલ પણ સામે આવ્યો છે. આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય સ્તરે ફેલાયેલા આ રેકેટના એજન્ટો અંગોની જરૂરિયાતવાળા અમીર દર્દીઓ પાસેથી એક ટ્રાન્સપ્લાન્ટના અંદાજે રૂપિયા ૨૦ લાખથી ૨૫ લાખ સુધીની તગડી રકમ વસૂલ કરતા હતા. જેની સામે પોતાના અંગો આપવા મજબૂર બનેલા ગરીબ દાતાઓને માત્ર ૫ થી ૧૦ લાખ રૂપિયા જ ચૂકવાતા હતા, જ્યારે બાકીની મસમોટી રકમ વચેટીયાઓ અને મુખ્ય સૂત્રધારો પોતાના ખિસ્સામાં સરકાવી દેતા હતા. આ ગુનાહિત કમાણી (પ્રોસીડ્સ ઓફ ક્રાઈમ) નો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરાયો તે દિશામાં ED હાલ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ તપાસ ચલાવી રહી છે.
આ સમગ્ર કૌભાંડમાં કાયદાકીય મંજૂરીઓ મેળવવા માટે હોસ્પિટલ પ્રશાસનની આંખ નીચે વ્યાપક સ્તરે નકલી દસ્તાવેજો તૈયાર કરવાનું મોટું કારસ્તાન પણ આચરવામાં આવતું હતું. સરકારી નિયમો મુજબ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ માટે જરૂરી એવી વૈધાનિક મંજૂરીઓ અને એફિડેવિટ મેળવવા માટે દાતા અને દર્દી વચ્ચેના સંબંધોના ખોટા કાગળો તેમજ સરકારી અધિકારીઓના નકલી સિક્કાઓ બનાવવામાં આવતા હતા. હાલમાં પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) આ ગુનાહિત કાવતરા, છેતરપિંડી અને માનવ તસ્કરીના એંગલથી તપાસ કરી રહી છે, જ્યારે ED આ ગેરકાયદેસર વહેવારમાં સંડોવાયેલી ખાનગી હોસ્પિટલોના મેનેજમેન્ટ અને ડોક્ટરોની ભૂમિકા તથા તેમના બેંક ખાતાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે જેથી આ કાળા કારોબારના મૂળ સુધી પહોંચી શકાય.
(4:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
