News of Saturday, 17th October 2026
ફ્રાન્સમાં મોંઘવારી અને શિક્ષણ વ્યવસ્થા સામે ચાલી રાહેલા દેશવ્યાપી દેખાવો વધુ ને વધુ હિંસક બન્યા : પેરિસ, લિયોન અને માર્સેઈમાં આગચંપી, પોલીસ સાથે અથડામણો : માર્સેઈમાં દેખાવકારો મ્યુનિસિપલ કચેરીમાં ઘૂસી ગયા: લિયોનનું પ્રવાસન કાર્યાલય આગની લપેટમાં : અનેક શહેરોમાં તોડફોડ, અશ્રુવાયુ અને વોટર કેનનનો ઉપયોગ
ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં મોંઘવારી અને યુવાનોનો અસંતોષ રાજકીય રીતે મહત્વનો મુદ્દો: શિક્ષણમાં વધુ રોકાણ, શિક્ષકોની ઉપલબ્ધતા, સુધારેલી શૈક્ષણિક સુવિધાઓ, વધુ વેતન અને પેન્શન તથા મોંઘવારીમાંથી રાહત જેવી માગણીઓ સાથે આંદોલન ચાલુ : દરમિયાન રાષ્ટ્રપતિ મેક્રોન ક્યાંય જોવા મળતા નથી, ફ્રાન્સમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે, દેખાવકારો પોલીસ ઉપર મોર્ટારનો હુમલો કરી રહ્યા છે તથા મરીન લે પેને કડક કાર્યવાહીનું વચન આપ્યું છે એવા દાવાઓ સોશ્યલ મીડીયામાં ફરિ રહયા છે

પેરિસ : ફ્રાન્સમાં વધતી મોંઘવારી, શિક્ષણ વ્યવસ્થાની સમસ્યાઓ અને જાહેર સેવાઓની કથળતી સ્થિતિ સામે આજે શનિવારે પણ દેશવ્યાપી દેખાવો યોજાયા હતા. કેટલાક શહેરોમાં વિરોધ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કરતાં આગચંપી, તોડફોડ અને પોલીસ સાથે અથડામણોની ઘટનાઓ બની હતી. દેશભરમાં ઓછામાં ઓછા ૨૭૨ લોકોની ધરપકડ થયાના અહેવાલો છે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને શાંતિ જાળવવાની અપીલ કરી છે.
ફ્રાન્સમાં સરકાર સામે વધતો અસંતોષ શનિવારે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનોના સ્વરૂપમાં બહાર આવ્યો હતો. પેરિસ, માર્સેઈ, લિયોન, રેન, તુલૂઝ અને એન્જર્સ સહિતનાં શહેરોમાં હજારો લોકો રસ્તા ઉપર ઊતરી આવ્યા હતા. મોંઘવારી, ઇંધણ અને જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવ, શિક્ષણ માટે અપૂરતી સુવિધાઓ તથા જાહેર સેવાઓની સ્થિતિ વિરોધનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે.
વિદ્યાર્થીઓ દ્વારા શરૂ થયેલા વિરોધ આંદોલનમાં હવે શ્રમિક સંગઠનો, શિક્ષકો, સામાન્ય નાગરિકો અને અગાઉના યલો વેસ્ટ આંદોલનના સમર્થકો પણ જોડાયા છે. જોકે અનેક સ્થળોએ શાંતિપૂર્ણ દેખાવો પણ થયા હતા, ત્યારે કેટલાક શહેરોમાં માસ્ક પહેરેલા જૂથો અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણો થઈ હતી.
માર્સેઈમાં સિટી હોલમાં ઘૂસણખોરી : મેયરે પોલીસની વધારાની ટુકડીઓ બોલાવી
ફ્રાન્સના બીજા સૌથી મોટા શહેર માર્સેઈમાં દેખાવ દરમિયાન કેટલાક માસ્કધારી લોકો મ્યુનિસિપલ કચેરીનો દરવાજો તોડીને અંદરના પ્રવેશખંડ સુધી પહોંચી ગયા હતા. પોલીસે તેમને થોડા સમયમાં બહાર કાઢ્યા હતા. શહેરના કેનબિયેર વિસ્તારમાં કેટલીક દુકાનો અને મ્યુનિસિપલ પોલીસ ચોકીને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
માર્સેઈના મેયર બેનોવા પાયને મ્યુનિસિપલ કચેરીમાં ઘૂસણખોરી તથા નુકસાનની ઘટનાની નિંદા કરી હતી. તેમણે સુરક્ષાદળોની વધારાની ટુકડીઓ મોકલવા માટે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગૃહમંત્રી સાથે સંપર્ક કર્યો હોવાનું જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે હિંસક પ્રવૃત્તિઓને વિદ્યાર્થીઓની યોગ્ય માગણીઓ સાથે સાંકળવી જોઈએ નહીં.
લિયોનમાં પ્રવાસન કાર્યાલય સળગ્યું : આગ બુઝાવવા જતા અગ્નિશામક દળને મુશ્કેલી
લિયોન શહેરના પ્રસિદ્ધ પ્લેસ બેલકોર વિસ્તારમાં આવેલા પ્રવાસન કાર્યાલયના એક ભાગમાં આગ લગાડવામાં આવી હતી. ઘટનાસ્થળેથી ધુમાડા અને આગની જ્વાળાઓ ઊઠતી તસવીરો સામે આવી હતી. કેટલાક માસ્કધારી દેખાવકારોએ પોલીસ તરફ વસ્તુઓ અને ફટાકડાઓ ફેંક્યા હતા.
રોન વિસ્તારના સ્થાનિક પ્રશાસને જણાવ્યું હતું કે હિંસક જૂથોને વિખેરવા પોલીસે કાર્યવાહી કરી હતી. આગ લાગેલા સ્થળે પહોંચવામાં અગ્નિશામક દળને મુશ્કેલી પડતાં પોલીસે માર્ગ ખાલી કરાવવાના પ્રયાસો કર્યા હતા. અશ્રુવાયુ અને વોટર કેનનનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો.
પેરિસમાં વાહન અને સમાચારપત્રના કિયોસ્કમાં આગ : પોલીસ સાથે અથડામણ
રાજધાની પેરિસના પ્લેસ દ લા રિપબ્લિક વિસ્તારમાં પોલીસ અને દેખાવકારો વચ્ચે અથડામણો થઈ હતી. કેટલાક લોકોએ પોલીસ ઉપર ફટાકડા તથા અન્ય વસ્તુઓ ફેંકી હતી. એક વાહન અને સમાચારપત્રના કિયોસ્કમાં આગ લગાડવામાં આવી હતી.
સ્થિતિ નિયંત્રણમાં લેવા પોલીસે અશ્રુવાયુ અને પાણીનો મારો ચલાવ્યો હતો. સુરક્ષાના કારણોસર પેરિસમાં કેટલીક મેટ્રો સેવાઓ અને સ્ટેશનો ઉપર પ્રતિબંધો મૂકવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવન તથા અન્ય મહત્વપૂર્ણ સરકારી ઇમારતોની આસપાસ પણ સુરક્ષા વધારવામાં આવી હતી.
દેશભરમાં ધરપકડનો આંકડો ૨૭૨ સુધી પહોંચ્યાના અહેવાલ
ફ્રાન્સના ગૃહ મંત્રાલયે બપોર સુધીમાં પેરિસની બહાર ૧૪૦ વિરોધ કાર્યક્રમોમાં ૩૨,૮૦૦ લોકો જોડાયા હોવાનું જણાવ્યું હતું. તે સમયે સમગ્ર દેશમાં ૧૬૬ લોકોની ધરપકડ થઈ હતી. ત્યારબાદ સાંજ તરફના અહેવાલોમાં ધરપકડનો આંકડો ઓછામાં ઓછો ૨૭૨ સુધી પહોંચ્યાનું જણાવાયું હતું.
પ્રદર્શન દરમિયાન પોલીસ કર્મચારીઓ ઉપર હુમલા, જાહેર મિલકતને નુકસાન, આગચંપી અને કેટલીક જગ્યાએ લૂંટફાટના પ્રયાસો નોંધાયા હતા. જોકે સમગ્ર દેશમાં તમામ દેખાવકારો હિંસક હતા એવું નથી. અનેક સ્થળોએ શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
રાષ્ટ્રપતિ મેક્રોને કહ્યું : વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ હિંસા સ્વીકાર્ય નથી
રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને શુક્રવારે બ્રસેલ્સથી શાંતિ જાળવવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે નાગરિકોને વિરોધ વ્યક્ત કરવાનો બંધારણીય અધિકાર છે, પરંતુ અન્ય લોકો અને તેમની મિલકત પ્રત્યે આદર રાખવો પણ એટલો જ જરૂરી છે.
ફ્રાન્સમાં આગામી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલાં મોંઘવારી અને યુવાનોનો અસંતોષ રાજકીય રીતે મહત્વનો મુદ્દો બની રહ્યો છે. શિક્ષણમાં વધુ રોકાણ, શિક્ષકોની ઉપલબ્ધતા, સુધારેલી શૈક્ષણિક સુવિધાઓ, વધુ વેતન અને પેન્શન તથા મોંઘવારીમાંથી રાહત જેવી માગણીઓ સાથે આંદોલન ચાલી રહ્યું છે.
દરમિયાન રાષ્ટ્રપતિ મેક્રોન ક્યાંય જોવા મળતા નથી, ફ્રાન્સમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે, દેખાવકારો પોલીસ ઉપર મોર્ટારનો હુમલો કરી રહ્યા છે તથા મરીન લે પેને કડક કાર્યવાહીનું વચન આપ્યું છે એવા દાવાઓ સોશ્યલ મીડીયામાં કરવામાં આવ્યા છે. આ દાવાઓ સ્વતંત્ર રીતે સાબિત થયા નથી. ફ્રાન્સમાં હિંસક અથડામણો, આગચંપી અને મ્યુનિસિપલ કચેરીમાં ઘૂસણખોરીની પુષ્ટિ થઈ છે. પરંતુ સમગ્ર દેશમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું છે અથવા મેક્રોન લાપતા છે તેવા દાવાને વિશ્વસનીય પુષ્ટિ મળી નથી.
(8:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
