તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 15th August 2026
અરુણાચલ પ્રદેશમાં કુદરતી આફતનો કહેર, લેન્ડસ્લાઈડ અને પૂરથી ચાર લોકોનાં મોત અને પાંચ સૈનિકો લાપતા
ભારે વરસાદ વચ્ચે અપર સુબનસિરી અને દિબાંગ વેલીમાં તબાહી, સુરક્ષા દળો દ્વારા વ્યાપક રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

અરુણાચલ પ્રદેશ: અરુણાચલ પ્રદેશમાં શુક્રવારે સાંજે ભારે વરસાદના કારણે સર્જાયેલી કુદરતી આફતમાં અપર સુબનસિરી અને દિબાંગ વેલી ખાતે થયેલા ગંભીર અકસ્માતોમાં ચાર મજૂરોનાં મોત થયા છે અને સેનાના પાંચ જવાનો લાપતા થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, અપર સુબનસિરી જિલ્લામાં કેઓઝારિંગ-બ્યાચિંગ રોડ નિર્માણ સ્થળ પર અચાનક ભારે ભૂસ્ખલન (લેન્ડસ્લાઈડ) થતાં કામદારો કાટમાળ નીચે દટાયા હતા. આ દુર્ઘટનામાં તાજી राय, માર્કોશ બસુમાતારી, બાબુલ અલી સહિત ચાર લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે એક કામદારનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. આ ઉપરાંત, દિબાંગ વેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે આવેલી અચાનક પૂરની આફતમાં સેનાના પાશુ પાણી આર્મી કેમ્પને ભારે નુકસાન થયું છે અને ૫મી ગ્રેનેડિયરના બે શેલ્ટર પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ ગયા હતા.
સેનાના કેમ્પમાં થયેલી આ દુર્ઘટનામાં હવલદાર ઉપેન્દ્ર અને સૈનિકો કુંદન, વિનોદ, આદિત્ય અને સુમુંડા લાપતા થયા છે, જ્યારે અન્ય બે જવાનોને સુરક્ષિત બચાવી લેવાયા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નાચો પોલીસ, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ, એસડીઆરએફ (SDRF), આઈટીબીપી (ITBP) અને સ્થાનિક સ્વયંસેવકો દ્વારા લાપતા સૈનિકોની શોધખોળ માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
રાજ્યના ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. પ્રશાસન દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવાની સાથે આગામી સમયમાં સંભવિત જોખમોને પહોંચી વળવા માટે વધારાની ટીમો તૈનાત કરવામાં આવી છે અને બચાવ કામગીરીને વધુ વેગ આપવામાં આવ્યો છે.
(2:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
