તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 10th May 2026
બિહારમાં કુદરતનો કહેર: પટનામાં વિનાશક વાવાઝોડા સાથે ત્રાટકેલા મેઘરાજાએ મચાવી ભારે તબાહી, જનજીવન અસ્તવ્યસ્ત
ભારે વરસાદ અને પ્રચંડ પવનના કારણે સેંકડો વિશાળ વૃક્ષો અને વીજ થાંભલાઓ ધરાશાયી: અનેક વાહનોનો કચ્ચરઘાણ નીકળ્યો અને અનેક લોકો ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા, વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ

પટના: ભારતના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી વચ્ચે બિહારના પાટનગર પટનામાં વાતાવરણમાં આવેલા અચાનક પલટાએ વિનાશક સ્વરૂપ ધારણ કર્યું છે. પટના સહિત આસપાસના વિસ્તારોમાં પ્રચંડ વેગે ફૂંકાયેલા વાવાઝોડા અને ભારે વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. વાવાઝોડાની તીવ્રતા એટલી વધુ હતી કે સેંકડો વર્ષ જૂના વૃક્ષો જડમૂળથી ઉખડી ગયા હતા અને અનેક વિસ્તારોમાં વીજળીના થાંભલા પડી જવાથી અંધારપટ છવાઈ ગયો હતો.
આ કુદરતી આફતમાં પટનાના રહેવાસીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, જેમાં રસ્તાની બાજુમાં પાર્ક કરેલા વાહનો પર વૃક્ષો પડતા અનેક ગાડીઓનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. માત્ર માલસામાન જ નહીં, પરંતુ અનેક લોકો આ અકસ્માતોમાં ઇજાગ્રસ્ત થયા હોવાના પણ અહેવાલ છે, જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. રસ્તાઓ પર વૃક્ષો અને કાટમાળ પડવાને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખીને સ્થાનિક વહીવટી તંત્ર, SDRF અને ફાયર વિભાગની ટીમો તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. ધરાશાયી થયેલા વૃક્ષોને હટાવવા અને માર્ગો ખુલ્લા કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. હવામાન વિભાગે આગામી સમયમાં હજુ પણ વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરી હોવાથી તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
(11:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
