તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
ચીન અને ફિલિપાઈન્સમાં કુદરતનો પ્રકોપ: ડેમ તૂટ્યો, ભૂસ્ખલન અને વાવાઝોડાથી અનેકના મોત
દક્ષિણ ચીનમાં માયસાક તોફાનના કારણે આવેલા વિનાશક પૂરમાં ૩૯ લોકોના મોત: હુબેઈ અને ગાન્સુમાં પણ ભારે જાનહાનિ થઈ:ફિલિપાઈન્સમાં ભૂસ્ખલનથી ૧૫ લોકોના મોત નીપજ્યા

હુબેઈ: દક્ષિણ ચીનમાં માયસાક વાવાઝોડાને કારણે આવેલા પૂરમાં ૩૯ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત હુબેઈ અને ગાન્સુમાં પણ ભારે જાનહાનિ થઈ છે, જ્યારે ફિલિપાઈન્સમાં ભૂસ્ખલનથી ૧૫ લોકોના મોત નીપજ્યા છે.
એક તરફ બાવી વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ ચીન અત્યારે એકસાથે અનેક કુદરતી આફતોનો સામનો કરી રહ્યું છે. દક્ષિણ ચીનમાં માયસાક તોફાનના કારણે આવેલા વિનાશક પૂરમાં ૩૯ લોકોના મોત થયા છે.
ગુઆંગસી ક્ષેત્રમાં ભારે વરસાદને કારણે જળાશયો છલકાયા હતા અને હેંગઝોઉમાં એક ડેમ તૂટી પડતા વિશાળ વિસ્તારમાં કાદવવાળું પાણી ખૂબ ઝડપથી ફરી વળ્યું હતું. અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતા લોકો ઇમારતોના ઉપરના માળે ફસાયા હતા.
આ ઉપરાંત મધ્ય ચીનના હુબેઈ પ્રાંતમાં તીવ્ર વાવાઝોડા અને ટોર્નેડોએ ભારે વિનાશ વેર્યો છે, જેમાં ૧૧ લોકોના જીવ ગયા છે.
પશ્ચિમ ચીનના ગાન્સુ પ્રાંતમાં એક મોટા ભૂસ્ખલનમાં વનવિભાગના ૨૧ કામદારોના મોત થયા છે.
બીજી તરફ બાવી વાવાઝોડું એશિયાના મુખ્ય ભાગો સાથે ટકરાય તે પહેલા જ દક્ષિણ ફિલિપાઈન્સના મિંડાનાઓ ટાપુ પર ભારે વરસાદને કારણે મોટું ભૂસ્ખલન થતાં ૧૫ લોકોના કરુણ મોત નીપજ્યા છે.
પહાડી વિસ્તારોમાં અનેક પરિવારો કાટમાળ નીચે દબાયા છે અને બચાવકર્મીઓ દ્વારા ગુમ થયેલા લોકોની શોધખોળ હજુ પણ ચાલુ છે
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
