<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th November 2026

કુદરતે કાશ્મીરની ટેકરીઓ પર ઓઢાડી સફેદ ચાદર: તાજી હિમવર્ષાથી પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી

ગુલમર્ગના કોંગડોરી અને અપરવતમાં બરફવર્ષા વચ્ચે ગોંડોલા સવારીનો રોમાંચ, સુરક્ષા અર્થે મુખ્ય માર્ગો બંધ કરાયા

શ્રીનગર : કાશ્મીરના ઊંચાઈવાળા પર્વતીય વિસ્તારોમાં કુદરતે બરફની સફેદ ચાદર ઓઢાડી દેતાં સમગ્ર ઘાટી મનોરમ્ય બની ઉઠી છે. પર્વતો પર તાજી હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં રાતોરાત પડેલા હળવા વરસાદને કારણે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે. આ આહલાદક હવામાનનો આનંદ માણવા માટે દેશ-વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં કાશ્મીર તરફ ખેંચાઈ રહ્યા છે, જ્યારે ખરાબ હવામાન અને લપસણા રસ્તાઓને કારણે વહીવટીતંત્રે સલામતીના ભાગરૂપે મુઘલ રોડ, ગુરેઝ રોડ અને ઝોજીલા પાસ પરનો વાહનવ્યવહાર અસ્થાયી રૂપે બંધ કરી દીધો છે.

અતિશય ઠંડી હોવા છતાં ગુલમર્ગના પ્રખ્યાત કોંગડોરી અને અપરવતમાં બરફવર્ષાનો લુપ્ત ઉઠાવવા માટે સેલાનીઓની ભારે ભીડ જોવા મળી રહી છે અને લોકો રોમાંચક ગોંડોલા સવારીનો આનંદ માણી રહ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હિમવર્ષા અને નીચલા વિસ્તારોમાં વરસાદનો આ સમયગાળો આગામી ૧૫ તારીખ સુધી ચાલુ રહેવાની અપેક્ષા છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓને સાવચેતી રાખવા તેમજ અત્યંત જરૂરી કામ વિના સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત ન લેવા અપીલ કરી છે.

પર્વતો પરની આ હિમવર્ષા કાશ્મીરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે, પરંતુ પ્રવાસીઓ માટે રસ્તાની પરિસ્થિતિ પર સતત નજર રાખવી જરૂરી બની ગઈ છે. ઊંચાઈવાળા વિસ્તારોમાં મુસાફરી કરનારાઓએ ગરમ કપડાં સાથે રાખવા અને બરફથી ઢંકાયેલા લપસણા રસ્તાઓથી ખાસ સાવધ રહેવાની વિનંતી કરવામાં આવી છે. અગાઉ ઓક્ટોબર મહિનામાં પણ કાશ્મીરના પર્વતો પર હિમવર્ષા થતાં તાપમાન ગગડ્યું હતું, જેના લીધે ઘાટીના કુદરતી સૌંદર્યમાં વધારો થયો હતો.

હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા દિવસોમાં પણ વાદળછાયું વાતાવરણ જળવાઈ રહેશે, ત્યારે રસ્તાઓ ફરીથી ખોલવા અંગે સત્તાવાર માહિતી જાહેર થયા બાદ જ આગળની મુસાફરીનું આયોજન કરવા પ્રવાસીઓને જણાવાયું છે. પહાડી વિસ્તારોમાં બરફ હટાવવાની કામગીરી અને માર્ગો પર ટ્રાફિક પુનઃશરૂ કરવા માટેની વહીવટી કવાયત પર હવે સૌની નજર ટકેલી છે.

(11:40 AM IST)