તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 24th May 2026
હિમાલયમાં કુદરતનો પ્રકોપ, બદ્રીનાથ ધામ નજીક એકાએક પ્રચંડ હિમનદી તૂટી પડતાં ભારે અફરાતફરી: ગ્લોબલ વોર્મિંગના કારણે પહાડો પર શિયાળાના બદલે ઉનાળામાં બરફવર્ષા થતાં મોટું સંકટ
ચમોલીના એસપી સુરજીત સિંહ પનવારે આપત્તિ વ્યવસ્થાપન ટીમોને એલર્ટ કરી, કંચનજંગા નદી પર ગ્લેશિયર તૂટવાની ઘટનાથી પર્યાવરણ વૈજ્ઞાનિકોમાં ભારે ચિંતા: સદનસીબે જાનહાનિ ટળી

ચમોલી: હિમાલયના ઉચ્ચ પર્વતીય વિસ્તારોમાં ગ્લોબલ વોર્મિંગ અને હવામાનના બદલાતા મિજાજને કારણે કુદરતી આફતોનું જોખમ અત્યંત ચિંતાજનક સ્તરે વધી ગયું છે. ઉત્તરાખંડના સુપ્રસિદ્ધ તીર્થધામ બદ્રીનાથથી માત્ર ચાર કિલોમીટર દૂર આવેલી કંચનજંગા નદીની ઉપર એક વિશાળકાય હિમનદી (ગ્લેશિયર) તૂટી પડવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. જો કે, રાહતના સમાચાર એ છે કે આ કુદરતી દુર્ઘટનામાં હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી. દર વર્ષે ઉનાળાની શરૂઆત થતાં જ તાપમાન વધવાના કારણે નીચે તરફ સરકતા ગ્લેશિયર્સ ખૂબ જ તીવ્ર ગતિએ પીગળવા લાગે છે. ચમોલીના પોલીસ અધિક્ષક (એસપી) સુરજીત સિંહ પનવારે જણાવ્યું હતું કે, સ્થાનિક વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમો નદીના જળસ્તર અને આસપાસની સમગ્ર પરિસ્થિતિ પર અત્યંત બારીકાઈથી નજર રાખી રહી છે.
પર્યાવરણ વૈજ્ઞાનિકો અને ‘વાડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલયન જીઓલોજી’ ના નિષ્ણાતોના મતે, પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) માં સર્જાયેલા ગંભીર અસંતુલનને કારણે મધ્ય હિમાલયમાં હિમવર્ષાની આખી પેટર્ન જ બદલાઈ ગઈ છે. આશ્ચર્યજનક બાબત એ છે કે હવે શિયાળાના મુખ્ય મહિનાઓ ગણાતા ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં બરફવર્ષા ખૂબ જ ઓછી થાય છે, જ્યારે તેની સરખામણીએ ઉનાળાની શરૂઆતના મહિનાઓ એટલે કે માર્ચ અને એપ્રિલમાં પર્વતો પર રેકોર્ડબ્રેક બરફ પડી રહ્યો છે. આ વર્ષે એપ્રિલ મહિનામાં પિંડારી અને કાફની ગ્લેશિયર વિસ્તારોમાં સૌથી વધુ ૧૫૮ સેન્ટિમીટર બરફ ખાબક્યો હતો. જર્મન જર્નલ ‘એપ્લાઇડ જીઓમેટિક્સ’ માં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, ઉનાળામાં તાપમાન વધુ હોવાથી બરફ પડવાની સાથે જ તે ખૂબ જ ઝડપથી પીગળવા લાગે છે, જેના લીધે હિમનદીઓ અંદરથી તદ્દન નબળી પડીને તૂટી રહી છે અને વૃક્ષોની લાઇન પણ ઉપર તરફ સરકી રહી છે.
પદ્મભૂષણથી સન્માનિત દેશના જાણીતા પર્યાવરણવિદ ડૉ. અનિલ જોશીએ આ ગંભીર પરિવર્તન અંગે ચિંતા વ્યક્ત કરતા ચેતવણી આપી છે કે, હિમાલયમાં બદલાતા હવામાનને કારણે માત્ર પર્વતો જ નહીં પરંતુ સમગ્ર દેશને મોટું આર્થિક અને સામાજિક નુકસાન વેઠવું પડી શકે છે. ગ્લેશિયર્સ ઝડપથી પીગળવાના કારણે ભવિષ્યમાં નદીઓના કુદરતી પ્રવાહને સીધી અસર થશે, જેનાથી તળેટીના વિસ્તારોમાં પૂર અને દુષ્કાળ જેવી આપત્તિઓનું જોખમ વધશે. આ અકાળ હવામાન પરિવર્તનની સીધી અસર દેશની ખાદ્ય સુરક્ષા પર પડશે, જેના કારણે બાગાયતી પાકો અને અનાજના ભાવો આસમાને પહોંચવાની ભીતિ છે. વધુમાં, ચાર્ધામ યાત્રા અને ઉત્તરાખંડના પર્યટન ઉદ્યોગ પર પણ આની લાંબા ગાળાની નકારાત્મક અસરો જોવા મળી શકે છે, જે સ્થાનિક રોજગારી માટે મોટો ફટકો સાબિત થશે.
(3:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
