<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

નેપાળમાં પ્રકૃતિનો ફરી કોપ: ગોરખામાં સુકા ભૂસ્ખલનથી બુઢી ગંડકી નદીનો પ્રવાહ રોકાયા બાદ ફાટ્યું વિનાશક પૂર, ૯૫ લોકોને હેલિકોપ્ટરથી રેસ્ક્યૂ કરાયા, પાંચ હજુ પણ લાપતા!

સેનાના હેલિકોપ્ટર અને ૭૦૦થી વધુ જવાનોનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ: ઝૂલતા પુલ, હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અને અનેક મકાનો જમીનદોસ્ત; સેંકડો લોકોના મોત નિપજાવનારી અગાઉની હોનારતના બે જ મહિનામાં ફરી કુદરતી આફત ત્રાટકી

કાઠમંડુ, તા.૧૨: હિમાલયના ખોળામાં વસેલા પડોશી દેશ નેપાળમાં કુદરતનો કોપ થમવાનું નામ નથી લઈ રહ્યો. દક્ષિણ એશિયામાં તાજેતરમાં જ આવેલી જળપ્રલયની ભયાનક આફતના માંડ બે મહિના બાદ, મધ્ય નેપાળના ગોરખા જિલ્લામાં ફરી એકવાર અચાનક આવેલ ભયાનક પૂરે (ફ્લેશ ફ્લડ) ભારે તારાજી સર્જી છે. કાઠમંડુથી આશરે ૧૦૦ કિલોમીટર પશ્ચિમે આવેલા ચુમનુબ્રી વિસ્તારમાં પહાડો પરથી ધસી આવેલા સૂકા ભૂસ્ખલનને કારણે બુઢી ગંડકી નદીનો પ્રવાહ રોકાઈ ગયો હતો અને કુદરતી બંધ તૂટતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો કાળો કાટમાળ ફરી વળ્યો હતો.

આ અચાનક આવેલા પૂરમાં અનેક ઘરો, ગૌશાળાઓ અને પુલ તણાઈ જતાં હાહાકાર મચી ગયો હતો. સ્થિતિની ગંભીરતાને જોતાં નેપાળી સેના અને સુરક્ષાદળોના ૭૦૦થી વધુ જવાનો તાત્કાલિક બચાવ કામગીરીમાં જોતરાઈ ગયા હતા. નેપાળી સેનાના MI-17 સહિતના ચાર હેલિકોપ્ટર અને ગ્રાઉન્ડ ટીમ દ્વારા ધૌલીભિર નજીક પશુઓના વાડામાં ફસાયેલા લોકો સહિત કુલ ૯૫ લોકોને સલામત સ્થળે એરલિફ્ટ કરીને બચાવી લેવામાં આવ્યા છે. જોકે, નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (NDRRMA) ના જણાવ્યા મુજબ બે મહિલાઓ સહિત પાંચ લોકો હજુ પણ લાપતા છે, જેમની શોધખોળ ચાલુ છે.

પ્રાકૃતિક આફતે નેપાળના આ દુર્ગમ વિસ્તારમાં મોટું આર્થિક અને માળખાકીય નુકસાન પહોંચાડ્યું છે. પ્રાથમિક અહેવાલો મુજબ, પૂરના ચંડ પ્રવાહમાં બે ઝૂલતા પુલ, બે વાહનવ્યવહારના મોટા પુલ, ત્રણ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અને ૩૪ ગૌશાળાઓ ધોવાઈ ગઈ છે. આ ઉપરાંત ૪૫ મકાનો સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ ગયા છે અને ૨૭ મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. અસરગ્રસ્તો માટે તંત્ર દ્વારા તંબુ, ધાબળા, સ્લીપિંગ બેગ અને રાશન કિટ્સ સહિતની રાહત સામગ્રી એરલિફ્ટ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ મહિનામાં જ રસુવા અને સિંધુપાલચોકમાં ગ્લેશિયર ફાટવાને કારણે આવેલી જળપ્રલયની હોનારતમાં ૧,૪૫૭ લોકોના મોત થયા હતા અને હજારો લોકો ગુમ થયા હતા. એ ભયાનક દૂર્ઘટનાના બે મહિનાથી પણ ઓછા સમયમાં ફરી બુઢી ગંડકી નદીમાં આવેલા પૂરને કારણે હિમાલયની પહાડીઓમાં વસતા લોકોની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. ભૂસ્ખલનથી નદીઓના માર્ગ રૂંધાવવાના કારણે સર્જાતી આવી કુદરતી હોનારતો હિમાલયન પર્યાવરણ માટે અત્યંત ચિંતાજનક બની રહી છે.

(4:48 PM IST)