તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 16th August 2026
કુદરતનો કહેર: ઓડિશામાં અતિભારે વરસાદથી આહાકાર : 2.37 લાખથી વધુ લોકોનું રેસ્ક્યૂ, આગામી 48 કલાક અત્યંત ક્રિટિકલ!
બંગાળની ખાડીમાં સર્જાયેલા નીચા દબાણને કારણે ઓડિશાના ઉત્તરીય જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિ વિકટ બની : મુખ્ય સચિવ અનુ ગર્ગે તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ કરી યુદ્ધના ધોરણે ૨૯૩ રાહત શિબિરો કાર્યરત કરી રેડ એલર્ટ જાહેર કર્યું

ભુવનેશ્વર: ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર સર્જાયેલું નીચું દબાણ હવે વધુ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ જતાં ઓડિશા પર જળપ્રલયનું ઘોડાપૂર ફરી વળ્યું છે. હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 'રેડ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે, જેના કારણે આગામી ત્રણ દિવસ ઉત્તરીય અને તટીય જિલ્લાઓ માટે ભારે સંકટથી ભરેલા બની રહેશે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વહીવટીતંત્રને હાઈ એલર્ટ પર મૂકીને તમામ કર્મચારીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દીધી છે. અત્યાર સુધીમાં 49 બ્લોક અને 5 શહેરી વિસ્તારોના 331 ગ્રામ પંચાયતો હેઠળના 947 ગામો પૂરના પાણીમાં ગરકાવ થતાં 5.15 લાખથી વધુ લોકો સીધી રીતે પ્રભાવિત થયા છે.
પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે તંત્ર દ્વારા અહોરાત કામગીરી હાથ ધરવામાં આવી છે, જેના ભાગરૂપે અત્યાર સુધીમાં ૨.૩૭ લાખથી વધુ ગ્રામજનોનું સલામત સ્થળાંતર કરીને ૨૯૩ જેટલી રાહત શિબિરોમાં આશ્રય આપવામાં આવ્યો છે. બાલાસોર, ભદ્રક અને જાજપુર જેવા અત્યંત અસરગ્રસ્ત જિલ્લાઓમાં સ્થિતિ પર સીધી નજર રાખવા અને રાહત-બચાવ કાર્યોનું સુચારૂ સંચાલન કરવા માટે ૩ વરિષ્ઠ IAS અધિકારીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ સિવાય જળ સંસાધન વિભાગના એન્જિનિયરોને નદીઓના પાળાઓ અને બંધોના રક્ષણ માટે કડક સૂચનાઓ આપી તૈનાત કરવામાં આવ્યા છે.
હાલમાં પરિસ્થિતિને પહોંચી વળવા માટે ODRAF ની 36, NDRF ની 7 અને ફાયર સર્વિસની 47 સહિત કુલ 90 બચાવ ટુકડીઓ સંવેદનશીલ વિસ્તારોમાં મોટર બોટ સાથે તૈનાત છે. બૈતરણી, બ્રહ્માણી, સાલંદી, જલકા અને બુધાબલંગ જેવી મુખ્ય નદીઓ ભયજનક સપાટી વટાવીને ઓવરફ્લો થઈ રહી હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. હવામાન વિભાગે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને ઉત્તર આંધ્ર પ્રદેશના દરિયાકિનારે માછીમારોને દરિયો ન ખેડવાની સખત સૂચના આપી છે. તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નાગરિકોને પણ અફવાઓથી દૂર રહી સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરાઈ છે.
(10:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
