News of Thursday, 16th July 2026
કુદરતનો પ્રકોપ કે આકાશી આફત? આગામી ૭ દિવસ પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતમાં અતિભારે વરસાદની ચેતવણી, IMD એ જાહેર કર્યું રેડ એલર્ટ
દિલ્હી-પંજાબ સહિત ઉત્તર ભારતમાં ૧૮ જુલાઈ સુધી અસહ્ય ઉકળાટ અને ગરમી યથાવત રહેશે; દક્ષિણના રાજ્યોમાં હીટવેવની આગાહી વચ્ચે માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના

નવી દિલ્હી : દેશભરમાં ચોમાસાની સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે એક અત્યંત મહત્વપૂર્ણ અને ચિંતાજનક બુલેટિન જાહેર કર્યું છે. ભારત હવામાન વિભાગ (IMD) ના તાજેતરના અહેવાલ મુજબ, આગામી ૭ દિવસ દરમિયાન દેશના પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભાગોમાં મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આ વિસ્તારોમાં વરસાદની પ્રવૃત્તિમાં અચાનક મોટો વધારો થવાની સંભાવના છે, જેના કારણે પૂર્વ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ હિમાલયન ક્ષેત્રોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, આજે ઓડિશાના જુદા જુદા ભાગોમાં પણ આકાશી આફત તૂટી પડવાની આશંકા સેવાઈ રહી છે.
પહાડી રાજ્યોમાં મુશળધાર તો રણપ્રદેશ રાજસ્થાનમાં ૨૨મી સુધી મેઘમહેર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પહાડી રાજ્યો એવા હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં આવતીકાલથી જ છૂટાછવાયા વિસ્તારોમાં જોરદાર વરસાદ શરૂ થવાની અપેક્ષા છે. મેદાની વિસ્તારોની વાત કરીએ તો, આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન દેશની રાજધાની દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને પંજાબમાં વરસાદી માહોલ જામશે, જ્યારે રાજસ્થાનમાં આ મહિનાની ૨૨ તારીખ સુધી સતત મધ્યમથી ભારે વરસાદની સ્થિતિ બનેલી રહેશે. જો કે, રાહતની વાત એ છે કે પશ્ચિમ મધ્ય અને દક્ષિણ દ્વીપકલ્પ ભારતમાં તેમજ ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં આગામી ૩ થી ૭ દિવસ દરમિયાન વરસાદનું જોર થોડું ઘટશે.
ઉત્તર ભારતમાં ભેજવાળી ગરમીનો ત્રાસ અને દક્ષિણમાં 'હીટવેવ'નો પ્રકોપ
એક તરફ જ્યાં પૂર્વોત્તરમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાનો ભય છે, ત્યાં બીજી તરફ દેશના અન્ય ભાગો ગરમીથી તોબા પોકારી રહ્યા છે. દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, રાયલસીમા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આવતીકાલ સુધી કાળઝાળ ગરમી અને હીટવેવ (લૂ) નું મોજું ફરી વળવાની આશંકા છે. આ તરફ દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને પંજાબમાં વરસાદી ઝાપટાં પહેલા એટલે કે ૧૮ જુલાઈ સુધી વાતાવરણ ભારે ગરમ અને અસહ્ય ભેજવાળું (Humid) રહેશે, જેના કારણે નાગરિકોને બફારાનો સામનો કરવો પડશે.
માછીમારો માટે વહીવટીતંત્રની કડક એડવાઇઝરી
સમુદ્રમાં સર્જાયેલી સાયક્લોનિક સિસ્ટમ અને ખરાબ હવામાનને જોતા હવામાન વિભાગે માછીમારો માટે હાઈ-એલર્ટ જાહેર કર્યું છે. ખતરનાક કરંટ અને ઊંચા મોજા ઉછળવાની શક્યતાને પગલે માછીમારોને ૨૧ જુલાઈ સુધી દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં ન જવા કડક સૂચના અપાઈ છે. આ ઉપરાંત આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ બંગાળની ખાડી અને તેની આસપાસના દરિયાઈ વિસ્તારોમાં પણ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
(8:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
