<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

ચીનના ચોંગકિંગમાં કુદરતનો પ્રકોપ: ભયાનક ભૂસ્ખલનમાં બહુમાળી ઇમારતો જમીનદોસ્ત, 1,100 થી વધુ લોકોનું યુદ્ધના ધોરણે સ્થળાંતર!

પહાડનો આખો ભાગ રહેણાંક વિસ્તાર પર તૂટી પડ્યો; કાટમાળ નીચે અનેક લોકો ફસાયાની આશંકા વચ્ચે સેના અને બચાવ દળોનું 'ઓપરેશન જિંદગી' શરૂ

બીજિંગ, તા.૧૭: દક્ષિણ-પશ્ચિમ ચીનના અતિ મહત્વના શહેર ચોંગકિંગના પેંગશુઈ કાઉન્ટી વિસ્તારમાંથી કુદરતી આફતના અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. શુક્રવારે સવારે એક વિશાળ પહાડનો મોટો ભાગ અચાનક તૂટી પડતાં ભયાનક ભૂસ્ખલન (Landslide) થયું હતું. આ દુર્ઘટનામાં અનેક રહેણાંક ઇમારતો પળવારમાં કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગઈ છે. સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ૧,૧૦૦ થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે હજુ પણ અનેક લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે.

ચીનના સરકારી પ્રસારણકર્તા CCTV ના અહેવાલ મુજબ, આ ભયાનક દુર્ઘટના સવારે ૯:૦૮ વાગ્યે ઘટી હતી. પર્વત પરથી હજારો ટન વજનના ખડકો અને માટી ધસમસતા નીચે આવ્યા હતા અને જોતજોતામાં ૧૦ થી વધુ મોટી રહેણાંક ઇમારતોને પોતાની લપેટમાં લઈ લીધી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોએ અત્યાર સુધીમાં કાટમાળમાંથી ભારે જહેમત બાદ ૧૦ લોકોને જીવતા બહાર કાઢ્યા છે, પરંતુ હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.

મોતના લાઈવ ફૂટેજ આવ્યા સામે, રાહત કામગીરીમાં નડતર

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અને સીસીટીવી દ્વારા જાહેર કરાયેલા ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે એક આખો પહાડ પત્તાના મહેલની જેમ રહેણાંક સોસાયટીઓ પર તૂટી પડે છે. ખડકોના વિશાળ સ્લેબ નજીક વહેતી વુજિયાંગ નદી તરફ સરકી ગયા હતા. એસોસિએટેડ પ્રેસ (AP) ના જણાવ્યા અનુસાર, ૫ અને ૧૫ માળની બે મોટી ગગનચુંબી ઇમારતો આ ભયાનક ટક્કર છતાં કોઈક રીતે ઊભી રહી ગઈ છે, પરંતુ તેને ભારે નુકસાન થયું છે. જો કે, વિસ્તારની જમીન હજુ પણ અસ્થિર હોવાથી અને ફરીથી ભૂસ્ખલન થવાનો સતત ભય હોવાથી બચાવ કર્મચારીઓને ઓપરેશન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે.

અસરગ્રસ્ત વિસ્તારમાં અંધારપટ, કટોકટી જાહેર

ભૂસ્ખલનના કારણે વિસ્તારના અસંખ્ય વીજળીના થાંભલા જમીનદોસ્ત થઈ ગયા છે, જેના લીધે સમગ્ર પંથકમાં અંધારપટ છવાઈ ગયો છે. વધુ કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે પ્રશાસને એક કિલોમીટરના ત્રિજ્યામાં પાણી, વીજળી અને ગેસનો સપ્લાય સંપૂર્ણપણે બંધ કરી દીધો છે. પીડિતોની મદદ માટે સરકાર દ્વારા તંબુઓ, ફોલ્ડિંગ બેડ અને ઇમરજન્સી કીટ સહિતની ૮,૦૦૦ થી વધુ રાહત સામગ્રી ઘટનાસ્થળે મોકલવામાં આવી છે. આ પહાડી વિસ્તારમાં થઈ રહેલા સતત વરસાદને આ આપત્તિનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.

 

(4:42 PM IST)