<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

કુદરતનો પ્રકોપ : મહાવિનાશક વાવાઝોડું ‘બાવી’ તાઈવાન અને ચીન તરફ ઝડપથી આગળ વધતાં એશિયામાં ભારે ફફડાટ : વર્ષોની સૌથી ભયંકર તારાજી સર્જાય તેવી પ્રબળ આશંકા

૨૦૦ કિલોમીટરની પ્રચંડ ગતિએ ફૂંકાતા પવન અને ફ્રાન્સ જેટલા વિશાળ ઘેરાવવાળા વાવાઝોડાને પગલે જાપાનના ઓકિનાવામાં એલર્ટ : સેંકડો ફ્લાઈટ્સ રદ કરાઈ : દરિયા કિનારે માછીમારોની બોટો સુરક્ષિત સ્થળે ખસેડાઈ : ચીનમાં અગાઉના વાવાઝોડા પૂરના કારણે પ્રાણીસંગ્રહાલયમાંથી ૧૦૦થી વધુ જંગલી જાનવરો ભાગી છૂટ્યા, સિંહોના મોતથી હાહાકાર

ટોક્યો: પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલું ભયાનક ચક્રવાતી વાવાઝોડું ‘બાવી’ તાઈવાનના દક્ષિણ-પૂર્વ વિસ્તારમાં વધુ મજબૂત બનીને આગળ વધી રહ્યું છે, જેને પગલે સમગ્ર એશિયા પેસિફિક ક્ષેત્રમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુરુવારે આ વાવાઝોડાની અંદર પવનની ગતિ ૨૦૦ કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ નોંધાઈ હતી. હવામાન વિભાગ અને સ્થાનિક સત્તાવાળાઓએ નાગરિકોને વહેલી તકે જરૂરી ચીજવસ્તુઓ અને રાશનનો સંગ્રહ કરી લેવા તેમજ વર્ષ ૨૦૨૪ પછીના આ સૌથી શક્તિશાળી વાવાઝોડા સામે રક્ષણ મેળવવા સજ્જ થઈ જવા તાકીદ કરી છે. વૈજ્ઞાનિકો આ વિનાશક વાવાઝોડાને વૈશ્વિક આબોહવા પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ) અને ચાલુ વર્ષે સક્રિય થઈ રહેલી 'એલ નિનો'ની અસર સાથે જોડી રહ્યા છે, જે તાપમાન વધારીને વાવાઝોડાને વધુ હિંસક બનાવી રહ્યું છે.

 

વાવાઝોડાનું કદ ફ્રાન્સ દેશ જેટલું વિશાળ, તાઈવાનમાં ૩૯ વર્ષનો રેકોર્ડ તૂટશે:

ચીનના રાષ્ટ્રીય હવામાન કેન્દ્રના અહેવાલ મુજબ, વાવાઝોડું ‘બાવી’ તેના સૌથી વ્યાપક બિંદુએ આશરે ૧,૦૦૦ કિલોમીટરના ઘેરાવમાં ફેલાયેલું છે, જે અંદાજે આખેઆખા ફ્રાન્સ દેશની પહોળાઈ બરાબર થાય છે. આ વાવાઝોડું ઉત્તરી તાઈવાનના દરિયાકાંઠા પાસેથી પસાર થઈને શનિવારે સાંજે ચીનના પૂર્વીય ફૂજિયાન પ્રાંતમાં ત્રાટકે તેવી સંભાવના છે. તાઈવાનના સેન્ટ્રલ વેધર એડમિનિસ્ટ્રેશનના આગાહીકાર જેસન ચાંગના જણાવ્યા અનુસાર, વર્ષ ૧૯૮૭ પછી તાઈવાન તરફ ત્રાટકનારું આ કદની દ્રષ્ટિએ સૌથી મોટું તોફાન સાબિત થશે. તાજેતરના વર્ષોમાં આટલા મોટા કદના વાવાઝોડા ખૂબ જ દુર્લભ જોવા મળ્યા છે. જો આ વાવાઝોડું તેની વર્તમાન તીવ્રતા જાળવી રાખશે, તો તે ૨૦૨૪માં આવેલા સુપર ટાયફૂન 'કોંગ-રે' પછીનું સૌથી ભયાનક તોફાન બની રહેશે. એક્ક્યુવેધરના આંતરરાષ્ટ્રીય આગાહી નિષ્ણાત જેસન નિકોલ્સે જણાવ્યું છે કે શુક્રવારથી સોમવાર દરમિયાન તાઈવાન અને પૂર્વ ચીનમાં આ તોફાન ભારે વિનાશ નોતરી શકે છે.

 

દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરાવાયા, જાપાનના ઓકિનાવામાં હાઈ એલર્ટ:

વાવાઝોડાના સંકટને પગલે તાઈવાનના ઉત્તર-પૂર્વીય બંદર વિસ્તાર સુઆઓમાં સેંકડો માછીમારી બોટોને દરિયામાંથી પાછી બોલાવીને બંદરો પર બાંધી દેવામાં આવી છે. સ્થાનિક રહીશો પૂરના પાણીથી બચવા માટે રેતીના કોથળાઓ મેળવવા લાંબી લાઈનો લગાવી રહ્યા છે, જ્યારે ખેડૂતો પાક બચી જાય તે માટે પાકેલા ડાંગરના પાકની લણણી કરવા ખેતરોમાં દોડી ગયા છે. સુઆઓ બંદરના ૬૦ વર્ષીય કેપ્ટન ચેન મિંગ-હુઈએ ભૂતકાળના વાવાઝોડાની ભયાનકતા યાદ કરતાં જણાવ્યું હતું કે, અત્યારનું શાંત વાતાવરણ છેતરામણું છે, આવા વાવાઝોડા ભારે હોડીઓ ડૂબાડી દે છે અને આખા નગરને પાણીમાં ગરકાવ કરી દે છે. બીજી તરફ, તાઈવાનથી આશરે ૧૧૧ કિલોમીટર દૂર આવેલા જાપાનના ઓકિનાવા પ્રાંતમાં પણ ભારે પવન, ભૂસ્ખલન, પૂર અને દરિયાી મોજા ઉછળવાની ચેતવણી સાથે હાઈ એલર્ટ જાહેર કરાયું છે. તોફાનના કારણે જાપાન એરલાઈન્સે શુક્રવારની ૪૮ સ્થાનિક ફ્લાઈટ્સ રદ કરી છે, જેનાથી ૭,૬૧૦ મુસાફરો અટવાયા છે. ઈમ્પિરિયલ કોલેજ લંડનના સંશોધક ક્ષિયાંગબો ફેંગે ચેતવણી આપી છે કે ઓપન પેસિફિકમાં લાંબો સમય વિતાવવાને કારણે આ વાવાઝોડાએ દરિયાની ગરમી અને ભેજમાંથી પ્રચંડ ઊર્જા મેળવી લીધી છે, જેથી તેનો કિનારા પરનો પ્રહાર અત્યંત જીવલેણ નીવડી શકે છે.

 

ચીનમાં અગાઉના પૂરના કારણે ઝૂમાંથી સિંહોના મોત, ૧૦૦ વન્યજીવો ભાગી છૂટ્યા:

ચીન હજુ તાજેતરમાં જ ત્રાટકેલા ‘માયસાક’ વાવાઝોડાની તારાજીમાંથી બેઠું થયું નથી, જેણે દક્ષિણ-પશ્ચિમ ગુઆંગ્ઝી ક્ષેત્રમાં ભારે તબાહી મચાવી હતી અને તેના કારણે સેન્ટ્રલ હુબેઈ પ્રાંતમાં બે મોટા વંટોળ (ટોર્નેડો) પણ આવ્યા હતા. આ પૂર દરમિયાન ગુઈગાંગ પ્રાણીસંગ્રહાલય (ઝૂ) માં પાણી ભરાઈ જતાં એક મોટી દુર્ઘટના ઘટી હતી, જેમાં ઝૂના ઓપરેટર વાંગ લિયુઆનના જણાવ્યા મુજબ ત્રણ સિંહોના પૂરના પાણીમાં ડૂબી જવાથી કરૂણ મોત નીપજ્યા છે. આ આફતનો લાભ લઈને ઝૂમાંથી બે ઝેબ્રા, ચાર શાહુડી (પોર્ક્યુપાઈન), ડઝનબંધ અલગ-અલગ પ્રકારના પોપટો, ઉત્તર અમેરિકન રેકૂન, આઠ તેતર સહિત ૧૦૦થી વધુ જંગલી જાનવરો પાંજરા તોડીને ભાગી છૂટ્યા છે. સ્થાનિક ગ્રામીણોએ એક ચિત્તલ હરણ (સીકા ડીયર) ને બચાવી લીધું હતું, જ્યારે રીંછ અને વરુ જેવા હિંસક પ્રાણીઓ માંડ-માંડ ડૂબતા બચ્યા હોવાથી તેમની હાલત અત્યંત ખરાબ છે. એક તરફ જૂની આફતની કટોકટી ચાલુ છે ત્યાં નવું વાવાઝોડું ‘બાવી’ ત્રાટકવા જઈ રહ્યું હોવાથી પ્રશાસન ઉંધા માથે થયું છે.

(12:33 PM IST)