હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કુદરતનો કહેર: દેશમાં એકસાથે ૫ ચક્રવાતી સિસ્ટમ સક્રિય, અનેક રાજ્યોમાં કરા સાથે તોફાની વરસાદનું એલર્ટ
જમ્મુ-કાશ્મીરથી લઈને કર્ણાટક સુધી હવામાનનો મિજાજ બગડ્યો; હિમાચલ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાની શક્યતા વચ્ચે પંજાબ-હરિયાણામાં ફૂંકાશે તેજ પવન : મહારાષ્ટ્ર અને ઓડિશામાં કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતામાં કરશે વધારો

નવી દિલ્હી: ભારત પર અત્યારે એકસાથે પાંચ જેટલી ચક્રવાતી પરિભ્રમણ (સિસ્ટમ સક્રિય થતા દેશના હવામાનમાં મોટો પલટો આવ્યો છે. પશ્ચિમી વિક્ષેપ અને રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને હરિયાણા પર છવાયેલી નીચા સ્તરની સિસ્ટમોને કારણે આગામી ૪૮ કલાક અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહ્યા છે. ૧૮ અને ૧૯ એપ્રિલ દરમિયાન જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષાની સાથે ૩૦ થી ૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની શક્યતા છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર ક્ષેત્રમાં કરા પડવાનું (Hailstorm) એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જે સ્થાનિક જનજીવન અને પ્રવાસન પર અસર કરી શકે છે.
ઉત્તર-પૂર્વ ભારતના સાત રાજ્યોમાં પણ મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં ૨૧ એપ્રિલ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પૂર્વી ભારતમાં પશ્ચિમ બંગાળ, બિહાર અને ઓડિશામાં પણ વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ જામશે. મધ્ય ભારતના મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં વીજળી પડવાની શક્યતા હોવાથી લોકોને ઘરની બહાર નીકળતી વખતે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. મેદાની વિસ્તારોમાં પંજાબ અને હરિયાણામાં ફૂંકાનારા તેજ પવનને કારણે ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં પણ હવામાનનો પલટો જોવા મળશે. મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને વિદર્ભમાં ૧૮ થી ૨૨ એપ્રિલ દરમિયાન કરા પડવાની શક્યતા સાથે હળવો વરસાદ પડી શકે છે. તે જ રીતે કર્ણાટક, કેરળ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વાવાઝોડા અને વીજળી પડવાની ચેતવણી આપવામાં આવી છે. મહારાષ્ટ્રના ખેડૂતો માટે આ કમોસમી વરસાદ મોટું આર્થિક નુકસાન લાવી શકે છે. હવામાન વિભાગના મતે, આ પાંચેય સિસ્ટમોના સંગમથી સમગ્ર દેશના તાપમાનમાં ઘટાડો તો થશે, પરંતુ વીજળી અને કરા પડવાની ઘટનાઓ જોખમી સાબિત થઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
