<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

આસામમાં કુદરતનો કોપ અને ભારતીય સેનાનું 'ઓપરેશન જલ રાહત': જળબંબાકાર વચ્ચે ૨૦૦થી વધુ લોકોને મોતના મુખમાંથી ઉગારાયા!

શિવસાગર, ચરાઈદેવ અને જોરહાટમાં રેડ શીલ્ડ ડિવિઝનના જવાનો તૈનાત: ડ્રોન, હેલિકોપ્ટર અને બોટ દ્વારા જળપ્રલય વચ્ચે સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ

ગુવાહાટી : ઉપલા આસામમાં કુદરતી હોનારત જેવા પૂરના કારણે સર્જાયેલી ભારે કટોકટી વચ્ચે ભારતીય સેનાએ ફરી એકવાર દેવદૂત બનીને મહત્ત્વપૂર્ણ કામગીરી હાથ ધરી છે. આસામના શિવસાગર, ચરાઈદેવ અને જોરહાટ જિલ્લાઓમાં સેનાએ 'ઓપરેશન જલ રાહત' (Operation Jal Rahat) ને અત્યંત તીવ્ર બનાવીને પૂરના પાણીમાં ફસાયેલા ૨૦૦થી વધુ નાગરિકોને સલામત બહાર કાઢ્યા છે.

સ્થાનિક સિવિલ એડમિનિસ્ટ્રેશનની મદદની અપીલ બાદ, ભારતીય સેનાએ સ્પીયર કોર્પ્સ હેઠળ 'રેડ શીલ્ડ ડિવિઝન'ના ચાર વિશેષ પૂર રાહત સ્તંભોને તુરંત મેદાનમાં ઉતાર્યા છે. શિવસાગરના નઝીરા અને અમગુરી, ચરાઈદેવના સોનારી તેમજ જોરહાટના અત્યંત અસરગ્રસ્ત વિસ્તારોમાં સેનાની ટુકડીઓ રાહત અને બચાવ કામગીરીમાં રાત-દિવસ જોતરાયેલી છે.

હવામાંથી ડ્રોન-હેલિકોપ્ટર અને જમીન પર બચાવ બોટ

સેનાના જવાનો બોટ, કટોકટીની તબીબી ટીમો, એન્જિનિયરિંગ સાધનો અને ખાદ્ય સામગ્રી સાથે પૂરગ્રસ્ત ગામોમાં પહોંચી રહ્યા છે. પાણી વચ્ચે અટવાયેલા પરિવારોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાની સાથે તેમને જરૂરી દવાઓ અને રાહત સામગ્રી પૂરી પાડવામાં આવી રહી છે.

પરિસ્થિતિ પર નજર રાખવા માટે સેના દ્વારા ડ્રોન અને હેલિકોપ્ટરથી રિકોનિસન્સ ફ્લાઇટ્સ (હવાઈ સર્વેક્ષણ) ચલાવવામાં આવી રહી છે, જેથી ફસાયેલા છેવાડાના લોકોને પણ શોધી શકાય. આ ઉપરાંત, પૂરના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ અને માળખાકીય સુવિધાઓને તાત્કાલિક રિપેર કરવા માટે સેનાની એન્જિનિયરિંગ વિંગ સતત કાર્યરત છે.

NDRF અને SDRF સાથે સંયુક્ત મોરચો

આ વિશાળ રેસ્ક્યૂ ઓપરેશન NDRF, SDRF અને સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રના ગાઢ સંકલન સાથે ચલાવવામાં આવી રહ્યું છે. જો પરિસ્થિતિ વધુ ગંભીર બને તો વધારાની લશ્કરી ટુકડીઓને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું છે કે મુશ્કેલ સમયમાં આસામના નાગરિકોની સુરક્ષા માટે તેઓ સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે.

(5:50 PM IST)