તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th October 2026
આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરી સામે NCBની મોટી કાર્યવાહી :દેશના ત્રણ રાજ્યોમાં 38 સ્થળો પર દરોડા:100 કરોડના હવાલા વ્યવહારોનો પર્દાફાશ : 18 ઝડપ્યા
17.82 કરોડની સંપત્તિ જપ્ત, 1,424 બેંક ખાતા ફ્રીઝ કરાયા. દિલ્હીથી મુખ્ય સૂત્રધાર ચિનતુઆંગ સહિત 18 આરોપીઓની ધરપકડ

નવી દિલ્હી :આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરી સામે લાલ આંખ કરીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ પૂર્વોત્તર ભારતમાં એક વિશાળ ઓપરેશન પાર પાડ્યું છે. ભારત, મ્યાંમાર અને બાંગ્લાદેશ વચ્ચે ચાલતા મોટા ડ્રગ નેટવર્કને તોડી પાડવા માટે NCB, મિઝોરમ પોલીસ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સંયુક્ત રીતે 'ઓપરેશન ટ્રાઇડેન્ટ' હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી હેઠળ 23 ઓક્ટોબરે આસામ, મિઝોરમ અને મણિપુરના 38 સ્થળો પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં આશરે 100 કરોડ રૂપિયાના શંકાસ્પદ હવાલા વ્યવહારોનો પર્દાફાશ થયો છે.
આ મેગા સર્ચ ઓપરેશન દરમિયાન તપાસ એજન્સીઓએ નાણાકીય નેટવર્ક પર તવાઈ બોલાવીને 1,424 જેટલા બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે. આ સાથે 17.82 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. સ્થળ પરથી 500 ડિટોનેટર અને 12 લાખ રૂપિયા રોકડા પણ મળી આવ્યા છે. આ સમગ્ર ગેરકાયદે સિન્ડિકેટ સાથે જોડાયેલા 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે
તપાસ દરમિયાન સામે આવ્યું કે મ્યાંમાર સ્થિત આ નેટવર્કનો મુખ્ય સૂત્રધાર થંગચિનતુઆંગ ઉર્ફે ચિનતુઆંગ છે, જે NDPS એક્ટ હેઠળ 10થી વધુ કેસમાં વોન્ટેડ હતો. તપાસ ટીમોએ પીછો કરીને તેની દિલ્હીથી ધરપકડ કરી છે. આ આંતરરાષ્ટ્રીય ગેંગ મ્યાંમારથી હેરોઈન અને મેથમફેટામાઈન જેવા જીવલેણ નશાકારક પદાર્થો મિઝોરમ, મણિપુર, આસામ અને ત્રિપુરા થઈને ભારતના અન્ય રાજ્યો તેમજ બાંગ્લાદેશ સુધી સપ્લાય કરતી હતી. આ અગાઉ ઝડપાયેલા સાથીદારોની ડિજિટલ અને નાણાકીય કડીઓના આધારે આ ઓપરેશન પાર પડાયું હતું .
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
