<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

ટી પોસ્‍ટ વિવાદમાં એનસીએલટીનો ઐતિહાસિક આદેશ : બ્રાન્‍ડ ટ્રાન્‍સફર પછી શેર વેચીને કમાયેલો નફો ૩ મહિનામાં અસલ કંપનીને પરત કરો

રાજગુરૂ અને દશાણી ગ્રુપ વચ્‍ચેના કેસમાં નવો વળાંક : માત્ર ૩૫ લાખમાં સ્‍પષ્ટ વેલ્‍યુએશન વિના બ્રાન્‍ડ નવી કંપનીમાં તબદીલ કરાઈ હતી આ સીમાચિન્‍હરૂપી ચુકાદા બાદ કંપની દ્વારા ભવિષ્‍યમાં લાવવામાં આવનારા ‘આઈપીઓ'ની પ્રક્રિયા અને આયોજનો પર પણ મોટા સવાલો ઊભા થયા છે

અમદાવાદ : નેશનલ કંપની લો ટ્રિબ્‍યુનલ (એનસીએલટી) દ્વારા ટી પોસ્‍ટ બ્રાન્‍ડના લાંબા સમયથી ચાલતા વિવાદમાં પારદર્શિતા અને કોર્પોરેટ ગવર્નન્‍સને લગતો એક સીમાચિホરૂપ ચુકાદો આપવામાં આવ્‍યો છે. એનસીએલટીએ આદેશ કર્યો છે કે નવી કંપનીએ શેરના વેચાણમાંથી મેળવેલો નફો ૩ મહિનાની અંદર મૂળ કંપનીને પરત કરવાનો રહેશે, જે તમામ શેરહોલ્‍ડર્સ વચ્‍ચે વહેંચાશે.

ઝડપથી વિકસતી બ્રાન્‍ડ 'ટી પોસ્‍ટ'ને લઈને ચાલી રહેલા વિવાદનો હવે અમદાવાદ સ્‍થિત એનસીએલટી સમક્ષ મહત્‍વના ચુકાદા સાથે અંત આવ્‍યો છે. આ હાઈપ્રોફાઈલ કેસમાં અરજદાર તરીકે રાજેશ મધુસુદન રાજગુરુ, સ્‍વ. હરીશ મધુસુદન રાજગુરુ અને તુષાર મધુસુદન રાજગુરુ હતા. જ્‍યારે સામા પક્ષે (પ્રતિવાદી) દર્શન અનિલભાઈ દશાણી, સ્‍વ. હસિત અનિલભાઈ દશાણી, સમીર અનિલભાઈ દશાણી તેમજ પરેશ જોષી સહિત અન્‍ય વ્‍યક્‍તિઓ અને કંપનીઓ સામેલ હતી.

ફ્રેન્‍ચાઈઝી મોડલ દ્વારા દેશભરમાં જબ્‍બર વિસ્‍તરણ પામેલી ટી પોસ્‍ટ બ્રાન્‍ડે વર્ષ ૨૦૧૫ સુધીમાં ૮૦થી વધુ આઉટલેટ્‍સ ઊભા કરી લીધા હતા અને આ બ્રાન્‍ડ મૂળ કંપનીની આવકનો મુખ્‍ય આધાર બની ગઈ હતી. પરંતુ અરજદારોએ આક્ષેપ કર્યો હતો કે કંપનીના કેટલાક ડિરેક્‍ટર્સે મળીને ટી પોસ્‍ટ બ્રાન્‍ડ અને તેના સંબંધિત બિઝનેસને માત્ર રૂ. ૩૫ લાખના અત્‍યંત નીચા મૂલ્‍યાંકને એક નવી કંપનીમાં ટ્રાન્‍સફર કરી દીધો હતો. અરજદારોના મતે, આ ટ્રાન્‍સફરનો નિર્ણય એ સમજણથી સ્‍વીકારાયો હતો કે નવી કંપની મૂળ કંપનીની સબસિડિયરી તરીકે જ કામ કરશે અને વ્‍યવસાય પર નિયંત્રણ જળવાઈ રહેશે. જોકે, ટ્રાન્‍સફર બાદ નવી કંપનીએ સમગ્ર બ્રાન્‍ડ અને બિઝનેસ પર સંપૂર્ણ કબ્‍જો જમાવી દીધો, જેથી મૂળ કંપની પોતાની મુખ્‍ય આવકથી વંચિત રહી ગઈ.

સામા પક્ષે દર્શન દશાણી અને અન્‍ય પ્રતિસાદીઓએ આ તમામ આક્ષેપો ફગાવતા દલીલ કરી હતી કે આખી પ્રક્રિયા સંપૂર્ણ કાયદાકીય રાહે પૂર્ણ કરવામાં આવી હતી અને એક્‍સ્‍ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિગમાં યોગ્‍ય ઠરાવ પસાર કરીને તમામ જરૂરી મંજૂરીઓ લેવાઈ હતી, જેની અરજદારોને સંપૂર્ણ જાણકારી હતી.

જોકે, સુનાવણી દરમિયાન એનસીએલટીએ બિઝનેસ ટ્રાન્‍સફરની પારદર્શિતા અને વેલ્‍યુએશન (મૂલ્‍યાંકન) પર ખાસ ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું હતું. ટ્રિબ્‍યુનલના નિરીક્ષણમાં સામે આવ્‍યું કે આ ટ્રાન્‍સફર વખતે કોઈ સ્‍પષ્ટ અને પ્રમાણભૂત વેલ્‍યુએશન રિપોર્ટ રજૂ કરાયો નહોતો. આ મુદ્દો જ કેસના નિષ્‍કર્ષમાં સૌથી મહત્‍વપૂર્ણ સાબિત થયો.

ટ્રાન્‍સફર પછીની ઘટનાઓ પણ નોંધપાત્ર રહી હતી. ટ્રાન્‍સફર બાદ નવી કંપનીના શેરહોલ્‍ડિંગમાં ફેરફાર કરાયા અને થોડા જ સમયમાં તેના શેર ઘણી ઊંચી કિમતે વેચવામાં આવ્‍યા. આ પરિસ્‍થિતિ સાબિત કરે છે કે બિઝનેસનું સાચું બજાર મૂલ્‍ય ટ્રાન્‍સફર સમયે દર્શાવેલા ૩૫ લાખના મૂલ્‍ય કરતાં ઘણું વધારે હતું.

એનસીએલટીએ કડક નોંધ લીધી કે કંપનીના ડિરેક્‍ટર્સની જવાબદારી શેરહોલ્‍ડર્સ અને કંપનીના હિતોનું રક્ષણ કરવાની હોય છે, પરંતુ આ કિસ્‍સામાં લેવાયેલા નિર્ણયોમાં પારદર્શિતા અને ન્‍યાયના સિદ્ધાંતોનું સંપૂર્ણ પાલન જણાયું નહોતું. વધુમાં, ગ્રુપ કંપની અને સબસિડિયરી કંપની વચ્‍ચેના નિયમો તથા એસેટ ટ્રાન્‍સફરની કાયદાકીય જોગવાઈઓનું પણ યોગ્‍ય પાલન ન થયું હોવાનું ટ્રિબ્‍યુનલના ધ્‍યાનમાં આવ્‍યું હતું.

આ તમામ ગંભીર મુદ્દાઓને ધ્‍યાને લઈને એનસીએલટીએ અંતિમ આદેશ આપ્‍યો છે કે, નવી કંપનીએ શેરના વેચાણમાંથી જે નફો મેળવ્‍યો છે તે મૂળ કંપનીને પરત કરવો પડશે. આ રકમ તમામ શેરહોલ્‍ડર્સ વચ્‍ચે તેમની હિસ્‍સેદારીના પ્રમાણમાં વહેંચવાની રહેશે. આ માટે ૩ મહિનાની સમયમર્યાદા નિર્ધારિત કરવામાં આવી છે. કોર્પોરેટ ગવર્નન્‍સ માટે આ ચુકાદો અત્‍યંત મહત્‍વપૂર્ણ માનવામાં આવે છે. તે સ્‍પષ્ટ કરે છે કે બિઝનેસ ટ્રાન્‍સફર કે બ્રાન્‍ડ મૂલ્‍યાંકન વખતે કાયદાકીય પાલન અને શેરહોલ્‍ડર્સના હિતોની જાળવણી અનિવાર્ય છે. આ ચુકાદા બાદ કંપની દ્વારા ભવિષ્‍યમાં લાવવામાં આવનારા આઈપીઓની પ્રક્રિયા અને આયોજનો પર પણ મોટા સવાલો ઊભા થયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. (૩૭.૧૦)

ટી પોસ્‍ટ સમગ્ર વિવાદ ઉડતી નજરે

*   ટી પોસ્‍ટ વિવાદમાં એન સી એલ ટી નો ઐતિહાસિક ચુકાદો : બ્રાન્‍ડ ટ્રાન્‍સફર બાદ શેર વેચીને કમાયેલો નફો ૩ મહિનામાં મૂળ કંપનીને પરત કરવાનો આદેશ

*   રાજગુરુ અને દશાણી ગ્રુપ વચ્‍ચેના કેસમાં નવો વળાંકઃ માત્ર ૩૫ લાખમાં સ્‍પષ્ટ વેલ્‍યુએશન વિના બ્રાન્‍ડ નવી કંપનીમાં તબદીલ કરાઈ હતી

*   આ સીમાચિન્‍હરૂપી ચુકાદા બાદ કંપની દ્વારા ભવિષ્‍યમાં લાવવામાં આવનારા ‘આઈપીઓ' ની પ્રક્રિયા અને આયોજનો પર પણ મોટા સવાલો ઉભા થયા છે

*   ‘ટી પોસ્‍ટ' ને લઈને ચાલી રહેલા લાંબા વિવાદનો નેશનલ કંપની લો ટ્રિબ્‍યુનલ (એન સી એલ ટી ) અમદાવાદ બેન્‍ચ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપીને અંત લાવવામાં આવ્‍યો છે.

*   કોર્પોરેટ ગવર્નન્‍સને લગતો આ ચુકાદો સીમાચિન્‍હરૂપ માનવામાં આવે છે. એન સી એલ ટી ની કોર્ટ-૨ ના જ્‍યુડિશિયલ મેમ્‍બર શ્રીમતી ચિત્રા હંકારે અને ટેકનિકલ મેમ્‍બર ડો. વી. જી. વેંકટ ચલાપથી દ્વારા ૨૮ એપ્રિલ ૨૦૨૬ ના રોજ આ મહત્‍વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્‍યો છે.

*   આ હાઈપ્રોફાઈલ કેસમાં અરજદાર તરીકે મૂળ કંપનીના ૨૦.૮૦્રુ શેરહોલ્‍ડર રાજેશ મધુસુદન રાજગુરુ, હરીશ મધુસુદન રાજગુરુ અને તુષાર મધુસુદન રાજગુરુ હતા. જ્‍યારે સામા પક્ષે દર્શન અનિલભાઈ દશાણી, હસિત અનિલભાઈ દશાણી, સમીર અનિલભાઈ દશાણી તેમજ લલિતકુમાર બુદ્ધદેવ, પરેશ જોષી સહિતના અન્‍ય વ્‍યક્‍તિઓ અને કંપનીઓ સામેલ હતી.

*   ‘ટી પોસ્‍ટ' બ્રાન્‍ડ મૂળરૂપે ટી સ્‍ટેશન પ્રાઇવેટ લિમિટેડ (પ્રતિવાદી નં. ૯) ની માલિકીની હતી અને ૨૦૧૫ સુધીમાં ૮૦ થી વધુ ફ્રેન્‍ચાઈઝી આઉટલેટ્‍સ સાથે કંપનીની આવકનો મુખ્‍ય આધાર બની ગઈ હતી. જોકે, મેનેજમેન્‍ટના બહાને ડાયરેક્‍ટરો દ્વારા નવી કંપની ટી પોસ્‍ટ પ્રાઇવેટ લિમિટેડ (પ્રતિવાદી નં. ૧૦) ની સ્‍થાપના કરવામાં આવી હતી. અરજદારોના આક્ષેપ મુજબ, કોઈપણ સ્‍પષ્ટ અને પ્રમાણભૂત વેલ્‍યુએશન રિપોર્ટ વિના આ મૂલ્‍યવાન બ્રાન્‍ડને માત્ર ૩૫ લાખ રૂપિયામાં નવી કંપનીમાં ટ્રાન્‍સફર કરી દેવામાં આવી હતી.

*   સુનાવણી દરમિયાન  એન સી એલ ટી ના ધ્‍યાનમાં આવ્‍યું કે આ ટ્રાન્‍સફર પછી તરત જ નવી કંપનીએ તેના ૯.૫૨% શેર ઇન્‍ડિયા નિવેશ વેન્‍ચર કેપિટલ ફંડને ૧,૪૯,૯૯,૬૮૮ રૂપિયામાં વેચ્‍યા હતા, જે સાબિત કરે છે કે બ્રાન્‍ડની અસલ કિમત ૩૫ લાખ કરતાં અનેક ગણી વધારે હતી. આ ઉપરાંત, નવી કંપનીના ૯૦.૪૭% જેટલા શેર પ્રમોટર્સ સાથે જોડાયેલી એક એન્‍ટિટી 'એક્‍લેમ એન્‍ટરપ્રાઇઝ એલએલપી' ને ફાળવી દેવામાં આવ્‍યા હતા, જેનાથી મૂળ કંપની ટી સ્‍ટેશન પ્રાઇવેટ લિમિટેડ અને તેના શેરહોલ્‍ડરોને નુકસાન થયું હતું.

*   ટ્રિબ્‍યુનલે આ તમામ ગંભીર મુદ્દાઓને ધ્‍યાને લઈને અને શેરહોલ્‍ડરોના હિતોના રક્ષણને પ્રાધાન્‍ય આપતા નીચે મુજબનો આખરી આદેશ ફરમાવ્‍યો છેઃ

૧.  નવી કંપની (ટી પોસ્‍ટ પ્રાઇવેટ લિમિટેડ) દ્વારા એક્‍લેમ એન્‍ટરપ્રાઇઝ એલએલપી ને ૯૦.૪૭% શેર ફાળવીને મેળવવામાં આવેલી રકમ/નફો મૂળ કંપની (ટી સ્‍ટેશન પ્રાઇવેટ લિમિટેડ) ના ખાતામાં જમા કરાવવો.

૨.  આ રકમ મૂળ કંપનીના તમામ શેરહોલ્‍ડર્સ વચ્‍ચે તેમની હિસ્‍સેદારીના પ્રમાણમાં આવતા ૩ મહિનાની સમયમર્યાદામાં વહેંચવાની રહેશે.

૩.  મૂળ કંપની ભવિષ્‍યમાં પણ નવી કંપનીની સબસિડિયરી કે એસવીપી તરીકે તેના તમામ બિઝનેસમાં પોતાનો હિત/રસ જાળવી રાખશે.

૪.  બોર્ડ ઓફ ડિરેક્‍ટર્સ દ્વારા નફા/નુકસાનના વ્‍યવસાયિક હિસ્‍સા માટે મૂળ કંપની અને એસીપી વચ્‍ચે નવેસરથી મેમોરેન્‍ડમ ઓફ એગ્રીમેન્‍ટ (કરાર) પર હસ્‍તાક્ષર કરવાના રહેશે.

આ ચુકાદામાં સ્‍પષ્ટ કરવામાં આવ્‍યું છે કે બિઝનેસ ટ્રાન્‍સફર કે બ્રાન્‍ડ મૂલ્‍યાંકન વખતે કાયદાકીય પાલન અને શેરહોલ્‍ડર્સના હિતોની જાળવણી અનિવાર્ય છે.

  1. *       આ ચુકાદાને પગલે ટી પોસ્‍ટ કંપની દ્વારા ભવિષ્‍યમાં લાવવામાં આવનારા આઈપીઓની પ્રક્રિયા અને આયોજનો પર પણ મોટા સવાલો ઉભા થયા છે.

(4:11 PM IST)