<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

ટીએમસીથી અલગ થયેલી NCPIએ જાહેર કર્યા નવા રાષ્ટ્રીય પદાધિકારીઓ: પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ બન્યા રાષ્ટ્રીય ઉપપ્રમુખ

જ્યોતિપ્રકાશ ચેટર્જીને સોંપાઈ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ તરીકેની કમાન: રચના બેનર્જી, દીપક અધિકારી (દેવ) અને અબુ તાહિર ખાન સહિતના દિગ્ગજ નેતાઓને બનાવાયા રાષ્ટ્રીય ઉપપ્રમુખ

નવી દિલ્હી : તૃણમૂલ કોંગ્રેસ (TMC)માંથી અલગ થઈને અસ્તિત્વમાં આવેલી નેશનલિસ્ટ સિટીઝન્સ પાર્ટી ઓફ ઈન્ડિયા (NCPI)એ પોતાના સંગઠનને મજબૂત કરવાના હેતુથી નવા રાષ્ટ્રીય પદાધિકારીઓની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાષ્ટ્રીય રાજકારણમાં પોતાના પગપેસારો વધારવા માટે પાર્ટીએ અનેક દિગ્ગજ ચહેરાઓને મહત્વની જવાબદારીઓ સોંપી છે, જેમાં પૂર્વ ભારતીય ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણની NCPIના રાષ્ટ્રીય ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

 

પાર્ટીના સંગઠનાત્મક માળખામાં ફેરફાર કરતા જ્યોતિપ્રકાશ ચેટર્જીને NCPIના નવા રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. નવી દિલ્હી ખાતેથી જારી કરવામાં આવેલી સત્તાવાર યાદી મુજબ, પાર્ટીએ અનુભવી અને લોકપ્રિય નેતાઓના સમન્વય સાથે નવી રાષ્ટ્રીય કારોબારીની રચના કરી છે.

 

દિગ્ગજ સાંસદો અને સેલેબ્સને મળી મહત્ત્વની જવાબદારી

 

યુસુફ પઠાણની સાથે અન્ય અનેક જાણીતા ચહેરાઓને પણ રાષ્ટ્રીય ઉપપ્રમુખનું પદ સોંપવામાં આવ્યું છે. જેમાં અબુ તાહિર ખાન, પ્રખ્યાત અભિનેતા અને સાંસદ દીપક અધિકારી (દેવ), જગદીશ ચંદ્ર બર્મા બાસુનિયા, જાણીતી અભિનેત્રી રચના બેનર્જી અને વરિષ્ઠ નેતા ચંદ્રિમા પંજાનો સમાવેશ થાય છે.

 

TMCમાંથી અલગ થયેલા સાંસદો દ્વારા રચાયેલી આ નવી પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરે પોતાની સક્રિયતા વધારવા માટે અત્યારથી જ વ્યૂહાત્મક તૈયારીઓ શરૂ કરી દીધી છે. રમતગમત અને સિનેમા જગતના જાણીતા ચહેરાઓને પાર્ટીના ઉચ્ચ પદો પર સ્થાન આપીને NCPIએ પોતાના રાજકીય ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે.

 

(7:29 PM IST)