તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 3rd May 2026
નીટ ૨૦૨૬ પરીક્ષા સંપન્ન: પેપર એકંદરે સરળ રહેતા કટ-ઓફમાં વધારો થશે, પરંતુ ૨૦૨૪ જેટલો નહીં:૭૨૦ માર્ક્સ લાવનારા વિદ્યાર્થીઓ વધશે
ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં ગણતરી લાંબી રહી, મિકેનિક્સ અને થર્મોડાયનેમિક્સના પ્રશ્નોનું વર્ચસ્વ

અમદાવાદ: દેશભરની મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટે લેવાતી નીટ ૨૦૨૬ ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. પરીક્ષા કેન્દ્રોની બહાર વિદ્યાર્થીઓના પ્રતિભાવો, વિવિધ પ્રસારણ માધ્યમો અને શિક્ષણ જગતના નિષ્ણાતોના વિશ્લેષણ મુજબ, આ વર્ષનું પેપર ગયા વર્ષની સરખામણીમાં એકંદરે સરળથી મધ્યમ સ્તરનું રહ્યું હતું. સમગ્ર પ્રશ્નપત્ર સંપૂર્ણપણે એનસીઇઆરટી ના અભ્યાસક્રમ પર જ આધારિત હતું. સૌથી વધુ રાહત બાયોલોજીના પેપરમાં જોવા મળી છે. બાયોલોજી વિભાગ અત્યંત સરળ હતો, જોકે તે થોડો લાંબો હોવાથી મોટાભાગના વિદ્યાર્થીઓને તેને ઉકેલવામાં ૩૫ થી ૫૦ મિનિટનો સમય લાગ્યો હતો. બાયોલોજીમાં ૨૯ પ્રશ્નો વિધાન આધારિત અને ૧૪ પ્રશ્નો જોડકાં જોડવાના પ્રકારના હતા. ટોપર્સ માટે આ વિભાગ ખૂબ જ સહેલો રહ્યો હતો, જ્યારે સામાન્ય સ્તરના વિદ્યાર્થીઓ માટે તે થોડો સમય માંગી લે તેવો હતો. બાયોલોજીના આ સરળ સ્તરના કારણે આ વર્ષે મેડિકલનું કટ-ઓફ ગયા વર્ષ કરતા ઊંચું જવાની પ્રબળ સંભાવના છે, પરંતુ તે ૨૦૨૪ જેટલી ઊંચી સપાટીએ નહીં પહોંચે
બીજી તરફ ફિઝિક્સ અને કેમેસ્ટ્રી વિભાગે વિદ્યાર્થીઓના સમય વ્યવસ્થાપનની કસોટી કરી હતી. ફિઝિક્સનું પેપર મધ્યમ સ્તરનું અને કોન્સેપ્ટ આધારિત હતું. તેમાં ૧૦ થી ૧૨ પ્રશ્નો સીધા ફોર્મ્યુલા પર આધારિત અને એકદમ સરળ હતા, જ્યારે અન્ય ૧૦ થી ૧૨ પ્રશ્નો બહુસ્તરીય ગણતરીવાળા અને મધ્યમથી કઠિન સ્તરના હતા. ૫ થી ૬ પ્રશ્નો થોડા અટપટા અને વિવિધ પ્રકરણોના કોન્સેપ્ટને જોડતા પૂછાયા હતા.
ફિઝિક્સમાં ખાસ કરીને મિકેનિક્સ, કરંટ ઇલેક્ટ્રિસિટી, થર્મોડાયનેમિક્સ, મોડર્ન ફિઝિક્સ અને ઇલેક્ટ્રોડાયનેમિક્સ પ્રકરણોમાંથી વધુ ભારાંક ધરાવતા પ્રશ્નો જોવા મળ્યા હતા.
કેમેસ્ટ્રીનું પેપર પણ સરળથી મધ્યમ પરંતુ ગણતરીમાં સમય માંગી લે તેવું હતું. એકંદરે જે વિદ્યાર્થીઓના પાયાના ખ્યાલો સ્પષ્ટ હતા અને જેમણે સમયનું યોગ્ય પાલન કર્યું છે, તેમના માટે આ પરીક્ષા સ્કોરિંગ રહી છે.
સોશિયલ મીડિયાના વલણો અને શિક્ષણવિદોના તારણ મુજબ આ વર્ષે ૭૨૦ માંથી ૭૨૦ પૂરા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળી શકે છે.
નીટ ૨૦૨૬: કટ-ઓફમાં વધારો થશે, પરંતુ ૨૦૨૪ જેટલો નહીં
તાજેતરમાં લેવાયેલી નીટ ૨૦૨૬ ની પરીક્ષા પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓમાં કટ-ઓફ અંગે ભારે અસમંજસ જોવા મળી રહી છે. કેટલાક વિદ્યાર્થીઓને પેપર સરળ લાગતાં તેઓ ઊંચા કટ-ઓફની ચિંતા કરી રહ્યા છે. આ મુદ્દે કોટાના જાણીતા એજ્યુકેટરે વિદ્યાર્થીઓની મૂંઝવણ દૂર કરતા પેપરનું સચોટ વિશ્લેષણ રજૂ કર્યું છે.
તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, પેપર ૨૦૨૫ની સરખામણીમાં ભલે સરળ હોય, પરંતુ ૨૦૨૪ જેટલું સહેલું નહોતું. તેમણે કહ્યું, "કટ-ઓફ ઉપર જશે તેમાં કોઈ શંકા નથી, પરંતુ તે બહુ વધારે નહીં જાય. તે ૨૦૨૪ જેટલી ઊંચી સપાટીએ નહીં પહોંચે."
(10:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
