<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th May 2026

NEET વિવાદઃ જૂની ભૂલોમાંથી હજુ સુધી કોઈ પાઠ શીખ્‍યા નથીઃ સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ

મેડિકલ પરીક્ષાની વિશ્વસનીયતા પર કોર્ટનો ગંભીર સવાલઃ NTA, CBI અને કેન્‍દ્ર સરકાર પાસે માંગ્‍યો જવાબ

નવી દિલ્‍હી, તા.૨૫: NEET-UG પેપર લીક મામલે ફરી એકવાર સુપ્રીમ કોર્ટમાં ગરમાવો જોવા મળ્‍યો છે. ન્‍યાયાધીશ પી.એસ. નરસિંહા અને આલોક આરાધેની બેન્‍ચે આ કેસની સુનાવણી કરતા ખૂબ જ આકરી ટિપ્‍પણી કરી છે. કોર્ટે સ્‍પષ્ટ શબ્‍દોમાં જણાવ્‍યું કે, વારંવાર થતી આવી ભૂલો અને ગેરરીતિઓ દર્શાવે છે કે સંબંધિત સંસ્‍થાઓએ ભૂતકાળની ભૂલોમાંથી હજુ સુધી કોઈ પાઠ શીખ્‍યા નથી. ફેડરેશન ઓફ ઓલ ઈન્‍ડિયા મેડિકલ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે કેન્‍દ્ર સરકાર, NTA અને CBIને નોટિસ પાઠવીને તાત્‍કાલિક ખુલાસો માંગ્‍યો છે.

અરજદારોની મુખ્‍ય માંગણી એ છે કે વર્તમાન નેશનલ ટેસ્‍ટિંગ એજન્‍સીને વિસર્જન કરીને એક સંપૂર્ણપણે સ્‍વાયત્ત અને સ્‍વતંત્ર સંસ્‍થાની રચના કરવામાં આવે, જે NEET જેવી મહત્‍વપૂર્ણ પરીક્ષાઓની પવિત્રતા જાળવી શકે. આ ઉપરાંત, પેપર લીકની શકયતાઓને નાબૂદ કરવા માટે પરીક્ષાને સંપૂર્ણપણે કોમ્‍પ્‍યુટર આધારિત બનાવવાની દરખાસ્‍ત પણ મૂકવામાં આવી છે. કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે આવી અનિયમિતતાઓને કારણે લાખો વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓનો વિશ્વાસ ડગમગી ગયો છે, જે દેશના ભાવિ ડોક્‍ટરો માટે અત્‍યંત ચિંતાજનક બાબત છે.

સુપ્રીમ કોર્ટે ખાસ કરીને NTA ને સવાલ કર્યો છે કે અગાઉના આદેશો મુજબ રચાયેલી દેખરેખ સમિતિનું શું થયું? કોર્ટે આદેશ આપ્‍યો છે કે NTA એ એક વિગતવાર એફિડેવિટ દાખલ કરવી પડશે, જેમાં જણાવવું પડશે કે સમિતિની ભલામણોનો અમલ કઈ હદ સુધી થયો છે. કોર્ટે ભારપૂર્વક જણાવ્‍યું કે તેમનું ધ્‍યાન માત્ર એક પરીક્ષા પૂરતું સીમિત નથી, પરંતુ સમગ્ર પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા લાવવાનું છે. હવે આગામી સુનાવણીમાં કેન્‍દ્ર અને NTA શું જવાબ આપે છે, તેના પર દેશભરના વિદ્યાર્થીઓની નજર ટકેલી છે. 

(3:15 PM IST)