તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 12th May 2026
પેપર લીક બાદ NEET પરીક્ષા રદઃ CBI કરશે તપાસ
૨૩ લાખ વિદ્યાર્થીઓને ફટકોઃ NTA દ્વારા પરીક્ષા કેન્સલ કરવા નિર્ણય લેવાયો : પરીક્ષાની નવી તારીખ હવે જાહેર કરાશેઃ રાજસ્થાનમાં ‘ગેસ પેપર'માં પુછાયેલા પ્રશ્નો નીટની પરીક્ષામાં બેઠા પુછાતા NEET UG પરીક્ષા રદ કરવા નિર્ણય

નવી દિલ્હી, તા.૧૨: દેશની સૌથી પ્રતિષ્ઠિત મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG ૨૦૨૬ ને લઈને આખરે જેનો ડર હતો તે જ થયું. ૩ મેના રોજ લેવાયેલી આ પરીક્ષામાં પેપર લીક થવાના ગંભીર આરોપો અને પુરાવાઓ મળ્યા બાદ નેશનલ ટેસ્ટિંગ એજન્સી એ સમગ્ર પરીક્ષા રદ કરવાની સત્તાવાર જાહેરાત કરી છે. અંદાજે ૨.૬ મિલિયન એટલે કે ૨૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ જેઓ ડોક્ટર બનવાનું સપનું સેવી રહ્યા હતા, તેમના પર આ નિર્ણય વીજળીની જેમ ત્રાટકયો છે. રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી શરૂ થયેલો વિવાદ હવે રાષ્ટ્રીય કક્ષાએ પહોંચ્યો છે, જેના કારણે લાખો પરિવારોમાં રોષ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ સમગ્ર કૌભાંડની તપાસ હવે સીબીઆઇને સોંપવામાં આવી છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે પરીક્ષા પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. CBI હવે એ દિશામાં તપાસ કરશે કે આ પેપર લીક પાછળ કયા મોટા માથાઓનો હાથ છે અને આ નેટવર્ક કેટલા રાજ્યોમાં ફેલાયેલું છે. NTA એ તપાસ એજન્સીઓને તમામ દસ્તાવેજો અને રેકોર્ડ સોંપી દીધા છે. એવું માનવામાં આવે છે કે પરીક્ષા કેન્દ્રો અને એજન્સીના અમુક કર્મચારીઓની મિલીભગતની શકયતાઓને પણ નકારી શકાય તેમ નથી, જેને પગલે આવનારા દિવસોમાં મોટા ધડાકા થવાની વકી છે.
વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર એ છે કે તેમને ફરીથી કોઈ ફોર્મ ભરવું નહીં પડે કે વધારાની કોઈ ફી ચૂકવવી પડશે નહીં. NTA એ સ્પષ્ટતા કરી છે કે મે ૨૦૨૬ ના સત્ર માટે જે રજીસ્ટ્રેશન થયું હતું અને જે પરીક્ષા કેન્દ્રો પસંદ કરવામાં આવ્યા હતા, તે જ વિગતો નવી પરીક્ષા માટે માન્ય ગણાશે. એજન્સી પોતાના આંતરિક ભંડોળનો ઉપયોગ કરીને આ પુનઃપરીક્ષાનું આયોજન કરશે, જેથી વિદ્યાર્થીઓ પર આર્થિક બોજ ન પડે. જોકે, પરીક્ષા રદ થવાથી જે માનસિક તણાવ વિદ્યાર્થીઓએ વેઠવો પડી રહ્યો છે, તેની ભરપાઈ કરવી મુશ્કેલ છે.હવે સૌની નજર નવી પરીક્ષાની તારીખો પર છે. NTA એ વચન આપ્યું છે કે ટૂંક સમયમાં જ સત્તાવાર વેબસાઇટ પર નવું શેડ્યૂલ અને એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર વહેતી થતી અફવાઓથી બચવા માટે એજન્સીએ વિદ્યાર્થીઓને માત્ર અધિકળત સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવા અપીલ કરી છે. પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને વિશ્વાસ પુનઃસ્થાપિત કરવો એ અત્યારે સરકાર અને NTA માટે સૌથી મોટો પડકાર છે.
(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
