તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 16th May 2026
NEET પેપર લીક કાંડ: દેશભરમાં ખળભળાટ મચાવનાર 'માસ્ટરમાઇન્ડ' મનીષાની ધરપકડ
NTA ના જ વિશ્વાસુ નિષ્ણાતોએ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કરી ક્રૂર મજાક: બાયોલોજી અને કેમેસ્ટ્રીના પ્રશ્નો લાખોમાં વેચાયા હોવાનો સીબીઆઈનો સનસનીખેજ ખુલાસો

પુણે: NEET-UG 2026 પરીક્ષાના પેપર લીક મામલે કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) એ એક મોટી સફળતા હાંસલ કરી છે. પુણેની મોર્ડન કોલેજમાં બોટનીના સિનિયર લેક્ચરર તરીકે ફરજ બજાવતા મનીષા ગુરુનાથ મંડરેની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. ચોંકાવનારી વાત એ છે કે, મનીષા પોતે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા પેપર સેટિંગ પ્રક્રિયામાં વિષય નિષ્ણાત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ જ હોદ્દાનો દુરુપયોગ કરીને તેમણે પરીક્ષા પહેલા જ બાયોલોજી (વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર) ના પ્રશ્નો મેળવી લીધા હતા અને તેને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડ્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે મનીષા છેલ્લા પાંચ વર્ષથી NTA ની પ્રશ્નપત્ર તૈયાર કરવાની ગુપ્ત પ્રક્રિયા સાથે જોડાયેલા હતા, જેનો તેમણે અંગત સ્વાર્થ માટે ભયાનક ગેરલાભ ઉઠાવ્યો છે.
સીબીઆઈના રિપોર્ટ મુજબ, એપ્રિલ 2026 માં મનીષા મંડરેએ પુણેમાં પોતાના નિવાસસ્થાને કેટલાક પસંદગીના ઉમેદવારો માટે 'ખાસ કોચિંગ ક્લાસ' આયોજિત કર્યા હતા. આ ક્લાસમાં તેમણે વિદ્યાર્થીઓને સીધેસીધા એ જ પ્રશ્નો નોટબુકમાં લખાવ્યા હતા જે 3 મે ના રોજ લેવાયેલી વાસ્તવિક NEET પરીક્ષામાં પુછાયા હતા. આ કૌભાંડમાં તેમની મદદ પુણેની જ મનીષા વાઘમારેએ કરી હતી, જેની 14 મેના રોજ ધરપકડ થઈ ચૂકી છે. આ નિષ્ણાત શિક્ષકોએ લાખો રૂપિયાના બદલામાં પ્રશ્નોના જવાબો ટીક કરાવીને મેડિકલ પ્રવેશ પરીક્ષાની પવિત્રતા જોખમમાં મૂકી દીધી હતી. હાલમાં સીબીઆઈએ દરોડા દરમિયાન લૅપટૉપ, બેંક સ્ટેટમેન્ટ અને ડિજિટલ પુરાવા જપ્ત કર્યા છે, જે નેટવર્કના મૂળ સુધી પહોંચવામાં મદદ કરશે.
આ કેસમાં માત્ર બાયોલોજી જ નહીં, પરંતુ કેમેસ્ટ્રીનું પેપર પણ લીક થયું હોવાનું સામે આવ્યું છે. લાતુરના જાણીતા પ્રોફેસર પી.વી. કુલકર્ણીની પણ ધરપકડ કરવામાં આવી છે, જેઓ NTA સાથે કેમેસ્ટ્રી નિષ્ણાત તરીકે કરાર પર હતા. આ બંને હાઈ-પ્રોફાઈલ ધરપકડો બાદ અત્યાર સુધીમાં કુલ નવ લોકો જેલના સળિયા પાછળ ધકેલાયા છે. શિક્ષણ મંત્રાલયે આ ગંભીરતાને ધ્યાનમાં રાખીને 2026 ની NEET-UG પરીક્ષા રદ કરી દીધી છે, જેના કારણે લાખો વિદ્યાર્થીઓના ભાવિ પર અનિશ્ચિતતાના વાદળો છવાયા છે.
(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
