News of Friday, 15th May 2026
NEET-UG 2026 પેપર લીક મામલે તપાસ એજન્સીઓની કાર્યવાહી તેજ : પુણે અને અહલ્યાનગરમાંથી નવી ધરપકડો
CBI દ્વારા હવે ડિલીટ કરાયેલા ચેટ્સ રિકવર કરવા માટે ફોરેન્સિક મદદ લેવાઈ :આ કેસમાં કુલ ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા વધીને સાત થઈ

નવી દિલ્હી :NEET-UG 2026 પેપર લીક મામલે તપાસ એજન્સીઓએ પોતાની કાર્યવાહી વધુ કડક બનાવી દીધી છે. પુણે અને અહલ્યાનગરમાંથી નવી ધરપકડો બાદ આ કેસમાં કનેક્શન વધુ ઊંડા હોવાના પુરાવા મળી રહ્યા છે. CBI દ્વારા હવે ડિલીટ કરાયેલા ચેટ્સ રિકવર કરવા માટે ફોરેન્સિક મદદ લેવામાં આવી રહી છે, જે આ કૌભાંડના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
NEET પેપર લીક કેસની તપાસ કરી રહેલી પુણે પોલીસે વધુ એક મોટી સફળતા મેળવતા માંજરી વિસ્તારમાંથી શેષરાવ સોલંકે નામના યુવકને કસ્ટડીમાં લીધો છે. મળતી માહિતી મુજબ, પકડાયેલો આરોપી રાયસોની કોલેજમાં એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે અને તેના પર લીક થયેલા પેપરના ડિસ્ટ્રિબ્યુશન (વહેંચણી)નો ગંભીર આરોપ છે. આ સિવાય અહલ્યાનગરમાંથી પણ એક અન્ય યુવકની ધરપકડ કરવામાં આવી છે, જેનાથી આ કેસમાં કુલ ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા વધીને સાત થઈ ગઈ છે. પોલીસ હાલમાં આ એન્જિનિયરિંગ વિદ્યાર્થીની પૂછપરછ કરી રહી છે જેથી પેપર લીકના આખા નેટવર્કનો પર્દાફાશ થઈ શકે.
આ અગાઉ પુણેમાંથી મનીષા વાઘમરેની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે મનીષા અને ધનંજય લોખંડે વચ્ચે છેલ્લા ઘણા સમયથી મોટી રકમના નાણાકીય વ્યવહારો ચાલી રહ્યા હતા. તપાસ એજન્સીઓને આશંકા છે કે પેપર લીકનો મામલો બહાર આવ્યા બાદ બંનેએ પકડાઈ જવાના ડરથી પોતાના મોબાઈલમાંથી ઘણી મહત્વની ચેટ્સ ડિલીટ કરી નાખી હતી. CBIએ હવે બંનેના મોબાઈલ ફોન જપ્ત કરીને ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યા છે જેથી ડિલીટ થયેલો ડેટા પાછો મેળવી શકાય.
CBIએ NEET-UG 2026 પેપર લીક કેસમાં ધરપકડ કરાયેલા પાંચ લોકો માટે દિલ્હી કોર્ટ પાસેથી સાત દિવસની પોલીસ કસ્ટડી માંગી છે. તેમનો દાવો છે કે પ્રશ્નપત્રો ઓનલાઈન ફરતા કરીને પરીક્ષામાં ગોટાળો કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને સાત દિવસ માટે CBI કસ્ટડીમાં મોકલ્યો છે.
(12:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
