<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th July 2026

NEET UG ૨૦૨૬ના રી-એક્ઝામનું પરિણામ જાહેર : એનટીએ દ્વારા સત્તાવાર વેબસાઇટ પર સ્કોરકાર્ડ લિંક એક્ટિવ કરાઈ

ફિઝિક્સના વિવાદિત પ્રશ્નો અંગે મોટો નિર્ણય : એક પ્રશ્ન રદ્દ કરાયો અને એક પ્રશ્નના બે સાચા જવાબ અપાતા પરીક્ષા આપનાર તમામ ઉમેદવારોને મળશે કુલ ૮ બોનસ ગુણ

નવી દિલ્હી:નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા ગુરુવારે રાત્રે NEET UG ૨૦૨૬ ની પુનઃપરીક્ષાનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ અગાઉ એજન્સી દ્વારા પરીક્ષાની ફાઇનલ આન્સર-કી પણ સત્તાવાર પોર્ટલ પર અપલોડ કરવામાં આવી હતી. મે મહિનામાં લેવાયેલી પ્રથમ પરીક્ષા પેપર લીકના આક્ષેપોને કારણે રદ્દ થયા બાદ, ૨૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ માટે ગત ૨૧ જૂન ૨૦૨૬ ના રોજ બપોરે ૨:૦૦ થી સાંજના ૫:૧૫ વાગ્યા દરમિયાન સિંગલ શિફ્ટમાં આ રી-એક્ઝામ યોજવામાં આવી હતી. જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, તેઓ સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જઈને પોતાનું સ્કોરકાર્ડ ચેક અને ડાઉનલોડ કરી શકે છે.

 

પરિણામ અને સ્કોરકાર્ડ ચેક કરવાની રીત:

ઉમેદવારો પોતાનું પરિણામ જોવા માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in ની મુલાકાત લેવાની રહેશે. હોમ પેજ પર ઉપલબ્ધ 'Latest News' બ્લુ બેન્ડ હેઠળ આપેલ 'NEET UG 2026 Result' લિંક પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ખૂલેલા નવા પેજ પર પોતાની લોગિન વિગતો દાખલ કરી સબમિટ કરવાથી સ્કોરકાર્ડ સ્ક્રીન પર જોઈ શકાશે. આ ઉપરાંત, ઉમેદવારોના અસલ ઓએમઆર (OMR) આન્સર શીટ અને સ્કોરકાર્ડની સ્કેન કરેલી નકલ કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય દ્વારા સંચાલિત ડિજીલોકર (DigiLocker) માં સુરક્ષિત રાખવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓ તેને સરળતાથી મેળવી શકે.

 

ફિઝિક્સના પ્રશ્નોમાં ફેરફાર અને ૮ બોનસ ગુણની જાહેરાત:

આ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર-કી ૧૩ જુલાઈ ૨૦૨૬ ના રોજ જાહેર કરી વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી, જેની મુદત ૧૫ જુલાઈના રોજ પૂર્ણ થઈ હતી. ત્યારબાદ જાહેર કરાયેલી આખરી આન્સર-કીમાં ફિઝિક્સ વિભાગના બે પ્રશ્નોમાં મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં વર્નિયર કેલિપર્સની મદદથી વાયરની લંબાઈ શોધવાનો એક વિવાદાસ્પદ પ્રશ્ન સંપૂર્ણપણે રદ્દ (ડ્રોપ) કરી દેવામાં આવ્યો છે. જ્યારે ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્ઝ (વિદ્યુતચુંબકીય તરંગો) ને લગતા બીજા એક પ્રશ્નમાં અગાઉ દર્શાવેલા એક સાચા જવાબના સ્થાને બે વિકલ્પોને સાચા માન્ય રાખવામાં આવ્યા છે. એનટીએના આ નિર્ણયના પગલે, પરીક્ષામાં ઉપસ્થિત રહેલા તમામ ઉમેદવારોને રદ્દ થયેલા પ્રશ્નના ૪ ગુણ અને મલ્ટિપલ આન્સરવાળા પ્રશ્નના ૪ ગુણ મળીને કુલ ૮ બોનસ ગુણ મેળવવાનો લાભ મળશે.

(10:41 PM IST)