તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 17th November 2026
NEET-UG પરીક્ષા વર્ષમાં એકથી વધુ વખત યોજવા અને ધોરણ ૧૨ના ગુણને વેઇટેજ આપવા રાજ્યોનું સૂચન : પરીક્ષા સુધારણા અંગે નંદન નીલેકણી સમિતિ સમક્ષ મહત્વની દરખાસ્તો
વિદ્યાર્થીઓ પર એક જ પરીક્ષાનું ભારણ ઘટાડવા માટે દેશભરમાંથી ૫૦,૦૦૦થી વધુ સૂચનો મળ્યા : પ્રશ્નપત્ર લીક અટકાવવા ડિજિટલ ડિલિવરી અને સિક્યોર ક્વેશ્ચન વોલ્ટ પર વિચારણા : કેન્દ્ર સરકારે ટાસ્ક ફોર્સનો કાર્યકાળ જાન્યુઆરી ૨૦૨૭ સુધી લંબાવ્યો

નવી દિલ્હી: દેશની રાષ્ટ્રીય કક્ષાની પ્રવેશ પરીક્ષાઓમાં સુધારા કરવા માટે રચાયેલી ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય સમિતિ સમક્ષ વિવિધ રાજ્યો દ્વારા અત્યંત મહત્વપૂર્ણ સૂચનો રજૂ કરવામાં આવ્યા છે. સમાચાર સંસ્થા પીટીઆઈના અહેવાલ મુજબ, કેટલાક રાજ્યોએ મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ-યુજી વર્ષમાં એકથી વધુ વખત યોજવાની અને પ્રવેશ પ્રક્રિયામાં ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષાના ગુણને પણ ચોક્કસ વેઇટેજ આપવાની ભલામણ કરી છે. આ દરખાસ્તોનો મુખ્ય ઉદ્દેશ્ય એક જ પરીક્ષા પર વિદ્યાર્થીઓની નિર્ભરતા અને માનસિક તણાવ ઘટાડવાનો છે.
પચાસ હજારથી વધુ સૂચનો અને રાજ્યો સાથે પરામર્શ:
છ સભ્યોની આ ઉચ્ચ સ્તરીય ટાસ્ક ફોર્સને અત્યાર સુધીમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો, શૈક્ષણિક સંસ્થાઓ અને નિષ્ણાતો સહિતના વિવિધ હિતધારકો તરફથી ૫૦,૦૦૦થી વધુ સૂચનો પ્રાપ્ત થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક રાજ્યોએ પ્રસ્તાવ મૂક્યો છે કે એક જ હાઈ-સ્ટેક્સ પરીક્ષાનું દબાણ ઓછું કરવા માટે નીટ-યુજી વર્ષમાં એક કરતાં વધુ વાર લેવી જોઈએ, તેમજ ધોરણ ૧૨ના પરિણામને પણ મહત્વ મળવું જોઈએ. જોકે, આ સમિતિએ હજુ તમામ રાજ્યોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરીને તેમના અભિપ્રાયો મેળવવાના બાકી છે.
પરીક્ષાની સુરક્ષા અને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ:
પરીક્ષા પદ્ધતિને વધુ પારદર્શક બનાવવા અને પ્રશ્નપત્ર લીક થવાની ઘટનાઓને રોકવા માટે સમિતિ ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ પર વિચારણા કરી રહી છે. જે મુખ્ય દરખાસ્તો પર મંથન ચાલી રહ્યું છે તેમાં એક સુરક્ષિત ક્વેશ્ચન વોલ્ટ તૈયાર કરવો, આખું વર્ષ તૈયાર કરીને ચકાસાયેલા પ્રશ્નોનો વિશાળ ભંડાર ઊભો કરવો અને પરીક્ષા શરૂ થવાના થોડા સમય પહેલા જ પરીક્ષા કેન્દ્રો પર પ્રશ્નપત્રોની ડિજિટલ ડિલિવરી કરવાનો સમાવેશ થાય છે.
સમિતિનો કાર્યકાળ જાન્યુઆરી ૨૦૨૭ સુધી લંબાવાયો:
વિવિધ હિતધારકો સાથે પરામર્શની પ્રક્રિયા હજુ ચાલુ હોવાથી કેન્દ્ર સરકારે આ ટાસ્ક ફોર્સનો કાર્યકાળ જાન્યુઆરી ૨૦૨૭ સુધી લંબાવી દીધો છે. અગાઉ આ સમિતિ ઓક્ટોબર ૨૦૨૬ સુધીમાં પોતાનો અહેવાલ સુપરત કરે તેવી અપેક્ષા હતી. ઉલ્લેખનીય છે કે નીટ-યુજી પેપર લીક સહિતની પરીક્ષાની ગેરરીતિઓ સામે થયેલા વ્યાપક વિરોધ પ્રદર્શનો બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું હતું અને તેના બીજા જ દિવસે ૨૬ જુલાઈ, ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આ સમિતિની જાહેરાત કરી હતી.
સમિતિના સભ્યોની યાદી
નંદન નીલેકણીના વડપણ હેઠળની આ સમિતિમાં ઇસરોના પૂર્વ અધ્યક્ષ એસ. સોમનાથ, ઇન્ટેલિજન્સ બ્યુરોના પૂર્વ ડાયરેક્ટર તપન ડેકા, આઈઆઈટી મદ્રાસના ડાયરેક્ટર વી. કામકોટી, પૂર્વ શિક્ષણ સચિવ શ્રીમતી અનિતા કરવાલ અને લોજિસ્ટિક્સ નિષ્ણાત અમૃત લાલ મીણાનો સભ્યો તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
(9:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
