<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

NEET-UG રી-એક્ઝામ: હિજાબ-પાઘડી પર પ્રતિબંધ નથી, પરંતુ સુરક્ષા કડક : NTA દ્વારા ગાઇડલાઇન જાહેર

૨૧ જૂને દેશ-વિદેશના ૫૫૧ શહેરોમાં યોજાશે મેગા પરીક્ષા: ધાર્મિક પ્રતીકો પહેરનારા ઉમેદવારોએ વહેલા પહોંચવું પડશે : આધાર કાર્ડ દ્વારા થશે ઓનલાઈન ફોટો વેરિફિકેશન અને સેન્ટરો પર તૈનાત કરાયા હજારો સુપરવાઇઝર

નવી દિલ્હી: રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) દ્વારા આગામી ૨૧ જૂન, રવિવારના રોજ યોજાનારી NEET-UG ની ફરીથી પરીક્ષા માટે ડ્રેસ કોડ અને લોખંડી સુરક્ષા વ્યવસ્થા અંગેની આખરી માર્ગદર્શિકા સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે પાઘડી, હિજાબ, સિંદૂર અને મંગળસૂત્ર જેવા પરંપરાગત કે ધાર્મિક પ્રતીકો ધારણ કરવા પર કોઈ પ્રતિબંધ લાદવામાં આવ્યો નથી. જો કે, કડક સુરક્ષા તપાસ અને વેરિફિકેશનની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને આવા ઉમેદવારોએ નિર્ધારિત સમય કરતાં ઘણા વહેલા પરીક્ષા કેન્દ્ર પર રિપોર્ટિંગ કરવાનું રહેશે, જેથી કોઈ પણ પ્રકારની અફરાતફરીથી બચી શકાય.

આ મેગા પરીક્ષાને મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન કરવા માટે એજન્સીએ દેશભરમાં ૬૭૪ સિટી કોઓર્ડિનેટર્સ અને ૬,૬૬૯થી વધુ સ્વતંત્ર સુપરવાઇઝર્સ તૈનાત કર્યા છે. પરીક્ષા કેન્દ્રો પર એન્ટ્રી માટે બે તબક્કાની સખત ચેકિંગ પ્રક્રિયા અમલમાં મૂકાશે, જેમાં ઉમેદવારોના એડમિટ કાર્ડની સાથે સરકારી ફોટો આઈડી કાર્ડની ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત, પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે આધાર ડેટાબેઝ દ્વારા ઉમેદવારોના ફોટોનું ઓનલાઈન ડિજિટલ વેરિફિકેશન પણ ફરજિયાત કરવામાં આવ્યું છે, અને તમામ વર્ગોનું NTA મુખ્યાલય તેમજ સ્થાનિક પોલીસ દ્વારા સીસીટીવી (CCTV) કેમેરા મારફતે લાઈવ મોનિટરિંગ કરવામાં આવશે.

ડ્રેસ કોડ અંગે વિદ્યાર્થીઓને હળવા રંગના અને અડધી બાંયના વસ્ત્રો (શર્ટ, ટી-શર્ટ કે કુર્તા) તેમજ સ્લીપર અથવા ઓછી હીલવાળા સેન્ડલ પહેરીને આવવાની કડક સલાહ અપાઈ છે. પૂર્ણ બાંયના કે શિયાળાના ભારે કપડાં, મોટી હીલ, મોટા બકલવાળા બેલ્ટ, ભારે આભૂષણો તેમજ સ્માર્ટવોચ અને બ્લૂટૂથ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર સખત પ્રતિબંધ રહેશે. દેશ અને વિદેશના મળીને કુલ ૫૫૧ શહેરોમાં ૨૨.૭૯ લાખથી વધુ ઉમેદવારો બપોરે ૨:૦૦ થી સાંજે ૫:૧૫ વાગ્યા દરમિયાન આ પેન-એન્ડ-પેપર મોડની પરીક્ષામાં ભાગ લેશે, જ્યારે દિવ્યાંગ ઉમેદવારોને સાંજે ૬:૨૦ વાગ્યા સુધીનો વધારાનો સમય ફાળવવામાં આવશે.

(10:26 PM IST)