તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st July 2026
નેપાળનો મોટો આંતરરાષ્ટ્રીય ધડાકો: નવો સિક્કો બહાર પાડતા જ ભારત સાથેનો નકશા વિવાદ ઉકેલાયો, કાઠમંડુએ દ્વિપક્ષીય સંબંધો સુધારવાનો સંકેત આપ્યો!
એક રૂપિયાના સિક્કા પરથી વિવાદાસ્પદ નકશો હટાવી પ્રાચીન 'લો ઘ્યાકર મઠ' મૂકાયો: વડાપ્રધાન બાલેન શાહ સરકારનો કૂટનીતિક અને વ્યવહારુ માર્ગ

નવી દિલ્હી : ભારત અને નેપાળ વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા સરહદી વિવાદ વચ્ચે કાઠમંડુ તરફથી એક અત્યંત મહત્વપૂર્ણ અને સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. નેપાળ સરકારે તેના સૌથી વધુ ઉપયોગમાં લેવાતા એક રૂપિયાના સિક્કાની નવી ડિઝાઈનને મંજૂરી આપી છે, જેમાં ભારત સાથે વિવાદનું કારણ બનેલા સંવેદનશીલ નકશાને દૂર કરી દેવામાં આવ્યો છે.
રાજદ્વારી વિશ્લેષકોના મતે, આ પગલું માત્ર ટેકનિકલ બદલાવ નથી પરંતુ નવી દિલ્હી સાથેના સંબંધોને ફરીથી નવી ઊંચાઈ પર લઈ જવાનો અને કડવાશ દૂર કરવાનો કાઠમંડુનો એક મોટો કૂટનીતિક સંકેત છે.
નવા સિક્કામાં શું બદલાયું?
નેપાળની મંત્રી પરિષદ અને નેપાળ રાષ્ટ્ર બેંક (NRB) દ્વારા સ્વીકારાયેલી નવી ડિઝાઇન મુજબ, હવે એક રૂપિયાના સિક્કા પર લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાણીવાળો વિવાદાસ્પદ નકશો નહીં હોય. તેના સ્થાને મુસ્તાંગ જિલ્લામાં આવેલા આઠમી સદીના ઐતિહાસિક અને સાંસ્કૃતિક બૌદ્ધ સ્થળ 'લો ઘ્યાકર મઠ' (ઘર ગુમ્બા) ની છબી અંકિત કરવામાં આવશે.
મધ્યસ્થ બેંકના જણાવ્યા અનુસાર, નવા સિક્કાઓ સ્ટીલ ધાતુમાંથી બનાવવામાં આવશે જેનું વજન પણ ઘટાડીને ૩.૨ ગ્રામ કરવામાં આવ્યું છે.
બંને દેશો વચ્ચે આર્થિક અને ઉર્જા સંબંધો થશે મજબૂત
નેપાળના વિદેશ નીતિ નિષ્ણાતોનું માનવું છે કે વડાપ્રધાન બાલેન શાહના નેતૃત્વ હેઠળની નવી સરકારે પ્રતીકાત્મક સંઘર્ષોથી દૂર રહીને ભારત સાથે વેપાર, ઉર્જા અને કનેક્ટિવિટી વધારવા પર લક્ષ્ય કેન્દ્રિત કર્યું છે.
ભારત અને નેપાળ વચ્ચેનો વાર્ષિક વેપાર $૯.૩૮ અબજ ડોલર સુધી પહોંચ્યો છે. આ ઉપરાંત, નેપાળથી ભારતમાં વીજળી નિકાસની મંજૂરી ૧,૧૦૦ મેગાવોટથી વધારીને ૧,૬૫૦ મેગાવોટ કરવામાં આવી છે. ચલણી સિક્કા પરથી વિવાદિત નકશો હટાવીને નેપાળે સ્પષ્ટ કર્યું છે કે તે ભારત સાથેના પોતાના લાંબા ગાળાના વ્યૂહાત્મક અને આર્થિક સંબંધોને નવી દિશા આપવા માંગે છે.
(6:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
