<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

ઇઝરાયલમાં નેતન્યાહૂની ખુરશી જોખમમાં: એઝેનકોટના નેતૃત્વમાં 4 દિમગ્ગજ નેતાઓ એકજૂથ

૨૬મી નેસેટની શપથવિધિ પહેલા વિપક્ષી ગઠબંધને સંસદીય હોદ્દાઓની વહેંચણી કરી રાષ્ટ્રીય કટોકટી સરકાર રચવા તરફ ભર્યું કદમ

જેરૂસલેમ : ઇઝરાયલમાં ચાલી રહેલી તીવ્ર રાજકીય મડાગાંઠ વચ્ચે બેન્જામિન નેતન્યાહૂને સત્તા પરથી હટાવવા માટે ભૂતપૂર્વ લશ્કરી વડા અને યાશર પાર્ટીના અધ્યક્ષ ગાદી એઝેનકોટે મોટો દાવ ખેલ્યો છે. ૨૬મી નેસેટ (ઇઝરાયલી સંસદ) ના શપથ ગ્રહણ પહેલાં એઝેનકોટે ચાર મુખ્ય વિપક્ષી નેતાઓ—નફતાલી બેનેટ, યાયર ગોલાન, અવિગ્ડોર લીબરમેન અને યાયર લેપિડ સાથે હાથ મિલાવીને મુખ્ય સંસદીય હોદ્દાઓની વહેંચણી અંગે મહત્વનો કરાર કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ બાબતની પુષ્ટિ કરતા એઝેનકોટે વહેલામાં વહેલી તકે રાષ્ટ્રીય કટોકટી સરકાર બનાવવાની કટિબદ્ધતા દર્શાવી છે. આ કરાર હેઠળ ભૂતપૂર્વ મંત્રી માતન કહાનાને સંસદના અધ્યક્ષ, અવિગ્ડોર લીબરમેનને વિદેશ અને સંરક્ષણ સમિતિ, રોય ફોકમેનને ગૃહ સમિતિ અને લિરાન એવિસાર બેન-હોરિનને નાણાં સમિતિના વડા બનાવવાનો પ્રસ્તાવ મૂકાયો છે.

રાજકીય ઘટનાક્રમ મુજબ, આ સમિતિઓની રચના અંગે ચાલુ અઠવાડિયે ચર્ચા બાદ આગામી બુધવારે અંતિમ યાદી સંસદમાં મંજૂરી અર્થે રજૂ કરવામાં આવશે. વિપક્ષી નેતા યાયર લેપિડે પણ આ બેઠકને સમર્થન આપી કટોકટી સરકાર રચવા પૂર્ણ સહયોગની ખાતરી આપી છે. ઉલ્લેખનીય છે કે ૨૭ ઓક્ટોબરના રોજ યોજાયેલી ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે ૮ નવેમ્બરના રોજ ગાદી એઝેનકોટને સરકાર રચવાનું પ્રથમ નિમંત્રણ આપ્યું હતું. ૧૨૦ બેઠકોવાળી સંસદમાં બે આરબ-નેતૃત્વવાળા પક્ષો સહિત ૬૭ સાંસદોએ એઝેનકોટના નામની ભલામણ કરી હતી, જ્યારે નેતન્યાહૂને માત્ર ૪૬ સાંસદોનું જ સમર્થન મળ્યું હતું.

જોકે, આદેશ મળવા છતાં એઝેનકોટ માટે વડા પ્રધાનપદની ખુરશી સુધી પહોંચવું આસાન નથી. ૧૨૦ સભ્યોની સંસદમાં સ્પષ્ટ બહુમતી માટે ૬૧ સાંસદોના સમર્થનની જરૂર છે, જ્યારે એઝેનકોટના ૪ પક્ષીય ગઠબંધન પાસે હાલ ૪૮ બેઠકો છે (જેમાં તેમની પોતાની યાશર પાર્ટી ૨૧ બેઠકો સાથે બીજા ક્રમે છે). બીજી તરફ, નેતન્યાહૂની લિકુડ પાર્ટી ૨૭ બેઠકો ધરાવે છે અને તેમના ધાર્મિક-રાષ્ટ્રવાદી ગઠબંધન પાસે ૫૩ બેઠકોનું બળ છે. આ સંજોગોમાં બહુમતીનો જાદુઈ આંકડો સ્પર્શવા માટે એઝેનકોટે ગઠબંધન બહારના પક્ષો અને વિશેષ કરીને નેતન્યાહૂ સરકાર સામેના અસંતોષને કારણે રેકોર્ડ બેઠકો જીતનાર આરબ-ઇઝરાયલી સાંસદોના ટેકા પર આધાર રાખવો પડશે, જેના માટે તેઓ અપરંપરાગત રાજકીય પગલાં ભરવા પણ તૈયાર છે.

ઇઝરાયલી કાયદા અનુસાર એઝેનકોટ પાસે સરકારની રચના કરવા માટે ૨૮ દિવસની મુદત છે, જેને રાષ્ટ્રપતિ ઈચ્છે તો વધુ ૧૪ દિવસ લંબાવી શકે છે. આગામી બુધવારે સંસદમાં સમિતિઓની મંજૂરી બાદ વિપક્ષી ગઠબંધન આરબ સાંસદો સાથે સત્તાવાર વાટાઘાટો શરૂ કરશે. જો એઝેનકોટ નિર્ધારિત સમયમાં ૬૧ સાંસદોનું સમર્થન મેળવવામાં સફળ રહેશે તો ઇઝરાયલમાં નેતન્યાહૂ યુગનો અંત આવશે, નહીંતર દેશ ફરી એકવાર રાજકીય અસ્થિરતા અથવા નવી ચૂંટણીઓ તરફ ધકેલાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

(11:53 PM IST)