<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

Netflix દ્વારા છ વર્ષ બાદ ફરી નવા યુઝર્સ માટે ફ્રી ટ્રાયલ ઓફર

નવું એકાઉન્ટ, ડિવાઇસ અને લોકેશન Netflixના નિયમો મુજબ યોગ્ય હશે, તો સાઇન-અપ કરતી વખતે જ તમને ફ્રી ટ્રાયલનો વિકલ્પ સ્ક્રીન પર જોવા મળશે

વિશ્વના સૌથી લોકપ્રિય OTT પ્લેટફોર્મ પૈકીનું એક Netflix લગભગ છ વર્ષ બાદ ફરી એકવાર પોતાના નવા યુઝર્સ માટે ફ્રી ટ્રાયલ ઓફર લઈને આવ્યું છે. લાંબા સમયથી જે યુઝર્સ આ ઓફરની રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે આ સારા સમાચાર છે. જોકે, આ ઓફર દરેકને મળશે જ એવું નથી. કંપનીએ તેને મર્યાદિત દેશો અને પસંદગીના નવા યુઝર્સ માટે જ ઉપલબ્ધ કરાવવાનું શરૂ કર્યું છે.

 

Netflixના હેલ્પ સેન્ટર મુજબ, ફ્રી ટ્રાયલ માત્ર એવા નવા યુઝર્સને મળશે જે કંપનીની નિર્ધારિત પાત્રતા (Eligibility) પૂર્ણ કરતા હોય. જો તમારું નવું એકાઉન્ટ, ડિવાઇસ અને લોકેશન Netflixના નિયમો મુજબ યોગ્ય હશે, તો સાઇન-અપ કરતી વખતે જ તમને ફ્રી ટ્રાયલનો વિકલ્પ સ્ક્રીન પર જોવા મળશે. જો એકાઉન્ટ બનાવતી વખતે આ વિકલ્પ દેખાતો ન હોય, તો તેનો અર્થ એ છે કે હાલમાં તમારું એકાઉન્ટ અથવા તમારું સ્થાન આ ઓફર માટે પાત્ર નથી.

 

Netflixએ હજુ સુધી ભારતમાં આ ઓફરની સત્તાવાર જાહેરાત કરી નથી. તેમ છતાં, કેટલાક મીડિયા અહેવાલો મુજબ નવા ઈ-મેઇલ આઈડીથી Netflix પર એકાઉન્ટ બનાવવાનો પ્રયાસ કરતાં “₹0માં 30 દિવસ અજમાવો” જેવી ઓફર જોવા મળી હતી. એટલે કે, ભારતમાં પણ કેટલાક નવા યુઝર્સને આ ઓફર પરીક્ષણના ધોરણે મળી રહી હોવાની શક્યતા છે.

 

આ વખતે Netflix દરેક યુઝરને એકસરખો ફ્રી ટ્રાયલ આપી રહ્યું નથી. કેટલાક લોકોને 30 દિવસ, જ્યારે કેટલાક યુઝર્સને માત્ર 15 દિવસનો ફ્રી ટ્રાયલ મળ્યાની માહિતી સામે આવી છે. ટેક નિષ્ણાતોના જણાવ્યા મુજબ કંપની હાલમાં A/B ટેસ્ટિંગ કરી રહી છે. તેમાં અલગ-અલગ યુઝર્સને અલગ ઓફર બતાવીને એ જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે કે કઈ ઓફર વધુ અસરકારક સાબિત થાય છે અને કઈ ઓફરથી વધુ લોકો પેઇડ સબ્સ્ક્રિપ્શન લે છે.

 

એક સમય એવો હતો જ્યારે Netflix નવા ગ્રાહકોને આકર્ષવા માટે 30 દિવસનું મફત ટ્રાયલ આપતું હતું. પરંતુ વર્ષ 2020 દરમિયાન કંપનીએ આ ઓફર વૈશ્વિક સ્તરે બંધ કરી દીધી હતી. હવે લગભગ છ વર્ષ બાદ ફરી આ સેવા શરૂ કરીને Netflix એ જાણવા માંગે છે કે મફતમાં પ્લેટફોર્મ અજમાવનારા યુઝર્સ પછી નિયમિત પેઇડ સબ્સ્ક્રિપ્શન લે છે કે નહીં.

 તમે Netflixનું નવું એકાઉન્ટ બનાવી રહ્યા છો, તો સાઇન-અપ પ્રક્રિયા દરમિયાન જ સ્ક્રીન પર ફ્રી ટ્રાયલ ઉપલબ્ધ છે કે નહીં તે જોઈ શકશો. જો ઓફર દેખાય, તો તમે નિર્ધારિત સમયગાળા સુધી કોઈપણ ચાર્જ વગર Netflixની ફિલ્મો, વેબ સિરીઝ અને અન્ય કન્ટેન્ટનો આનંદ માણી શકશો.

(12:04 PM IST)