તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
નવી આધાર એપનો ધમાકોઃ હવે સેન્ટરના ધક્કા બંધઃ મોબાઈલ બનશે આધાર કેન્દ્ર
માત્ર ૩ મહિનામાં ૨.૧ કરોડ ડાઉનલોડસ સાથે સરકારી એપ સુપરહિટ

નવી દિલ્હી, તા.૮: આધાર કાર્ડમાં અપડેટ કરાવવા માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવાના દિવસો હવે ભૂતકાળ બની રહ્યા છે. સરકારની નવી આધાર એપ ડિજિટલ ક્રાંતિ લાવી રહી છે, જેને ટૂંકા ગાળામાં જ કરોડો લોકોએ અપનાવી લીધી છે. આ એપની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અત્યાર સુધીમાં ૨૮ લાખથી વધુ લોકોએ મોબાઈલ નંબર અને ૬ લાખથી વધુ લોકોએ ઘરબેઠા સરનામું અપડેટ કર્યું છે. હવે સામાન્ય નાગરિકો માટે આધાર કેન્દ્રના ધક્કા ખાવાની જરૂરિયાત લગભગ સમાપ્ત થઈ ગઈ છે.
આ એપમાં સુરક્ષા માટે અત્યંત આધુનિક ફીચર્સ આપવામાં આવ્યા છે. યુઝર્સ હવે માત્ર ફેસ વેરિફિકેશન દ્વારા પોતાની ઓળખ સાબિત કરી શકે છે. આ ઉપરાંત, બાયોમેટ્રિક ડેટાનો દુરુપયોગ રોકવા માટે તેને ગમે ત્યારે લોક અથવા અનલોક કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. ડિજિટલ ઈન્ડિયાના વિઝન હેઠળ તૈયાર થયેલી આ એપમાં QR કોડ આધારિત એડિટેબલ કોન્ટેક્ટ કાર્ડ પણ મળે છે, જે ભૌતિક કાર્ડ રાખવાની જરૂરિયાત ઘટાડે છે. વળદ્ધો અને કામકાજી લોકો માટે આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે.
નવી એપ માત્ર સેવાઓ પૂરી પાડતી નથી પરંતુ પારદર્શિતા પણ વધારે છે. યુઝર્સ પોતાની ઓથેન્ટિકેશન હિસ્ટ્રી ચેક કરી શકે છે કે તેમનો આધાર ડેટા કયાં અને કયારે વપરાયો છે. ટેકનોલોજીના આ સ્માર્ટ ઉપયોગથી આધાર સેવાઓ હવે વધુ ઝડપી, સુરક્ષિત અને લોકોની આંગળીના ટેરવે પહોંચી છે. જો તમે હજુ પણ જૂની પદ્ધતિઓથી હેરાન થતા હોવ, તો આ નવી એપ તમારા માટે અનિવાર્ય સાબિત થશે.
(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
