<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

દિલ્હીના દંગલમાં વિપક્ષી એકતાનો નવો અધ્યાય: સીમાંકન અને મહિલા અનામતના મુદ્દે મોદી સરકારને ઘેરવા I.N.D.I.A બ્લોકની મોટી બેઠક

લોકસભામાં બિલ પડ્યા બાદ વિપક્ષી મોરચો આક્રમક મૂડમાં, દક્ષિણના રાજ્યો સાથે અન્યાય અને બેઠકો વધારવાના મુદ્દે સંયુક્ત રણનીતિ ઘડાશે: 4 મેના પરિણામો બાદ મમતા અને ડાબેરીઓની ભૂમિકા પર નજર

નવી દિલ્હી: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા લાવવામાં આવેલા સીમાંકન અને મહિલા અનામત બિલને લોકસભામાં બે તૃતીયાંશ બહુમતી ન મળતા વિપક્ષી છાવણીમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ગતિરોધ વચ્ચે, આગામી દિવસોમાં I.N.D.I.A બ્લોકના નેતાઓ દિલ્હીમાં એક મહત્વની બેઠક યોજવા જઈ રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિપક્ષને આશંકા છે કે સરકાર ફરીથી નવા સ્વરૂપે સીમાંકન બિલ લાવી શકે છે. આ બેઠક 4 મેના રોજ આવનારા વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ તુરંત યોજાશે, જેમાં ભવિષ્યની રણનીતિ અને સંયુક્ત આંદોલન અંગે અંતિમ મહોર મારવામાં આવશે.
વિપક્ષનો મુખ્ય તર્ક એ છે કે મહિલા અનામત હાલની 543 બેઠકો પર જ તાત્કાલિક લાગુ થવી જોઈએ, જ્યારે સરકાર તેને પ્રસ્તાવિત સીમાંકન સાથે જોડી રહી છે. વિપક્ષી નેતાઓ માને છે કે સીમાંકનના બહાને દક્ષિણના રાજ્યોની બેઠકો પર કાતર ફેરવવામાં આવશે જે ભેદભાવપૂર્ણ છે. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અગાઉ અપાયેલા સંકેતો કે બેઠકોમાં 50 ટકાનો વધારો થશે, તેને લઈને પણ વિપક્ષી ગઠબંધન આક્રમક છે. બેઠકમાં વડાપ્રધાનને સંયુક્ત પત્ર લખવા અથવા દેશવ્યાપી આંદોલન છેડવા જેવા અનેક પરિદૃશ્યો પર ગંભીર મંથન કરવામાં આવશે.
ચૂંટણી પરિણામો આ બેઠકની દિશા નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવશે. જો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનો દબદબો જળવાઈ રહેશે તો તૃણમૂલ કોંગ્રેસ ગઠબંધનમાં વધુ સક્રિય અને નેતૃત્વની ભૂમિકા માંગી શકે છે. બીજી તરફ, ભાજપ પણ વિપક્ષી એકતાને તોડવા અને રાજ્યોની વિધાનસભાઓમાં ઠરાવો પસાર કરાવીને વળતો પ્રહાર કરી રહ્યું છે. લોકસભામાં એનડીએને 298 અને વિપક્ષને 230 મત મળ્યા બાદ સર્જાયેલી આ રાજકીય ખેંચતાણ હવે આગામી સામાન્ય ચૂંટણીઓ પહેલા દેશના રાજકારણમાં નવો વળાંક લાવી શકે છે.

(10:59 AM IST)