<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th July 2026

AI ની દુનિયામાં નવો ભૂકંપ: અમેરિકાની Nvidia અને ચીનની જ જાયન્ટ કંપની Huawei પર નિર્ભરતા ઘટાડવા DeepSeek હવે જાતે જ બનાવશે ઇન-હાઉસ AI ચિપ

વૈશ્વિક બજારમાં $૫૯ બિલિયનના માર્કેટ વેલ્યુએશન તરફ આગળ વધી રહેલું ચીની સ્ટાર્ટઅપ હવે હાર્ડવેર ક્ષેત્રે 'આત્મનિર્ભર' બનવા રજશે નવો ઈતિહાસ

બેઇજિંગ : વર્ષ ૨૦૨૫ ની શરૂઆતમાં પોતાના અત્યંત સસ્તા અને પાવરફુલ 'R1 રિઝનિંગ ચેટબોટ' થી અમેરિકન ટેક માર્કેટ અને વૈશ્વિક શેરબજારમાં ખળભળાટ મચાવનાર ચીની AI કંપની ડીપસીક (DeepSeek) હવે વધુ એક મોટો ધમાકો કરવા જઈ રહી છે. અત્યાર સુધી પોતાના અત્યાધુનિક AI મોડેલોને ટ્રેન કરવા માટે અમેરિકાની દિગ્ગજ કંપની એનવીડિયા (Nvidia) ના પ્રોસેસર્સ પર નિર્ભર રહેનાર ડીપસીક હવે પોતાની ઇન-હાઉસ AI ચિપ વિકસાવી રહ્યું છે. આ માસ્ટરસ્ટ્રોક સફળ જશે તો તે સેમિકન્ડક્ટર ઉદ્યોગ અને વૈશ્વિક AI વોરમાં એક બહુ મોટો વળાંક સાબિત થશે.

શેના માટે ખાસ ડિઝાઇન થઈ રહી છે આ ચિપ?

અહેવાલો અનુસાર, ડીપસીક જે નવી ચિપ પર કામ કરી રહ્યું છે તે ખાસ કરીને 'ઇન્ફરન્સ' (Inference) એટલે કે અનુમાન પ્રક્રિયા માટે ડિઝાઇન કરવામાં આવી રહી છે. AI કમ્પ્યુટિંગમાં ઇન્ફરન્સ એ એવો તબક્કો છે જ્યાં પ્રશિક્ષિત AI મોડેલ યુઝર્સના સવાલોના જવાબો રીઅલ-ટાઇમમાં જનરેટ કરે છે. જેમ જેમ દુનિયાભરમાં AI નો ઉપયોગ વધી રહ્યો છે, તેમ તેમ કમ્પ્યુટિંગ પાવરની માંગ મોટા મોડેલ્સને ટ્રેન કરવાને બદલે તેને રોજિંદા ઉપયોગમાં ચલાવવા (Inference) તરફ શિફ્ટ થઈ રહી છે. આ પ્રક્રિયા માટે અત્યંત કાર્યક્ષમ અને ઓછી વીજળી વાપરતા પ્રોસેસરોની જરૂર પડે છે, જે ડીપસીક પોતે તૈયાર કરશે.

અમેરિકાના પ્રતિબંધો અને હુઆવેઇ (Huawei) ને મોટો ફટકો

ડીપસીકનું આ પગલું ચીનની જ બીજી દિગ્ગજ ટેક કંપની હુઆવેઇ માટે મોટો પડકાર ઉભો કરી શકે છે. વાસ્તવમાં, યુએસ નિકાસ નિયંત્રણોને કારણે ચીની કંપનીઓ અમેરિકાની સૌથી અદ્યતન એડવાન્સ ચિપ્સ સીધી ખરીદી શકતી નથી. આથી બેઇજિંગ સરકારે સ્થાનિક વિકલ્પો વિકસાવવા દબાણ કર્યું હતું, જેના કારણે ડીપસીકે એપ્રિલમાં પોતાના 'V4 મોડેલ' ને હુઆવેઇની 'Ascend 950' ચિપ્સ માટે ઓપ્ટિમાઇઝ કર્યું હતું. આનાથી હુઆવેઇની માર્કેટમાં ભારે માંગ નીકળી હતી. પરંતુ હવે ડીપસીક પોતે જ ચિપ ઉત્પાદનમાં ઉતરી રહ્યું હોવાથી હુઆવેઇના એકહથ્થુ શાસનને પણ ટક્કર મળશે. ઓપનએઆઈ (OpenAI) ના 'જલાપેનો' (Jalapeno) અને એન્થ્રોપિક (Anthropic) ની જેમ હવે ડીપસીક પણ પોતાના હાર્ડવેર પર સંપૂર્ણ કંટ્રોલ મેળવશે.

અબજો ડોલરના ફંડિંગ અને પડકારોની સુનામી

પોતાની આક્રમક વ્યૂહરચનાના ભાગરૂપે, અત્યાર સુધી બહારના રોકાણકારોથી દૂર રહેનાર ડીપસીક પ્રથમ વખત ગ્લોબલ માર્કેટમાંથી $૭ બિલિયન (આશરે ₹૫૮,૦૦૦ કરોડથી વધુ) નું ભંડોળ એકત્ર કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ફંડિંગ રાઉન્ડ બાદ કંપનીનું મૂલ્ય $૫૨ બિલિયનથી $૫૯ બિલિયનની વચ્ચે પહોંચી શકે છે. જોકે, આ સફર બિલકુલ આસાન નથી. અદ્યતન AI ચિપ બનાવવા માટે વર્ષોના રિસર્ચ અને અબજો ડોલરના રોકાણની સાથે હાઇ-બેન્ડવિડ્થ મેમરી (HBM) ની જરૂર પડે છે, જેના પર અમેરિકાએ કડક પ્રતિબંધો લાદેલા છે. આ તમામ ભૌગોલિક રાજકીય (Geopolitical) અવરોધો વચ્ચે ડીપસીક સુપરચિપ બનાવી શકશે કે નહીં, તેના પર આખી દુનિયાની નજર મંડાયેલી છે.

 

(9:00 PM IST)