તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 30th April 2026
કાશ્મીરમાં કનેક્ટિવિટીનો નવો યુગ: શ્રીનગર-જમ્મુ તવી વંદે ભારત ટ્રેન શરૂ, મુસાફરો માટે ખુશખબર : જમ્મુ-કાશ્મીરની બંને રાજધાનીઓ સીધી રેલ માર્ગે જોડાઈ ગઈ
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે 30 એપ્રિલે જમ્મુ તવી સ્ટેશનથી 20 કોચવાળી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી; 2 મેથી નિયમિત સેવા શરૂ થશે, જમ્મુ-શ્રીનગર વચ્ચે મુસાફરીનો સમય 8 કલાકથી ઘટીને માત્ર 4 કલાક 50 મિનિટ થશે

જમ્મુ તા.30 : જમ્મુ અને કાશ્મીરમાં રેલ કનેક્ટિવિટીના ઇતિહાસમાં આજે નવો અધ્યાય ઉમેરાયો છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરુવારે જમ્મુ તવી રેલવે સ્ટેશનથી શ્રીનગર સુધીની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. અત્યાર સુધી શ્રીનગર અને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા વચ્ચે દોડતી આ ટ્રેન હવે જમ્મુ તવી સુધી લંબાવવામાં આવી છે, જેનાથી જમ્મુ-કાશ્મીરની બંને રાજધાનીઓ સીધી રેલ માર્ગે જોડાઈ ગઈ છે. મુસાફરો માટે નિયમિત સેવાઓ 2 મેથી શરૂ થશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 6 જૂન 2025ના રોજ 8 કોચવાળી શ્રીનગર-કટરા વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું હતું. મુસાફરોની ભારે માંગને જોતા હવે આ ટ્રેનને જમ્મુ તવી સુધી લંબાવીને કોચની સંખ્યા 8થી વધારીને 20 કરવામાં આવી છે. આ ટ્રેન જમ્મુ તવી, શ્રી માતા વૈષ્ણોદેવી કટરા, રિયાસી, બનિહાલ થઈને શ્રીનગરના નૌગામ સ્ટેશન સુધી 266 કિલોમીટરનું અંતર કાપશે. રોડ માર્ગે જમ્મુથી શ્રીનગર પહોંચતા સામાન્ય રીતે 8 કલાક લાગે છે, જે હવે ટ્રેન માર્ગે માત્ર 4 કલાક 50 મિનિટમાં પૂર્ણ થશે.
આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ દોડશે. ટ્રેન નંબર 26401 સવારે 6:20 વાગ્યે જમ્મુ તવીથી ઉપડીને 11:10 વાગ્યે શ્રીનગર પહોંચશે. પરતમાં ટ્રેન નંબર 26402 બપોરે 2:00 વાગ્યે શ્રીનગરથી ઉપડીને સાંજે 6:50 વાગ્યે જમ્મુ તવી પહોંચશે. બીજી જોડી ટ્રેન નંબર 26404 સવારે 8:00 વાગ્યે શ્રીનગરથી અને ટ્રેન નંબર 26403 બપોરે 1:20 વાગ્યે જમ્મુ તવીથી ઉપડશે. આમ મુસાફરોને બંને છેડેથી સવાર અને બપોરનો વિકલ્પ મળશે. મંગળવારે જમ્મુથી અને બુધવારે શ્રીનગરથી ટ્રેન નહીં દોડે.
આ વંદે ભારત ટ્રેન ખાસ કરીને કાશ્મીરની કઠોર આબોહવા માટે તૈયાર કરવામાં આવી છે. તે માઈનસ 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પણ ચાલી શકે તેવી એન્ટી-ફ્રીઝિંગ ટેકનોલોજીથી સજ્જ છે. કોચમાં સિલિકોન હીટિંગ પેડ, ઓવરહેડ વોટર ટાંકીઓમાં હીટર અને એડવાન્સ્ડ બ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે. ટ્રેનમાં કવચ સેફ્ટી સિસ્ટમ, GPS આધારિત પેસેન્જર ઇન્ફર્મેશન, ઓટોમેટિક દરવાજા, બાયો-વેક્યુમ ટોઇલેટ અને રોટેટેબલ સીટો જેવી સુવિધાઓ છે.
આ રેલ લિંક ચેનાબ રેલ બ્રિજ, વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે કમાન પુલ, અને અંજી ખાડ કેબલ બ્રિજ જેવા એન્જિનિયરિંગ અજાયબીઓમાંથી પસાર થાય છે. ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક પ્રોજેક્ટ પૂર્ણ થવાથી હવે કાશ્મીર ખીણ દેશના બાકીના ભાગો સાથે તમામ ઋતુમાં જોડાઈ ગઈ છે. જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે ભૂસ્ખલન અને હિમવર્ષાને કારણે વારંવાર બંધ રહે છે, ત્યારે આ ટ્રેન વિશ્વસનીય વિકલ્પ પૂરો પાડશે.
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ સેવાને પ્રવાસન અને વેપાર માટે 'ગેમ ચેન્જર' ગણાવી છે. તેમણે કહ્યું કે આનાથી વૈષ્ણોદેવીના યાત્રિકો, પ્રવાસીઓ અને સ્થાનિક વેપારીઓને મોટો ફાયદો થશે. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ આગામી સમયમાં નવી દિલ્હીથી શ્રીનગર સુધી સીધી ટ્રેન શરૂ કરવાનો માર્ગ પણ મોકળો થયો છે. 28,000 કરોડના ખર્ચે બનેલી આ રેલ લિંક 70 વર્ષના સપનાને સાકાર કરે છે.
(4:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
