તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
ભારત અને વિયેતનામ વચ્ચે નવી દોસ્તીના શ્રીગણેશ: ૨૦૩૦ સુધીમાં ૨૫ બિલિયન ડોલરના વેપારનો લક્ષ્યાંક, હવે વિયેતનામમાં મળશે ભારતની દવાઓ અને ફળો!
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટો લામ વચ્ચે હૈદરાબાદ હાઉસમાં ઐતિહાસિક મુલાકાત: કૃષિથી લઈ સંરક્ષણ સુધીના અનેક મહત્વના કરારો પર હસ્તાક્ષર

નવી દિલ્હી: તા.૦૬ ભારત અને વિયેતનામ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો હવે નવી ઊંચાઈ પર પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિયેતનામના રાષ્ટ્રપતિ ટો લામ વચ્ચે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં બંને દેશોએ દ્વિપક્ષીય વેપારને વર્ષ ૨૦૩૦ સુધીમાં ૨૫ બિલિયન ડોલર (આશરે ૨ લાખ કરોડ રૂપિયાથી વધુ) સુધી લઈ જવાનો રોડમેપ તૈયાર કર્યો છે. આ બેઠકમાં આર્થિક, વ્યૂહરચના અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા માટે અનેક સમજૂતી કરારો (MoUs) ની આપ-લે કરવામાં આવી હતી.
ભારતીય ફળો અને દવાઓ માટે વિયેતનામનું બજાર ખુલશે
પીએમ મોદીએ સંયુક્ત પ્રેસ નિવેદનમાં ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચેના નવા કરારથી વિયેતનામમાં ભારતીય દવાઓની પહોંચ વધશે. આ ઉપરાંત ભારતના કૃષિ, મત્સ્યોદ્યોગ અને પશુ પેદાશોની નિકાસ પણ સરળ બનશે. પીએમ મોદીએ રસપ્રદ માહિતી આપતા કહ્યું કે, "ખૂબ જ જલ્દી વિયેતનામના લોકો ભારતની દ્રાક્ષ અને દાડમનો સ્વાદ માણી શકશે, જ્યારે ભારતીયો વિયેતનામના ખાસ 'પોમેલો' (ચકોતરા) ફળનો આનંદ લેશે."
ભવિષ્યના સેક્ટર્સ પર વિશેષ ધ્યાન
ભારત અને વિયેતનામ હવે માત્ર પરંપરાગત વેપાર પૂરતા મર્યાદિત નથી. બંને દેશોએ ક્રિટિકલ મિનરલ્સ, રેર અર્થ એલિમેન્ટ્સ અને એનર્જી સેક્ટરમાં સહયોગ વધારવાનો નિર્ણય લીધો છે. આ પહેલથી બંને દેશોની આર્થિક સુરક્ષા અને સપ્લાય ચેઈન મજબૂત બનશે. આ ઉપરાંત એર કનેક્ટિવિટી વધારવા અને ફાઈનાન્શિયલ કનેક્ટિવિટી માટે બંને દેશોની સેન્ટ્રલ બેંકો વચ્ચે સહયોગ વધારવા માટે પણ મહત્વની જાહેરાત કરવામાં આવી છે.
ASEAN દેશો સાથેના વેપારને મળશે નવી ગતિ
આ વર્ષના અંત સુધીમાં ભારત-આસિયાન (India-ASEAN) વેપાર કરારને અપડેટ કરવા માટે પણ સહમતી સધાઈ છે. આનાથી ભારત અને તમામ આસિયાન દેશો વચ્ચે રોકાણ અને વેપારને નવો વેગ મળશે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કનેક્ટિવિટી અને ક્ષમતા નિર્માણ એ આપણી ભાગીદારીના મહત્વના સ્તંભો છે. આ મુલાકાત દક્ષિણ-પૂર્વ એશિયામાં ભારતના પ્રભુત્વ અને વિયેતનામ સાથેની મિત્રતાને વધુ ગાઢ બનાવનારી સાબિત થશે.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
