<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd October 2026

વોટ્સએપ અને ટેલિગ્રામ સહિતની મેસેજિંગ એપ્સ માટે સરકારના નવા નિયમો : ૧ જાન્યુઆરીથી સિમ બાઇન્ડિંગ અનિવાર્ય બનશે

ડિજિટલ ફ્રોડ રોકવા માટે સરકારે ૩૧ ડિસેમ્બર સુધીની સમયમર્યાદા આપી : સિમ વગર એપ નહીં ચાલે : મલ્ટી-ડિવાઈસ યુઝર્સ અને ટેબ્લેટ યૂઝર્સને થશે અસર

નવી દિલ્હી  : ભારત સરકારના નવા ટેલિકોમ સાયબર સુરક્ષા નિયમો હેઠળ વોટ્સએપ (WhatsApp), ટેલિગ્રામ (Telegram) અને સિગ્નલ (Signal) જેવી લોકપ્રિય મેસેજિંગ એપ્સને હવે ફોનમાં રહેલા અસલ સિમ કાર્ડ સાથે લિંક રાખવું અનિવાર્ય બનશે. આ કમ્પ્લાયન્સ માટેની અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર છે, જ્યારે નવા નિયમો ૧ જાન્યુઆરીથી અમલમાં આવશે.

સિમ બાઇન્ડિંગ એટલે શું?:
હાલની વ્યવસ્થામાં એપ માત્ર એક જ વાર એસએમએસ કોડ દ્વારા વેરિફિકેશન કરે છે, અને ત્યારબાદ સિમ કાર્ડ કાઢી નાખવા કે બદલી નાખવા છતાં એપ ચાલુ રહે છે. પરંતુ 'સિમ બાઇન્ડિંગ' નિયમ લાગુ થયા બાદ એપ હંમેશા ડિવાઇસમાં ઇન્સ્ટોલ કરેલા સક્રિય સિમ કાર્ડ સાથે જોડાયેલી રહેવી પડશે. સંચાર મંત્રાલયના જણાવ્યા અનુસાર, રજિસ્ટર્ડ અને એક્ટિવ સિમ વગર યુઝર્સ આ એપ્સનો ઉપયોગ કરી શકશે નહીં.

સરકાર શા માટે આ નિયમ લાવી રહી છે?:
ટેલિકોમ વિભાગ (DoT) ના મતે, સાયબર ગુનેગારો હાલની સિસ્ટમનો દુરુપયોગ કરીને મોટા પાયે અને સરહદ પારના ડિજિટલ કૌભાંડો આચરે છે. સિમ વગર પણ એકાઉન્ટ ચાલુ રહેવાથી કૌભાંડીઓ ભારતીય ફોન નંબરોનો ઉપયોગ કરીને 'ડિજિટલ અરેસ્ટ' જેવા કોલ્સ કરે છે અને સરકારી અધિકારી તરીકે ઓળખ આપે છે. સંચાર મંત્રાલયના આંકડા મુજબ ગત વર્ષે સાયબર ફ્રોડથી થયેલું નુકસાન ₹૨૨,૮૦૦ કરોડથી વધુ હતું. ટેલિકોમ સાયબર સુરક્ષા નિયમો હેઠળ જારી કરાયેલા આ નિર્દેશો ટેલિકોમ આઇડેન્ટિફાયરના દુરુપયોગને અટકાવવા અને ડિજિટલ ઇકોસિસ્ટમની સુરક્ષા માટે જરૂરી પગલું છે.

કઈ કઈ એપ્સ આવરી લેવાઈ છે?:
૨૮ નવેમ્બર ૨૦૨૫ ના રોજ જારી કરાયેલા આ આદેશમાં વોટ્સએપ, ટેલિગ્રામ, સ્નેપચેટ (Snapchat), અટ્ટાઈ (Arattai), શેરચેટ (ShareChat), જોશ (Josh), જિયોચેટ (JioChat) અને સિગ્નલનો સમાવેશ થાય છે. ભારતમાં આશરે ૫૦ કરોડ યુઝર્સ ધરાવતું વોટ્સએપ આનાથી સૌથી વધુ પ્રભાવિત થવાની સંભાવના છે.

સમયમર્યાદા કેમ લંબાવવામાં આવી?:
ટેકનિકલ પડકારોને કારણે ઉદ્યોગ જગતની ચિંતાઓને ધ્યાનમાં રાખીને સરકારે સમયમર્યાદા લંબાવી છે. આ ઉપરાંત નિયમોમાં કેટલાક હળવાશ પણ અપાઈ છે, જેમ કે વેબ વર્ઝન માટે દર છ કલાકે લોગ આઉટ થવાની અગાઉની શરતને બદલે હવે રિસ્ક-બેઝ્ડ લોગઆઉટ નિયમ રખાયો છે. વોટ્સએપે એન્ડ્રોઇડ પર સિમ બાઇન્ડિંગનું બેટા ટેસ્ટિંગ પણ શરૂ કરી દીધું છે.

યુઝર્સ પર શી અસર થશે?:
નવા નિયમોના કારણે યુઝર્સ સામે અનેક મુશ્કેલીઓ આવી શકે છે:
 * સિમ કાઢી નાખવા કે ડીએક્ટિવ કરવાથી મેસેજિંગ એપ્સ કામ કરવાનું બંધ કરી શકે છે.
 * વોટ્સએપ વેબ અને અન્ય લિંક્ડ ડિવાઇસ પર યુઝર્સે વધુ વખત લોગ ઇન કરવું પડી શકે છે, જો કે DoT ઇચ્છે છે કે યુઝર્સ ક્યૂઆર કોડ (QR Code) દ્વારા ડિવાઇસ ફરી લિંક કરી શકે.
 * ટેબ્લેટ અને સેકન્ડરી ફોન જેવા સિમ વગરના ઉપકરણો પ્રતિબંધોનો સામનો કરી શકે છે.
 * મુસાફરી દરમિયાન સિમ બદલતા અથવા અનેક ઉપકરણો પર મેસેજિંગ એપ્સ વાપરતા લોકોને અવરોધો નડી શકે છે.

આગળ શું પગલાં લેવાશે?:
કટ્સ ઇન્ટરનેશનલ (Cuts International) ના સર્વે મુજબ ૮૦ ટકા ગ્રાહકો અને ૬૦ ટકાથી વધુ નાના વ્યવસાયોએ આ નિયમોથી અડચણો ઊભી થવાની આશંકા વ્યક્ત કરી છે. ૮૬ ટકા યુઝર્સે જણાવ્યું કે તેઓ પરિવારના સભ્યો સાથે ફોન કે સિમ શેર કરે છે. નિયમોનું પાલન ન કરનાર એપ્સ સામે ટેલિકોમ્યુનિકેશન્સ એક્ટ, ૨૦૨૩ અને ટેલિકોમ સાયબર સિક્યોરિટી રૂલ્સ, ૨૦૨૪ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આ ઉપરાંત DoT ફોન નંબરો અસલ યુઝર્સના છે કે નહીં તે ચકાસવા માટે 'મોબાઇલ નંબર વેરિફિકેશન પ્લેટફોર્મ' પણ લાવવાની યોજના બનાવી રહી છે.

(11:42 PM IST)