News of Wednesday, 25th November 2026
આસામમાં નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ : ભારત બનશે હેવી મશીનરી હબ: મોદી કેબિનેટના 4 ધમાકેદાર નિર્ણયો
સિલચરના ડોલુ ખાતે ₹2,014 કરોડના એરપોર્ટ સાથે પૂર્વોત્તર ભારતને મળશે નવી ઉડાન : ક્રેન-બુલડોઝર ઉત્પાદન માટે ₹11,000 કરોડ : કામરાજર પોર્ટના બીજા કન્ટેનર ટર્મિનલ અને પોસ્ટલ-એસ્ટેટ યોજનાઓને કેબિનેટની લીલી ઝંડી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં બુધવારે માળખાગત સુવિધાઓ અને ઔદ્યોગિક વિકાસને મોટી ગતિ આપતા ચાર મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. કેબિનેટના નિર્ણયોની માહિતી આપતા અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આસામના સિલચરમાં ડોલુ ખાતે ₹2,014 કરોડના ખર્ચે નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટને મંજૂરી આપવામાં આવી છે, જે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ના આંતરિક સંસાધનોથી બનશે. 12,351 ચોરસ મીટરના ટર્મિનલ અને 2,705 મીટર લાંબા રનવે ધરાવતું આ એરપોર્ટ વાર્ષિક 1.01 મિલિયન મુસાફરોની ક્ષમતા સાથે બરાક ખીણ તેમજ મિઝોરમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને મણિપુર માટે મહત્વનું કનેક્શન હબ બનશે, જેનાથી પ્રવાસન સાથે ફળ-શાકભાજી જેવા નાશવંત માલની કાર્ગો હેરફેરને પણ વેગ મળશે.
દેશમાં ભારે મશીનરીની આયાત ઘટાડી સ્વનિર્ભરતા વધારવા કેબિનેટે બાંધકામ અને માળખાગત સાધનો ના ઉત્પાદન માટે આઠ વર્ષ (FY26-27 થી FY33-34) સુધી ચાલનારી ₹11,000 કરોડની યોજનાને મંજૂરી આપી છે. આ યોજના હેઠળ ટનલ બોરિંગ મશીનો, ક્રેન, બુલડોઝર/ખોદકામ મશીનો, ઓફ-હાઇવે ટ્રક, લોડર, પાઇલિંગ રિગ અને ડ્રિલિંગ મશીનો સહિત સાત શ્રેણીના સાધનોના સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન મળશે, જેનાથી ભારત વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનવાની દિશામાં આગળ વધશે.
આ ઉપરાંત કામરાજર પોર્ટ લિમિટેડ ખાતે GST સહિત ₹4,288.26 કરોડના અંદાજિત ખર્ચે 900 મીટર લાંબા બીજા કન્ટેનર ટર્મિનલના વિકાસને મંજૂરી મળી છે, જેની વાર્ષિક ક્ષમતા 20 મિલિયન TEU રહેશે. સાથે જ ગ્રામીણ કનેક્ટિવિટી અને પોસ્ટલ નેટવર્કને આધુનિક બનાવવા ₹1,141 કરોડની પોસ્ટલ ઓપરેશન્સ સ્કીમ તેમજ પોસ્ટ વિભાગની એસ્ટેટ મેનેજમેન્ટ સ્કીમ માટે ₹1,491 કરોડનું બજેટ ચાલુ રાખવાનો નિર્ણય પણ કેબિનેટે કર્યો છે.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
