News of Saturday, 28th November 2026
GSTના નવા સુધારાથી એક્સપોર્ટરો માટે રિફંડ પ્રક્રિયા સરળઃ રેવન્યુ બ્લોકેજ ઘટશે
એક્સપોર્ટ રિફંડની પ્રક્રિયા સરળ બનાવવા અને ઈ-વે બિલના નામે રસ્તામાં માલવાહક વાહનોને બીનજરૂરી રીતે રોકવાની સમસ્યા દુર કરવાના મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે

મુંબઇઃ તા.૨૮: જીએસટી કાઉન્સિલની ૫૭મી બેઠકમાં લેવાયેલા નિર્ણયોમાં વેપારીઓ, ઉદ્યોગકારો, એક્સપોર્ટરો તેમજ ટ્રાન્સપોર્ટરોને મોટી રાહત આપવામાં આવી છે. જેમાં જીએસટી કમિશનર ડો.સતીશકુમારે જણાવ્યુંહતું કે, નાના-મોટા તમામ કરદાતાઓમાં સમાનતા લાવવાના પુરતા પ્રયાસો કરાયા છે. સાથે ધરપકડની જોગવાઈ દુર કરી અગાઉ જે પેનલ્ટીની રકમ રૂ.૨૫ હજાર હતી તે ઘટાડીને રૂ.૧૦ હજાર કરી દેવાઈ છે. જીએસટી નિષ્ણાંત જગદીશ સુરતીએ કરદાતાઓને માર્ગદર્શન આપતા જણાવ્યું કે, અગાઉ એક્સપોર્ટ રિફંડ માટેની કેટલીક શરતોના કારણે નિકાસકારોને મળેલું રિફંડ પરત કરવાની સ્થિતિ ઊભી થતી હતી. તેના પરિણામે કરોડો રૂપિયાની ટેક્સ નોટિસો આપવામાં આવી હતી અને વેપારીઓની કાર્યકારી મૂડી લાંબા સમય સુધી અટવાતી હતી. નવા સુધારાઓથી રિફંડ ક્લેઈમની પ્રક્રિયામાં સરળતા આવશે અને રેવન્યુ બ્લોકેજ ઘટશે. સાથે નિકાસકારો માટે વિદેશી બ્રાન્ચને આપવામાં આવતી સેવાઓને એક્સપોર્ટ ઓફ સર્વિસિસ તરીકે ગણવાની જોગવાઈ, આરબીઆઈની મંજૂરી હેઠળ ભારતીય રૂપિયામાં મળતી નિકાસની ચુકવણી અંગે સ્પષ્ટતા તથા વિદેશી ગ્રાહકોના માલનું ભારતમાં રિપેરિગ, ટેસ્ટિંગ અને પ્રોસેસિગ કરતી સેવાઓને લગતા નિયમોમાં રાહત સૂચવાઈ છે. આ ઉપરાંત એસઈઝેડ અને એફટીડબલ્યુઝેડ મારફતે થતી સપ્લાય તથા ઇનપુટ ટેક્સ ક્રેડિટના રિફંડના મુદ્દાઓ પણ મહત્ત્વના છે.(૪૧.૩)
ટ્રાન્સપોર્ટરો માટે સૌથી મહત્વનો ફેરફાર ઇ-વેબિલની તપાસ અંગે કરાયો : બિનજરૂરી ચેકિંગથી રાહત મળશે!
આ કાઉન્સિલમાં ટ્રાન્સપોર્ટરો માટે સૌથી મહત્ત્વનો ફેરફાર ઈ-વે બિલની તપાસ અંગે છે. જગદીશ સુરતીએ જણાવ્યું કે, અગાઉ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં માલ લઈ જતી વખતે વચ્ચે આવતા ટ્રાન્ઝિટ રાજ્યોમાં પણ વાહનો રોકીને તપાસ કરવામાં આવતી હતી. તેના કારણે ટ્રક ચાલકોનો સમય બગડતો અને માલની ડિલિવરીમાં વિલંબ થતો હતો. હવે ચોક્કસ બાતમીના આધારે જ વાહન રોકવાની જોગવાઈ સૂચવવામાં આવી છે. આ માટે જોઈન્ટ કમિશનર અથવા તેનાથી ઉપરના અધિકારીની મંજૂરી અને લેખિત કારણો જરૂરી રહેશે. સામાન્ય રીતે તપાસની કાર્યવાહી માલ મોકલનારા અથવા માલ લેનારા જે રાજ્યમાં હોય ત્યાં જ કરવાની રહેશે. જોકે ઈ-વે બિલ કે માલની હેરફેર દર્શાવતા જરૂરી દસ્તાવેજો નહીં હોય તેવા કિસ્સામાં અપવાદરૂપ કાર્યવાહી થઈ શકશે. આ ફેરફારોથી એક્સપોર્ટરોની મૂડી અટવાવાની સમસ્યા ઘટશે અને ટ્રાન્સપોર્ટરોને બિનજરૂરી ચેકિગથી રાહત મળશે.
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
