<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

થાઇલેન્ડ જતાં ભારતીય પ્રવાસીઓ માટે નવી ગાઇડલાઇન જાહેર: વિઝા વગર પ્રવેશ મળશે, પણ આ નિયમોનું પાલન કરવું પડશે ફરજિયાત

૧૫ સપ્ટેમ્બરથી વિઝા-ફ્રી એન્ટ્રી માટે રિટર્ન ટિકિટ, હોટેલ બુકિંગ અને ૨૦,૦૦૦ થાઇ બાહ્ટ (THB) રોકડા રાખવા અનિવાર્ય: મુસાફરીના ૭૨ કલાક પહેલાં ડિજિટલ એરાઇવલ કાર્ડ પણ ભરવું પડશે

બેંગકોક, તા.૦૯: બેંગકોક અને થાઇલેન્ડના સુંદર બીચની મુલાકાત લેવાનું આયોજન કરી રહેલા ભારતીય પ્રવાસીઓ માટે થાઇલેન્ડ સરકારે એક ખાસ એડવાઇઝરી અને માર્ગદર્શિકા જારી કરી છે. ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૬થી થાઇલેન્ડ તેની વિઝા મુક્ત (Visa-Free) પ્રવેશ સુવિધા હેઠળ આવતા ભારતીય સામાન્ય પાસપોર્ટ ધારકો માટે નવી શરતો લાગુ કરી રહ્યું છે. આ સુવિધા હેઠળ ભારતીયો વિઝા વિના ૩૦ દિવસ સુધી થાઇલેન્ડમાં રહી શકશે, પરંતુ ઇમિગ્રેશન પ્રક્રિયા દરમિયાન કેટલાક આવશ્યક દસ્તાવેજો અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવું પડશે.

નવી માર્ગદર્શિકા મુજબ, પ્રવાસીઓ પાસે થાઇલેન્ડ પહોંચવાની તારીખથી ઓછામાં ઓછી ૬ મહિનાની માન્યતા (Validity) ધરાવતો પાસપોર્ટ હોવો જરૂરી છે. આ ઉપરાંત, કન્ફર્મ થયેલી રિટર્ન ટિકિટ, હોટેલ બુકિંગના પુરાવા અને સ્પષ્ટ ટ્રાવેલ પ્લાન સાથે રાખવો પડશે. સૌથી મહત્વની બાબત એ છે કે દરેક ભારતીય પ્રવાસીએ પોતાની પાસે ઓછામાં ઓછા ૨૦,૦૦૦ THB (થાઇ બાહ્ટ) ની રોકડ રકમ રાખવી ફરજિયાત બનાવવામાં આવી છે. ઇમિગ્રેશન કાઉન્ટર પર પહોંચતા પહેલાં જ પ્રવાસીઓએ આ તમામ દસ્તાવેજો હાથવગા રાખવાના રહેશે.

પ્રવાસીઓએ મુસાફરી શરૂ કરતા પહેલાં જ એક ખાસ ઓનલાઇન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. થાઇલેન્ડ પહોંચવાના ૭૨ કલાકની અંદર અધિકૃત વેબસાઇટ પર જઈને 'થાઇલેન્ડ ડિજિટલ અરાઇવલ કાર્ડ' (Digital Arrival Card) ભરવું અનિવાર્ય છે. એડવાઇઝરીમાં સ્પષ્ટ જણાવાયું છે કે જો કોઈ ટૂરિસ્ટ ગ્રૂપ કે પરિવાર મુસાફરી કરી રહ્યો હોય, તો જૂથના દરેક સભ્યએ પોતાના તમામ જરૂરી દસ્તાવેજો વ્યક્તિગત રીતે પોતાની સાથે રાખવાના રહેશે.

સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે થાઇલેન્ડમાં નોકરીની ઓફર ધરાવતા લોકોએ આ વિઝા મુક્તિ સુવિધાનો ઉપયોગ કરવો નહીં અને યોગ્ય વર્ક વિઝા જ મેળવવા. તેમજ થાઇલેન્ડ થઈને અન્ય દેશમાં જતા ટ્રાન્ઝિટ મુસાફરોએ પણ તેમના અંતિમ ડેસ્ટિનેશન માટેના જરૂરી વિઝા અને દસ્તાવેજો સાથે રાખવાના રહેશે. ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રાલય (MEA) ના ડેટા મુજબ, ભારતીયો માટે વિઝા મુક્ત મુસાફરીની યાદીમાં થાઇલેન્ડ ઉપરાંત અન્ય ઘણા પ્રિય દેશોનો પણ સમાવેશ થાય છે.

(5:24 PM IST)